Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રૂપાણીના અધ્યક્ષસ્થાને વતન પ્રેમ યોજનાની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજાઇ

CM રૂપાણીના અધ્યક્ષસ્થાને વતન પ્રેમ યોજનાની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજાઇ

0
57

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘વતનપ્રેમ યોજના’ અંતર્ગત રાજ્યના ગામોમાં સર્વાંગી વિવિધ વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પાડવાના હેતુસર ડિસેમ્બર- 2022 સુધીમાં રૂ. 1 હજાર કરોડના કામો હાથ ધરવાની નેમ વ્યકત કરી છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશમાં કે દેશ બહાર વિશ્વમાં કયાંય પણ વસતા ગુજરાતીઓ ‘વતનપ્રેમ યોજના’ અન્વયે ગુજરાતમાં પોતાની પસંદગીનું ગામ, પોતાની પસંદગીનું કામ, પોતાની પસંદગીની એજન્સી દ્વારા 60 ટકા પોતાના દાન અને બાકીના રાજ્ય સરકારના 40 ટકા અનુદાનથી કરાવી શકે છે

મુખ્યમંત્રીએ ‘વતનપ્રેમ યોજના’ સોસાયટીની ગવર્નિંગ બોડીની ગાંધીનગરમાં મળેલી પ્રથમ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી આ યોજનાના સુચારૂ અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રાજ્યના ગામોમાં શાળાઓના ઓરડા નિર્માણના કામોને ‘‘વતનપ્રેમ યોજના”માં અગ્રતા આપવાનું પ્રેરક સૂચન પણ આ ગવર્નિંગ બોડીની બેઠકમાં કર્યુ હતું. આવી જરૂરિયાતવાળી શાળાઓના ઓરડાઓ વતન પ્રેમ યોજનાના દાતાઓના દાન અને સરકારના સંયુકત અનુદાનથી તૈયાર કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ યોજનાના વેબપોર્ટલ ઉપર આવા દરેક ગામની શાળાઓમાં ઓરડાની જરૂરિયાતની વિગતો ઉપલબ્ધ કરાવવા શિક્ષણ વિભાગ સાથે સંકલન કરવાની પણ સૂચનાઓ આપી હતી. આ વતનપ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં શાળાના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મઘ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત-ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટીવી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, પંચાયત અને ગ્રામ વિકાસના અધિક મુખ્ય સચિવ વિપૂલ મિત્રા, વિકાસ કમિશનર સંદીપકુમાર, સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા, નાણાં વિભાગના સચિવ મનિષાબેન ચંન્દ્રા, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ડી. એચ. શાહ, પ્રદેશ ભાજપના અગ્રણી ભરતભાઇ પંડયા તેમજ અધિક વિકાસ કમિશનર વિશાલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાનની આ ગવર્નિંગ બોડીમાં ઉપાધ્યક્ષ તરીકે પંચાયત રાજ્ય મંત્રી તેમજ અન્ય સભ્યોમાં પંચાયત અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવો, પાણી પુરવઠા, ગ્રામવિકાસ, માર્ગ મકાન, સાયન્સ ટેકનોલોજી વિભાગના સચિવો ઉપરાંત એન.આર.જી ફાઉન્ડેશનના અધ્યક્ષનો સભ્યો તરીકે તેમજ વિકાસ કમિશનરને સભ્ય સચિવ અને ગ્રામ ક્ષેત્રના વિકાસ કામગીરી સાથે સંકળાયેલા બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રિત સભ્યો તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

વતન પ્રેમ યોજનાના અમલીકરણ માટે શું શું વ્યવસ્થા કરાશે ?

મુખ્યમંત્રી સમક્ષ આ યોજનાના મુખ્ય પાસાંઓને સ્પર્શતું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. ‘વતનપ્રેમ યોજના’ના આ પાસાંઓમાં યોજનાના અસરકારક અમલીકરણ માટે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટની રચના, દાતાઓ સરળતાથી ઓનલાઇન દાન આપી શકે તે માટે રાજ્યકક્ષાએ અલાયદા બેંક એકાઉન્ટ અને પોર્ટલના માધ્યમથી પેમેન્ટની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામના સ્થળે દાતા પ્રત્યે આભાર પ્રગટ કરતી તેમના નામની તકતી મૂકવી ઉપરાંત દાતા દ્વારા સૂચવાયેલા ગામમાં નક્કી થયેલા કામ અને ટાઇપ ડિઝાઇન માટે અલાયદા વેબપોર્ટલની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, વી.સી.ઇ.ની વતનપ્રેમ પ્રેરક તરીકેની પસંદગી અને તેના દ્વારા દાતાને સમયાંતરે કામગીરીની જાણકારી આપવાની વ્યવસ્થા તેમજ યોજના સંબંધી પ્રશ્નોના નિવારણ અને માહિતી આદાન-પ્રદાન માટે અલાયદા 24×7 કોલ સેન્ટરની વ્યવસ્થા પણ આ યોજનાના મુખ્ય પાસાંઓમાં સમાવી લેવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat