Gujarat Exclusive > The Exclusive > #Column: ગાંધીજીના ભત્રીજા નારાયણદાસ પૂર્વ CM ઢેબરભાઇના અનન્ય રાહબર

#Column: ગાંધીજીના ભત્રીજા નારાયણદાસ પૂર્વ CM ઢેબરભાઇના અનન્ય રાહબર

0
64

મિત્ર – જે પર સુખ દુ:ખ વારીએ તે લાખોમાં એક-જય નારાયણ વ્યાસ

મિત્ર કેવો હોવો જોઈએ અને જીવનમાં એનું સ્થાન શું છે તે બાબત ગાંધીજીના બીજા ભત્રીજા નારાયણદાસ (Gandhiji’s nephew Narayandas )ગાંધીનો ઉલ્લેખ કરીને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી અને ગાંધી મૂલ્યોને પોતાના જીવનના કેન્દ્રસ્થાને મૂકીને જીવનાર શ્રી ઢેબરભાઈની આત્મકથાના પાના નંબર 146 ઉપર નીચે મુજબ લખાયું છે.

“ગાંધીજીની સૈનિકી શિસ્તની નવાજેશ પામેલા નારાયણદાસ (Gandhiji’s nephew Narayandas )ગાંધી અશબ્દ કર્મવીર, જીવનના વ્યક્તિગત કે સમષ્ટિગત બધાય પ્રશ્નોમાં ઢેબરના એક અને અનન્ય રાહબર રહ્યા. ઢેબર મિત્રોને કહેતા કે જીવનમાં એક વ્યક્તિ તો એવી હોવી જોઈએ કે જે ધૂંધળા આકાશમાં ધ્રુવનું દર્શન કરાવે, જેની પાસે મનના બધાય ભાવો વ્યક્ત કરી અંતર હળવું કરી શકાય.”

‘ધૂંધળા આકાશમાં ધ્રુવનું દર્શન કરાવે’ ખૂબ જ સૂચક વાક્ય છે. એક તો અંધારી રાત હોય ત્યારે જ આકાશમાં ધ્રુવનો તારો સારામાં સારી રીતે જોઈ શકાય. પૂનમના અજવાળામાં તો એ દેખાય જ નહીં. બીજું ધ્રુવ અવિચળ છે.

અગાઉના જમાનામાં જ્યારે માણસ હરણી (હરણીયા) સપ્તર્ષિ, અરુંધતી અને ધ્રુવનો તારો વગેરેને આધારે સમય અને દિશાઓ જાણતા ત્યારે બિલકુલ અવિચળ સ્થાને રહેનાર ધ્રુવ માત્ર અવિચળ ભક્તિનું પ્રતીક હતો એવું જ નહીં પણ દિશાસૂચક પણ હતો.

ભજન ‘હરિને ભજતાં હજી કોઈની લાજ જતા નથી જાણી રે’માં એક પંક્તિ આવે છે ‘ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.’

ધ્રુવ એટલે અવિચળ ભક્તિ અને ધ્રુવ એટલે સ્પષ્ટ દિશા. જીવનમાં નીતિનિયમો આધારિત વ્યવહાર કેવો હોવો જોઈએ અને તેની સાથોસાથ એ ભક્તિની દિશા અવિચળ એટલે કે સ્પષ્ટ રીતે નિર્ધારાયેલ જ હોય, તેનો સમય આવે માર્ગદર્શન આપે અને જીવનકાર્ય સમજાવે એ માટે અર્જુનને જેમ કૃષ્ણે ઉપદેશ આપ્યો હતો કે તારો ધર્મ યુદ્ધ કરવાનો છે અને માટે મનની બધી જ દુર્બળતા છોડીને તું ઊભો થા!

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप।।“

અને આ જ કૃષ્ણે ભાવુક થઈને પોતે મહારાજાધિરાજ, અતિ શક્તિશાળી, સુવર્ણ જેવી સમૃદ્ધિમાં આળોટતા હોવા છતાં સુદામો જ્યારે મળવા આવ્યો ત્યારે એને ગળે લગાડ્યો હતો અને સંવાદ થયો હતો – ‘પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે… હાજી નાનપણાંની પ્રીત મને કેમ વિસરે રે…’

અદભૂત – માત્ર ને માત્ર અદભૂત મિત્ર છે જેની પાસે પોતાની દરિદ્રતા દૂર કરવા સુદામાની પત્નીએ એમને ધકેલ્યા હતા. પણ વગર કહે મિત્રના મનને કળી જાય એ કૃષ્ણ. સુદામાએ ક્યાંયે માગ્યું નહીં અને આમ છતાં મિત્ર કૃષ્ણે વણમાગ્યે, વગર બોલ્યે બધું જ આપી દીધું!

માણસ ગમે તેવો શક્તિશાળી હોય, ગમે તેવો સામર્થ્યવાન હોય, એને પણ અર્જુનની જેમ ક્યારેક તો વિષાદ થાય છે અને ત્યારે જેની પાસે મનના બધા જ ભાવ વ્યક્ત કરીને હળવા થઈ શકાય એવો મિત્ર જરૂરી છે. જીવનમાં આવો મિત્ર (Gandhiji’s nephew Narayandas )મળી જાય તો ધન્ય થઇ જવાય અને એટલે જ કહ્યું છે –

શેરી મિત્રો સો મળે
તાળી મિત્રો અનેક
પણ જે પર સુખ દુ:ખ વારીએ
એ લાખોમાં એક.

જરા અંતરના ઊંડાણમાં ડોકિયું કરી જોજો. આવો મિત્ર તમારી પાસે છે? જો હોય તો તમે દુનિયાના સૌથી વધુ નસીબદાર અને ધનવાન વ્યક્તિ છો.