ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાએ રાજીનામું આપી દીધુ છે. ગાંધીનગર બિનસચિવાયલની પરીક્ષા 13 તારીખે લેવામાં આવાની છે તે પહેલા જ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ગાંધીનગર બિનસચિવાયલ અને હેડ ક્લાર્કની પરીક્ષા તટસ્થ રીતે લેવાય તે માટે રાજય સરકારે અસિત વોરાનું રાજીનામું લઇ લીધુ છે.
રાજ્યના યુવાનો અને પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કાંડ બાદ મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બની હતી. આ મામલે સરકારે વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલા ભરવા મુખ્યમંત્રીએ કહી દીધુ હતું. અગાઉ વારંવાર રાજ્યમાં સરકારી પરીક્ષાના પેપરો ફુટતા સરકારે પણ અસિત વોરા પાસે રાજીનામું માંગ્યુ છે તેવા પણ સમાચાર વહેત થયા હતા.
જણાવી દઈએ કે અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ સરકારમાં દોડધામ મચી ગઇ હતી. જે બાદ અસિત વોરાનું રાજીનામું લેવા ઉગ્ર માંગ ઉઠી હતી.