Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > કડી દારૂ પ્રકરણમાં પીઆઈ અને બે PSI સહિત 9 પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ

કડી દારૂ પ્રકરણમાં પીઆઈ અને બે PSI સહિત 9 પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ

0
1030

ગાંધીનગર (અનિલ પુષ્પાગંદન): કડી પોલીસે પરપ્રાંતનો દારૂ પકડ્યા બાદ તેમાંથી દારૂનો ખૂબ મોટો જથ્થો સગેવગે કરી નાંખ્યો હતો અને તેમાંથી અમુક દારૂની બોટલો કડી પાસે આવેલી નર્મદા કેનાલમાં પધરાવી દેવાયો હતો. આ બનાવમાં કડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ ઓ.એમ દેસાઈ, બે પીએસઆઈ સહિત 9 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

કડી દારૂ પ્રકરણમાં આખરે રવિવારે મોડી સાંજે કડી પોલીસ સ્ટેશનના ફરાર અધિકારી-કર્મચારીઓ વિરૂદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં કડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઓ.એમ દેસાઈને પ્રથમ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પીએસઆઈ એ.એસ બારા, પીએસઆઈ કે.એન પટેલ, એએસઆઈ મોહનભાઈ, એએસઆઈ હિતેશભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, શૈલેશભાઈ પટેલ અને બે હોમગાર્ડના જવાનો ગિરીશ પરમાર અને ચિરાગ વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાલમાં ફરાર થઈ ગયા છે.

આ અંગે ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ ગુજરાત એક્સક્લૂઝિવ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધમાં પ્રોહિબિશન એક્ટ, કાવતરૂ રચવા, છેતરપિંડી આચરવાનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવની તપાસ ગાંધીનગર ડીએસપી મયુરસિંહ ચાવડા સુપરવિઝનમાં હેડક્વાર્ટર ડીવાયએસપી એમજે સોલંકી કરશે. આ ઉપરાંત સાઈબર ક્રાઈમના પીઆઈ જતિન પ્રજાપતિને પણ તપાસ ટીમમાં સાથે રાખવામાં આવ્યા છે.

કડી પાસેની નર્મદા કેનાલમાંથી સ્ટેટ ડિઝાસ્ટર રેસક્યૂ ફોર્સ (SDRF)એ 132 નંગ બોટલ શોધી કાઢી છે. દારૂની બોટલ શોધવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે. આરોપી પોલીસ અધિકારી- કર્મચારીઓએ ચાર દિવસ પહેલા કેનાલમાં દારૂની બોટલો નાંખી દીધી હતી. કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાથી બોટલો આગળ હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, મુદ્દામાલનો દારૂ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીના ઘરમાં રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી જ આ સમગ્ર દારૂ સગેવગે કરવામાં આવ્યો હતો. તેમાં પોલીસની ગાડીઓ ઉપરાંત ખાનગી વાહનો અને ખાનગી માણસોનો ઉપયોગ થયો છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં ખાનગી માણસોની સંડોવણી જણાશે, તો તેમની પણ અટકાયત કરવામાં આવશે. ફરાર આરોપીઓએ કેટલી દારૂની બોટલો કેનાલમાં નાંખી છે? તે શોધખોળ પૂરી થયા બાદ જ ખબર પડી શકશે.

નિવૃતીના એક મહિના પહેલા પીઆઇ દેસાઇએ એવુ તો શું કર્યુ કે ખાખી વર્દી પર દાગ લાગી ગયો