Gujarat Exclusive > દેશ-વિદેશ > આઝાદી બાદ કોરોના સૌથી મોટો પડકાર, પ્લાનિંગ પ્રમાણે કામ કરે ભારત સરકાર: રાજન

આઝાદી બાદ કોરોના સૌથી મોટો પડકાર, પ્લાનિંગ પ્રમાણે કામ કરે ભારત સરકાર: રાજન

0
195

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહામારીના કારણે કથળતી જઈ રહેલી ભારતીય અર્થ વ્યવસ્થા પર રિઝર્વ બેંકના (RBI) પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક બ્લોગ લખ્યો છે. રાજને પોતાના બ્લોગનું શિર્ષક “હાલના દિવસોમાં ભારત માટે સૌથી મોટો પડકાર” રાખ્યું છે. જેમાં તેમણે કેટલાક સંભવિત ખતરા વિશે વિગતવાર જાણકારી આપી છે. જેથી આર્થિક સંકટ સામે લડી શકાય.

તેમણે લખ્યું છે કે, લૉકડાઉનના કારણે ભારતીય અર્થ વ્યવસ્થા માટે આ સંકટનો સમય છે. અર્થ વ્યવસ્થાની દ્રષ્ટિએ વાત કરૂ તો, ભારત સામે સ્વતંત્રતા બાદ આ સૌથી મોટો પડકાર છે. ગત સપ્તાહે સામે આવેલા એક રિપોર્ટ પ્રમાણે, Covid-19ના કારણે ભારતમાં 13.6 કરોડ નોકરીઓ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે.

રાજને લખ્યું છે કે, 2008-09ની આર્થિક મંદીના સમયમાં ડિમાન્ડને મોટો ફટકો પડ્યો હતો. જો કે ત્યારે કર્મચારીઓ કામ પર જતા હતા. જે બાદ આવનારા વર્ષોમાં કંપનીઓમાં આર્થિક ગ્રોથ જોવા મળ્યો હતો.

તેમણે સરકારને આ મહામારીના જોખમને ટળ્યા બાદની પ્લાનિંગ માટે આગ્રહ કરતા લખ્યું છે કે, જો વાઈરસને હરાવી ના શકાય તેમ હોય તો, લૉકડાઉન બાદની યોજના પર કામ કરવું પડશે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન વધારે સમય માટે ખૂબ જ કપરૂ છે. એવામાં આ વાત પર વિચાર કરવો જોઈએ કે, આગામી દિવસોમાં આપણે કેટલીક એવી ગતિવિધિઓ શરૂ કરી શકીએ છીએ.

ગરીબ અને પગારદાર વર્ગ પર તાત્કાલીક ધ્યાન આપવાને લઈને રાજને જણાવ્યું કે, ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર મોટાભાગના લોકો સુધી પહોંચી શકે છે, પરંતુ બધા સુધી નહીં. અનેક લોકોએ આ વિશે જણાવી ચૂક્યા છે. આ ઉપરાંત ટ્રાન્સફર કરવામાં આવનારી રકમ ઘરખર્ચ માટે પૂરતી નથી.

ભારતના બજેટની ઉણપની વાત કરતા રાજને લખ્યું છે કે, અમેરિકા અથવા યુરોપિયન દેશ રેટિંગ્સ ડાઉન ગ્રેડના ડરથી પોતાની GDPના 10 ટકા અથવા વધારે ખર્ચ કરે છે. ભારત સાથે આવું નથી. આ સંકટની સ્થિતિની પહેલા જ દેશની રાજકીય ખોટ વધારે હતી અને આગળ પણ વધારે ખર્ચો કરવો પડશે. આવામાં આપણે ઓછી જરૂરિયાત વાળા ખર્ચમાં વિલંબ કરવો પડશે અને જરૂરી ખર્ચને પ્રાથમિક્તા આપવી પડશે.

રાજને કોરોના વાઈરસના કારણે ઉદ્દભવેલા પડકારોને ધ્યાનમાં રાખીને લખ્યું છે કે, આર્થિક દ્રષ્ટિએ સ્વતંત્રતા બાદ સૌથી મોટી કટોકટીના દૌરમાં છે. સરકારે તેમાંથી ઉગરવા માટે વિપક્ષી પાર્ટીઓ સહિત નિષ્ણાંતોની મદદ લેવી જોઈએ.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના: 24 કલાકમાં 505 નવા કેસ નોંધાયા, કુલ 83ના મોત