ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની જાહેરાત થઇ ગઇ છે. લોક ગાયક જીગ્નેશ કવિરાજ મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. મૂળ ખેરાલુના જ જીગ્નેશ કવિરાજ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે.
Advertisement
Advertisement
ખેરાલુ બેઠક પરથી જીગ્નેશ કવિરાજ અપક્ષ લડશે
જીગ્નેશ બારોટ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. લોકગાયકોમાં પણ ચૂંટણી લડવાના અભરખા જોવા મળી રહ્યા છે. ખેરાલુ બેઠક પર જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તેવી શક્યતા છે.ખેરાલુ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભૂત્વ રહ્યુ છે અને જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તો મતોનું ધ્રુવીકરણ થઇ શકે છે.
ખેરાલુ બેઠક પર કોંગ્રેસ- આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર થયા
ખેરાલુ બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ખેરાલુ બેઠક પર કોંગ્રેસે મુકેશ દેસાઇને ઉમેદવાર બનાવ્યા છે. મુકેશ દેસાઇ સામાજીક કાર્યકર છે અને છેલ્લા ઘણા વર્ષથી ખેરાલુમાં લોકઉપયોગી કામ કરતા રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુકેશ દેસાઇને ટિકિટ આપી નહતી અને જેને કારણે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભરતસિંહ ડાભીને 59847 મત જ્યારે અપક્ષ ઉમેદવાર મુકેશ દેસાઇને 38432 મત મળ્યા હતા.
આમ આદમી પાર્ટીએ પણ ખેરાલુ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ખેરાલુ બેઠક પરથી ભગત પટેલને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપનો ગઢ રહી છે ખેરાલુ બેઠક
ખેરાલુ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. છેલ્લી ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો આ બેઠક પર વિજય થયો છે. 2002માં રમીલાબેન દેસાઇ આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. તે પછી ત્રણ ટર્મ (2002,2012, 2017)માં ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. ભરતસિંહ ડાભી 2019ની લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી અને પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 2019માં પેટા ચૂંટણીમાં અજમલજી ઠાકોરનો વિજય થયો હતો.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે લેખિતમાં આપ્યુ- ગુજરાતમાં 5 બેઠક પણ કોંગ્રેસ નહી જીતે
ભાજપ કોણે આપશે ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. ખેરાલુ બેઠક પરથી ભાજપ અજમલજી ઠાકોરને રિપિટ કરે તેવી પણ શક્યતા છે. જોકે, આ બેઠક પર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જયરાજ સિંહ પણ ટિકિટની દાવેદારી નોંધાવી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે જ્યારે 8 ડિસેમ્બરે તેના પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement