Gujarat Exclusive > દેશ-વિદેશ > જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5 પાસે ફરીથી ફાયરિંગ, પોલીસ હરકતમાં

જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5 પાસે ફરીથી ફાયરિંગ, પોલીસ હરકતમાં

0
297

નવી દિલ્હી: જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાં રવિવારે રાત્રે ફરીથી ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગ જામિયાના ગેટ નંબર 5 પાસે થઈ છે. આ દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા હતા. મોડી રાત્રે ફાયરિંગની સૂચના મળતા જ જામિયા મિલ્લિયા ઈસ્લામિયા બહાર લોકો એકઠા થઈ ગયા અને પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ વિસ્તારમાં ફાયરિંગની આ ત્રીજી ઘટના છે.

આ અંગે જામિયા કોર્ડિનેશન કમિટીએ જણાવ્યું કે, જામિયા મિલિયા ઈસ્લામિયાના ગેટ નંબર 5 પાસે ફાયરિંગ થઈ છે. બે શંકાસ્પદ વ્યક્તિઓ ફરાર થતા જોવા મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે, આ શંકાસ્પદોમાંથી એક ઈસમે લાલ રંગનું જેકેટ પહેર્યું હતુ અને લાલ રંગની સ્કૂટી ચલાવી રહ્યો હતો. સ્કૂટીનો નંબર 1532 દર્શાવાઈ રહ્યો છે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈના ઘાયલ થવાની કોઈ માહિતી મળી નથી. ફાયરિંગની ઘટના બાદ જામિયા નગર પોલીસ સ્ટેશન બહાર પણ વિદ્યાર્થીઓ એકત્રિત થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

જણાવી દઈએ કે, જામિયા અને શાહીનબાગમાં ફાયરિંગની અગાઉ પર બે ઘટનાઓ બની ચૂકી છે. પ્રથમ ઘટના 30 જાન્યુઆરીની છે. જ્યારે જામિયાની બહાર નાગરિક્તા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર ગોપાલ નામના એક યુવકે ગોળી ચલાવી હતી. જેમાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો.

આવી જ રીતે 1 ફેબ્રુઆરીએ શાહીનબાગમાં બીજી ઘટના સામે આવી હતી. જેમાં શાહીનબાગ ખાતે CAA વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનથી થોડાક દૂર કપિલ નામના એક ઈસમે હવામાં ફાયરિંગ કર્યુ હતુ. આ અંગે તેણે જણાવ્યું હતું કે, દેશમાં કોઈનું નહીં ચાલે, માત્ર હિંદૂઓનું જ ચાલશે. હાલ તે પોલીસની અટકાયતમાં છે.

દિલ્હી: જામિયામાં ફાયરિંગ મામલે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, સાઉથ-ઇસ્ટ દિલ્હીના DCPની બદલી