નવી દિલ્હી: દિલ્હી દારૂ નીતિ મામલે CBIએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન સીબીઆઇ ઓફિસ બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે CBIની પૂછપરછ દરમિયાન તેમણે ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ. જ્યારે ડેપ્યુટી સીએમના આરોપોની તપાસ એજન્સીએ ફગાવી દીધા છે.
Advertisement
Advertisement
સીબીઆઇની પૂછપરછ બાદ બહાર આવેલા મનીષ સિસોદિયાએ દાવો કર્યો કે તેમની પર આપ છોડવાનું દબાણ નાખવામાં આવ્યુ અને તેમણે મુખ્યમંત્રી બનવાની લાલચ આપવામાં આવી હતી. જોકે, ડેપ્યુટી સીએમના આરોપોને તપાસ એજન્સીએ ફગાવી દીધા છે અને કહ્યુ કે તેમની પૂછપરછ પ્રોફેશનલ અને કાયદાકીય રીતે કરવામાં આવી છે.
મનીષ સિસોદિયાએ એવો પણ દાવો કર્યો કે પૂછપરછ દરમિયાન આ સ્પષ્ટ થઇ ગયુ કે આબકારી નીતિમાં કોઇ કૌભાંડ નહતુ અને આ દિલ્હીમાં ભાજપના ઓપરેશન લૉટસને સફળ બનાવવા માટે દબાણની રણનીતિ હતી. બીજી તરફ સીબીઆઇએ કહ્યુ કે સિસોદિયાના નિવેદનોની તપાસ કરવામાં આવશે અને તપાસની જરૂરીયાત અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા, સીબીઆઇ ઓપિસની બહાર પોલીસે 16 ધારાસભ્ય અને સાંસદ સંજય સિંહ સહિત 119 લોકોની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યુ કે અટકાયતમાં લેવામાં આવેલા લોકો વિરૂદ્ધ વિસ્તારમાં કલમ 144 હેઠળના ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીથી પાર્ટીને કેટલો ફાયદો કેટલું નુકશાન?
સિસોદિયા વિરૂદ્ધ કેસને કેજરીવાલે ખોટો ગણાવ્યો
બીજી તરફ આમ આદમી પાર્ટી આખા કેસને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે. પાર્ટીનું કહેવુ છે કે ભાજપ ગુજરાતમાં આપની વધતી તાકાતથી ગભરાયેલી છે. આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિસોદિયા વિરૂદ્ધ કેસને પુરી રીતે ખોટો ગણાવ્યો હતો અને કહ્યુ કે ડેપ્યુટી સીએમ પોતાની પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે મંગળવારે ગુજરાત જશે. બીજી તરફ દિલ્હી દારૂ નીતિને લઇને ભાજપ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરી રહી છે અને સતત આમ આદમી પાર્ટી અને સિસોદિયા પર નિશાન સાધી રહી છે.
Advertisement