Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિદ્યાર્થીઓના હક માટે જિજ્ઞેશ મેવાણી મેદાનમાં, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

વિદ્યાર્થીઓના હક માટે જિજ્ઞેશ મેવાણી મેદાનમાં, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

0
2296

વિદ્યાર્થીઓ દ્વારા લગાવેલી ક્રાંતિની ચિંગારીથી એક મોટો ભડકો થયો છે અને હવે વિપક્ષ પણ તેમના હકને લઇને કમર કસી લીધી છે. આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં સરકારનો ઘેરાવ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ સહિત વિપક્ષ અને ખેડૂત આગેવાનો સરકારનો વિરોધ કરવા માટે એકઠા થયા છે. અહીં વિપક્ષ નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત અન્ય નેતાઓ હાજર છે, જેઓ વિધાનસભા તરફ કૂચ કરશે.

જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતુ કે, સરકારે પરીક્ષામાં ગેરરીતિ થવાનું કબૂલ કર્યું હોવા છતાં પણ સરકાર કેમ પરીક્ષા રદ્દ કરી રહી નથી. આજે વિદ્યાર્થીઓના હક માટે વિપક્ષને રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે. વિદ્યાર્થીઓને પોતે પોતાના હકો માટે રસ્તા ઉપર આવવું પડ્યું છે, તે છતાં સરકાર તેમના તરફ જોઇએ તે પ્રમાણે ધ્યાન આપી રહી નથી.

આજના વિપક્ષના કાર્યક્રમને પણ નિષ્ફળ બનાવવા માટે સરકાર પોલીસનો સહારો લઇ રહી છે. મૂળ જગ્યા જ્યાં આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું ત્યાં પોલીસની દમનગીરીના લીધે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા આવી શકી નથી. ગાંધીનગરની હોસ્ટેલોમાં રહેતા અને ક્લાસિક કરતા યુવકોને આજના આંદોલનમાં શામિલ ન થાય તે માટે પોલીસ દરમિયાનગિરી કરી રહી છે. વિપક્ષ અનુસાર, પોલીસ સરકારનો હાથો બનીને કામ કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે હજારો વિદ્યાર્થી ત્રણ દિવસથી ગાંધીનગરમાં પ્રદર્શન કરી રહ્યાં છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને સાથ આપવાની જગ્યાએ સરકારનો સાથ આપ્યો હતો અને SITની રચના થયા બાદ પરીક્ષાર્થીઓને આખી રાત ભૂખ્યા-તરસ્યા મુકી ભાગી ગયો હતો. SITની રચના બાદ પણ વિદ્યાર્થીઓએ જ્યાર સુધી પરીક્ષા રદ કરવામાં ના આવે ત્યાર સુધી આંદોલન ચાલુ રાખવાનું કહ્યું હતું.

પરીક્ષાર્થીઓ જ્યારે એકલા હતા ત્યારે કોંગ્રેસે મોડી રાત્રે ટેકો જાહેર કર્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જાતે જ રસોઇ બનાવી આંદોલનકારીઓને જમાડ્યા હતા અને તેમની સાથે જ ઊંઘી ગયા હતા. બિન સચિવાલય ક્લાર્કની 3910 પદો માટે 10 લાખથી વધુ અરજી કરવામાં આવી હતી. 17 નવેમ્બરે પરીક્ષા યોજાઇ હતી જેમાં 6 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સતત ત્રીજા દિવસે પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે.રાજ્યના અલગ-અલગ જિલ્લામાં એક દિવસના પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં અનેક ધારાસભ્ય જોડાશે. હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પણ પરીક્ષાર્થીઓની સાથે એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ઓક્ટોબર મહિનાથી જ વિવાદમાં છે. 12 નવેમ્બર,2018માં GSSSBએ નોટિફિકેશન કાઢી હતી. 20 ઓક્ટોબરે પરીક્ષા યોજાવાની હતી પરંતુ 11 ઓક્ટોબરે સરકારે આદેશ કર્યો કે પરીક્ષા રદ કરવામાં આવી છે સાથે જ કહેવામાં આવ્યુ કે ગ્રેજ્યુએટ લોકો જ તેમાં અરજી કરી શકે છે અને નવેસરથી પરીક્ષા લેવામાં આવશે. જેના પર ફરીથી વિવાદ થયો હતો. સવાલ ઉઠાવવામાં આવ્યો કે નોટિફિકેશન જાહેર થયા બાદ તેમાં બદલાવ કરી પરીક્ષા રદ નથી કરી શકતા.

ઘણા વિવાદ બાદ પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 17 નવેમ્બરે બિન સચિવાલયની ફરીથી પરીક્ષામાં લેવામાં આવી હતી, તેમાં પણ સરકારની બેદરકારીના કારણે ગેરરીતિ થઇ અને ચાલુ પરીક્ષા દરમિયાન તેના પેપર વોટ્સઅપમાં ફરતા થઇ ગયા હતા.જે બાદ પરીક્ષાર્થીઓ પરીક્ષાને રદ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા અને સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કર્યુ હતું.

તેવામાં હવે વિદ્યાર્થીઓના આંદોલનને કોંગ્રેસ સહિત અન્ય આગેવાનોએ આગળ વધાર્યો છે. તેવામાં આજે વિધાનસભાના શિયાળા સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવાનું કાર્યક્રમ બનાવી લેવામાં આવ્યું છે.