Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #TANDAV પર તાંડવ: અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર શું અસર પડશે?

#TANDAV પર તાંડવ: અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર શું અસર પડશે?

0
81

અલ્હાબાદ હાઈકોર્ટની સિંગલ જજ બેંચે તાજેતરમાં જ એમેઝોન પ્રાઈમ વિડિયોના ભારતના હેડ ઓફ ડેવલપમેન્ટ, અપર્ણા પુરોહિતની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. પુરોહિત પર એમેઝોન વીડિયો પ્લેટફોર્મના શો તાંડવને લીલી ઝંડી આપીને ધાર્મિક વિદ્રેષ ભડકાવવાનો આરોપ છે, જે જાન્યુઆરીની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવી હતી.

સ્ટૂડિયો અને સ્ટ્રીમિંગ ફર્મ્સમાં ડરનો માહોલ છે, જેના કારણે અનેક શો જેમનું પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું હતુ, તે ફરીથી લખાઈ રહ્યાં છે, જ્યારે જે તૈયાર છે તેમને અનિશ્ચિત સમય માટે ટાળી દેવામાં આવ્યા છે.

પોતાની ટિપ્પણીઓમાં જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું કે, “પશ્ચિમી દેશોના નિર્માતાઓ ઈશા મસીહા અથના પેગમ્બરની મજાક-મસ્તી કરવાનું ટાળે છે, પરંતુ હિન્દૂ નિર્માતાઓએ તેવું વારં-વાર કર્યું છે અને હજું પણ હિન્દૂ દેવી અને દેવતાઓ સાથે બેરોકટોક એવું કરવામાં આવી રહ્યું છે.”

જોકે, હોલિવૂડમાં એવા ડઝનબંધ ઉદાહરણ છે, જ્યાં કેથોલિક ચર્ચ સાથે-સાથે કટ્ટર ઈસ્લામી કાયદાઓને નિશાના પર લીધા અથવા તેમના પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તે ઉપરાંત વ્યંગ્યના માધ્યમથી પણ ટીકા કરવામાં આવી છે.

આવો જોઈએ કેવી રીતે ઈસ્લામી દેશોમાં બનેલી ફિલ્મોએ ધર્મના પુરાતનપંથી પાસાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ઈરાનના ફિલ્મ નિર્માતા જફર પનાહીની ફિલ્મ ‘ધ ઇઝ નોટ અ ફિલ્મ ‘,’ ધ વ્હાઇટ બલૂન ‘અથવા’ ધ સર્કલ ‘એ ઈરાનની રૂઢિઓની (ખોટા નિયમો-કાયદાઓ, વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા, માન્યતાઓ)ની ટીકા કરી છે. અસગર ફરહાદી અને અબ્બાસ કિયોરોસ્તમી જેવા ફિલ્મ નિર્માતા પણ છે, જે ઈરાનના દમનકારી શાસન દરમિયાન ઉભરીને સામે આવ્યા છે. જેમને મુસ્લિમ સમાજમાં રહેલા નકારાત્મક પાસાઓને દર્શાવવાની સાથે-સાથે સરકારના ખરાબ પાસાને પણ દર્શાવવાની હિંમત કરી છે.

સાઉદી અરબમાં હાલમાં જ બનેલી ફિલ્મ, બારાકાહ મીટ્સ બારાકાહને પણ ભૂલવી જોઈએ નહીં, જેમાં પ્રેમની શોધ કરવાની કોશિશમાં લાગેલા એક યુવા જોડા પર એક નિરંકુશ સરકારના પ્રભાવને દર્શાવવામાં આવ્યો છે.

આ વચ્ચે તાંડવ એફઆઈઆર અંગેની પોતાની ટિપ્પણીમાં ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, “હકીકત એ છે કે અરજદાર જાગ્રત ન હતા અને તેમને બેજવાબદારીભર્યું કામ કર્યું જેનાથી તેની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીનો માર્ગ ખુલ્યો હતો.”

