Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ડેડિયાપાડામાં સગીરા પર 6 નરાધમોનો ગેંગરેપ: કેફી પીણું પીવડાવ્યું હોવાનો સગીરાનો આક્ષેપ

ડેડિયાપાડામાં સગીરા પર 6 નરાધમોનો ગેંગરેપ: કેફી પીણું પીવડાવ્યું હોવાનો સગીરાનો આક્ષેપ

0
3
  • ધોરણ 11ની વિદ્યાર્થિનીને 5 પુખ્ત વયના યુવાન અને 1 સગીર કિશોરે ફોસલાવીને સામૂહિક દુષ્કર્મ આચર્યું, ગણતરીના કલાકમાં બળાત્કારીઓ ઝબ્બે
  • પીડિતા અને દુષ્કર્મ આચરનારા તમામ આરોપીઓનું તબીબી પરીક્ષણ કરાવાશે, આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય મહેશ વસાવાની માંગ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એક સગીરા પર 6 નરાધમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ડેડીયાપાડામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બળાત્કારના આ આરોપીઓ અધવચ્ચેથી ભણતર છોડી છૂટક મજૂરી કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઘટનાની વિગતો મુજબ ડેડીયાપાડા બારોટ સ્કૂલ પાછળના પી.ડબ્લ્યુ.ડી ના કંડમ મકાનમાં એક સગીર મિત્ર મળવા બોલાવે એવું કહી ડેડીયાપાડાનો અંકિત વસાવા ડેડીયાપાડાની એક સગીરાને લઈ ગયો અને એની મરજી વિરુદ્ધ સગીરા સાથે શરીર સબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી.બાદ અંકિત સગીરાને ધામણ ખાડીના સામેના કિનારે લઈ ગયો જ્યાં પહેલેથી જ હાજર આકાશ અશોક વસાવા અને અન્ય એક સગીર કિશોરે સગીરા સાથે બળાત્કાર કર્યો હતો.બાદમાં સગીર કિશોર સગીરાને ધમકી આપી પોતાના ખેતરમાં લઈ ગયો જ્યાં આખી રાત એને ગોંધી રાખી સગીર કિશોરે પહેલેથી જ ત્યાં હાજર અન્ય મિત્રો રવિ અતુલ માછી, રાહુલ છગન વસાવા અને રાહુલ જયેશ સોલંકીએ સગીરા સાથે વારા વારા ફરથી સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગેંગરેપ બાદ ગભરાયેલી સગીરા તેના માસીના ઘરે જતી રહી હતી.જ્યાં પરિવારજનોએ તેના ગુમ થયા અંગે પુછપરછ કરતાં સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર ગેંગરેપ થયો હતો જેના કારણે તે ઘરે આવી ન્હોતી, જેથી તેના પરિવારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશને લવાઈ હતી.આ મામલે ડેડીયાપાડા પોલીસ ઘટનાની ગંભીરતા લઈ અલગ અલગ ટિમો બનાવી સામુહિક બળાત્કારના તમામ આરોપીઓને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.ટીમની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની ઘટનામાં કિશોરીનું મેડિકલ પરિક્ષણ કરવા સહિત દુષ્કર્મ આચરનારા 1 સગીર કિશોર સહીત 5 પુખ્ત વયના આરોપીઓનું પણ સરકારી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવાશે.જેના રિપોર્ટના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.

બીજી બાજુ મહિલા પોલીસ દ્વારા બાળકીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. મહિલા પોલીસ કાઉન્સિલર દ્વારા સગીરાની સમજાવટ કરી દુષ્કર્મ આચરનારા બાળકોની વિગતો એકત્ર કરાઇ હતી.આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા ડો. હિમકરસિંહે જણાવ્યું હતું કે સામુહિક બળાત્કારની ઘટનામાં 5 આરોપીઓ પુખ્ત વયના જ્યારે 1 આરોપી સગીર વયનો છે.આરોપીઓ વિરુદ્ધ પોકશો હેઠળ ગુનો નોંધી એક આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.જ્યારે આ કેસની તપાસ કરતા ડી.વાય.એસ.પી એસ.જે.મોદીએ જણાવ્યું હતું કે આ આરોપીઓના રિમાન્ડ મેળવી ઊંડાણ પૂર્વક તપાસ કરાશે.પીડિતાને પૂરતો ન્યાય મળી રહે એ માટે કડક કાર્યવાહી કરવામાં પાછી પાની નહિ કરાય.

મને કેફી પીણું પીવડાવ્યા બાદ મારી સાથે બળાત્કાર કરાયો: પીડિત સગીરાનો આક્ષેપ
આ બાબતે પીડિત સગીરાએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે હું ઘરેથી ડેડીયાપાડા ડેપો માં પાસ કઢાવવા આવી હતી.દરમિયાન મને ત્યાંથી જબરજસ્તી લઈ ગયા અને કેફી પીણું પીવડાવી મારી સાથે મારી મરજી વિરુદ્ધ 5 થી 6 લોકોએ બળાત્કાર કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat