ભારતીય લોકો પશ્વિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે જોકે, પશ્વિમી દેશોના લોકો ભારતીય સંસ્કૃતિથી આકર્ષાય છે. વિદેશમાંથી આવીને ભારતયી રીત રિવાજ અપનાવીને શાંતિથી જીવન જીવવા માટે લોકો ભારત આવીને રહે પણ છે ત્યારે તાજેતરમાં આવો જ એક કિસ્સો હિંમ્મતનગરમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં હિંમતનગરના સાકરોડિયા ગામમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો. અહીં યુવક-યુવતી ભારતીય નહીં પરંતુ વિદેશી હતા. જેમાં જર્મન યુવક અને રશિયાની યુવતી હતી. બંનેએ હિન્દુ વિધિ વિધાન સાથે લગ્ન કર્યા હતા.
અનોખા લગ્ન વિશે વાત કરીએ તો સારબકાંઠા જિલ્લાના હિંમ્મતનગર તાલુકાના સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની જેમાં જાનૈયા ગુજરાતી હતા. બે અલગ અલગ દેશના લોકો રવિવારે હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નના તાંતણે જોડાયા હતા.
મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મે આકર્ષેલા. અને આ જ અધ્યાત્મ તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું હતું.તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ હતી. વર વધૂને પીઠી પણ ચોળાઈ. લગ્ન ગીત પણ ગવાયા અને કન્યાદાન પણ અપાયું.
જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્ત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા. આ આકર્ષણ તેમને સાકરોડિયા ગામમાં ખેંચી લાવ્યુ. તેમના મિત્રને હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તરત જ કંકુના કરાયા. કંકોત્રીઓ છપાઈ, કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું.અને લગ્ન સંપન્ન થયા.