તે સાચું છે કે સેન્સરશીપ સાથે ફિલ્મ ઉદ્યોગના સંબંધો સારા નથી અને દરેક સરકારે આઝાદ અભિવ્યક્તિને દબાવવા માટે તેની શક્તિનો દુરૂપયોગ કર્યો છે, પરંતુ તે પણ સત્ય છે કે પરંપરાગત રીતે ભારતીય કલાકારો તેમના હક માટે ઉભા થયા છે અને અદાલતોએ તેમના હિતોનું રક્ષણ કર્યું છે. પરંતુ નમ્રતાપૂર્વક કહીએ તો જ્યારે તેમના પોતાના કોઈ ઉપર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો હોય તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મૌન શર્મનાક છે. પછી દીપા મહેતાની “ફાયર” હોય જેમા સમલૈંગિક રોમાંસ દર્શાવવામાં આવ્યો છે, અભિષેક ચૌબેની “ઉડતા પંજાબ” હોય જેમાં પંજાબમાં ડ્રગ્સની સમસ્યાને પ્રોત્સાહન આપવામાં અધિકારીઓની મિલીભગતને ઉજાગર કરી છે અથવા ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની “મોહલ્લા અસ્સી” જેમાં તીર્થ નગરી વારાણસીના વ્યાવસાયીકરણ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. ભારત સરકારે હંમેશા સંસ્કૃતિના નામ પર એવા વિચારોને દબાવવાનું કામ કર્યું છે, જે યથાસ્થિતિને પડકાર આપે છે અને લોકપ્રિય નૈતિકતાની સામે એક વિપરીત વિચાર લાવવાની કોશિશ કરી છે.

ઐતિહાસિક રૂપથી પણ દેશની અદાલતોએ ક્રિએટિવ આઝાદીને અકબંધ રાખી છે અને ફિલ્મોની રિલીઝને સુરક્ષિત કરી છે, જેમાં પીકે, પદ્માવત, ગોલિયોની રાસલીલા રામ લીલા અને ઓહ માઈ ગોડ (જેમાં માત્ર બે ધર્મને લઈને વ્યંગ્ય હતા) પણ સામેલ છે, જેનો ઉલ્લેખ જસ્ટિસ સિદ્ધાંર્થની ટિપ્પણીઓમાં કરવામાં આવ્યો છે.

હવે જે થઈ રહ્યું છે, જેનાથી સૌથી નબળા લોકોના હિતોની રક્ષા માટે બનાવેલા લોકતાંત્રિક સંસ્થાઓ પરથી લોકોનો વિશ્વાસ ઓછો થતો જઈ રહ્યો છે.

બોલીવૂડમાં પહેલા સેન્સર બોર્ડ વિરૂદ્ધ ઉભા થવાની અને મજબૂતી સાથે લડાઈ લડવાની વાત થતી હતી પરંતુ હવે પોતાની રીતે જ આવા વિષયોથી બચવાની વાત થવા લાગી છે, જે બીજેપી દ્વારા સંચાલિત સંગઠિત હેટ ફેક્ટરીને કોઈ રીતની તક આપવા માંગતા નથી. હવે સ્ટ્રીમિંગ કન્ટેન્ટ પર નિયંત્રણ માટે સેન્સર બોર્ડની જરૂરત પડશે નહીં કેમ કે, બોલીવૂડ પોતે જ તે રસ્તા પર ચાલી પડ્યું છે.

બોલીવૂડની અંદર અનૌપચારિક વાતચીતથી સંકેત મળ્યા છે કે, નિર્માતા ધાર્મિક અથવા રાજકીય પૃષ્ઠભૂમિવાળા વિષયો પર કામ કરવાથી ખચકાઇ રહ્યાં છે. કેટલાક નિર્દેશક પહેલા પોતાના સૂચનો ખુલ્લીને સામે રાખતા હતા, તેઓ હવે અસામાન્ય રૂપથી મૌન છે કેમ કે, તેમની ફિલ્મોનું પ્રોડક્શન ચાલી રહ્યું હોય છે, જ્યારે કેટલાકની ફિલ્મો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની રાહ જોવાઈ રહી છે.

એક લોકતંત્ર(લોકશાહી) કેટલું મજબૂત છે તેનો માપદંડ તે છે કે, તેના સૌથી મોટા ટીકાકાર કેટલા સુરક્ષિત અને આઝાદ છે. અનેક લોકો વિચારે છે કે, અસલી મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે સરકાર ફિલ્મ અને ફિલ્મ નિર્માતાઓને નિશાનો બનાવે છે, પરંતુ તે બધી જ રીતે સાચું નથી. નિયંત્રણની સંસ્કૃતિ અને ફિલ્મ જગતને બધી જ રીતે પોતાના આધીન બનાવવી બીજેપીની વૈચારિક યોજનાના મૂળમાં છે. આપણે ફિલ્મોના બહાને અનેક સરકારી પ્રચાર દેખ્યા છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે, તે ખતરનાક રીતે પોતાના લક્ષ્યની નજીક આવી રહી છે. એક દિવસ એવો આવશે, જ્યારે સંપૂર્ણ ફિલ્મ જગત ઉપર સરકારનો કબ્જો હશે.

આગામી દિવસોમાં તમારા વલણને ફિલ્મ ઈન્ડસ્ટ્રી થકી કંટ્રોલ કરવાની ભરપૂર કોશિશ કરવામાં આવી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat