Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા રાજકીય પક્ષોની માંગ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા રાજકીય પક્ષોની માંગ

0
18
  • પ્રવર્તમાન સંજોગોમાં ચૂંટણી યોજવી હિતાવહ નહીં હોવાની રજૂઆત

  • કોંગ્રેસ તથા આપ પક્ષ દ્વારા રાજય ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી

ગાંધીનગર: ગુજરાતમાં કોવિડ 19ના કેસોમાં તબક્કાવાર વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ વેક્સિનેશનની પ્રક્રિયા અત્યારે હાલ ચાલી રહી છે. આવા સંજોગોમાં ચૂંટણી પ્રચાર અને ચુંટણી પ્રક્રિયાથી પ્રજાજનો અત્યંત નારાજ છે જેથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી મુલતવી રાખવામાં આવે તેવી માંગ રાજકીય પક્ષોમાં ઉઠી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તથા આપ દ્વારા રાજયના ચૂંટણી કમિશનર સંજયપ્રસાદને લેખિતમાં રજૂઆત કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ રાજય ચૂંટણી કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અગાઉ રાજયની છ મહાનગરપાલિકાઓની જાહેરાત પૂર્વે તે છ મહાનગરપાલિકાની ચુંટણીઓની સાથે યોજવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ રજૂઆત ધ્યાને લેવામાં આવી ન હતી. ત્યારબાદ પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં પહેલાં કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ કોવિડ 19ની મહામારી અને બીજી લહેરને ધ્યાનમાં રાખીને હાલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી નહીં યોજવા અને વહીવટદાર મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં કોંગ્રેસની વારંવારની ગંભીર રજૂઆત અને માંગણીને અવગણીને રાજય ચુંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજય ચુંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની જાહેરાત પછી કોવિડ 19ના કેસોમાં જબરજસ્ત વિસ્ફોટ થયો છે. સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. કોવિડ 19ની મહામારીનું સંક્રમણ બેકાબૂ બન્યં છે. હાઇકોર્ટે પણ લોકડાઉન કરવું પડે તેવા નિર્દેશો આપ્યા છે. પરિણામ સ્વરુપે સરકારને રાજયના 20 શહેરોમાં રાત્રિ કરફયૂ લાદવાની ફરજ પડી છે. આ સંજોગોમાં ચુંટણીનો પ્રચાર-પ્રસાર દરમિયાન પણ પ્રજાજનોમાં પણ વર્તમાન સંજોગોમાં ચુંટણી મુલતવી રાખવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે અને પ્રજાજનો ચુંટણી પ્રચાર અને ચુંટણી પ્રક્રિયાથી અત્યંત નારાજ છે.

વધુમાં તેમણે કહ્યું છે કે, આગામી બે સપ્તાહમાં કોવિડ 19ની મહામારીના સંક્રમણમાં વિક્રમજનક વધારો થવાનું તજગ્નોનું અનુમાન છે. બીજી તરફ વેક્સિનેશનની પ્રક્રિયા હાલ ચાલુ છે. જે પૂર્ણ થયે નાગરિકોને સંક્રમણ સામે સુરક્ષા મળશે. જયાં સુધી પરિસ્થિતિ કાબૂમાં આવે નહીં ત્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલતવી રાખવામાં આવે તેવી કોંગ્રેસની માંગણી છે.

બીજી તરફ આમ આદમી પાર્ટી ( આપ ) ગુજરાતના લીગલ સેલ દ્વારા પણ રાજયના ચુંટણી પંચને મેઇલ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ત્રણ મહિના માટે મુલતવી રાખવાની માંગણી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોવિડ 19નું સંક્રમણ સર્વાધિક સ્તરે હોવાથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવા આ અમારી રજૂઆત છે. રાજય ચૂંટણી પંચ પાસે ચુંટણી ત્રણ મહિના મુલત્વી રાખવાની સત્તા છે તેમ છતાં જો ચુંટણી યોજવાનો નિર્ણય લઇને લોકોના જીવ જોખમમાં મૂકવા તે અયોગ્ય નિર્ણય છે..

વધુમાં જણાવ્યું છે કે, સીનીયર સીટીઝન તથા કોમોર્બીડ ( બિમારી ધરાવતા ) વ્યક્તિઓને વેક્સિનેશનનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. બીજો ડોઝ 4થી 8 સપ્તાહમાં આપવાના છે. જો તમે ચુંટણી મોકૂફ રાખો તો મોટાભાગના મતાધિકાર ધરાવતાં મતદારો વેકસીનેશન લીધાં બાદ સુરક્ષિત થઇ જશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat