Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મહિલા પત્રકારે ગાડી ઓવરટેક કરતાં PI બગડ્યા, માથાકૂટ કરી અને પરિણામ આવ્યું ખરાબ

મહિલા પત્રકારે ગાડી ઓવરટેક કરતાં PI બગડ્યા, માથાકૂટ કરી અને પરિણામ આવ્યું ખરાબ

0
2
  • 2017માં મહિલા પત્રકાર સાથે દારૂ પી માથાકૂટ કરનાર અમરાઈવાડી પીઆઈને ફરજ મોકૂફ કરાયા
  • તરણેતર બંદોબસ્તમાં ગયેલા પીઆઇ દારૂ પીધેલા હતા, કાર ઓવરટેક કરવા બાબતે પીઆઈએ ઝઘડો કર્યો હતો
  • અમરાઈવાડી પીઆઇ ડામોરને છુટા કરી કન્ટ્રોલ રૂમથી નવા પીઆઈને પોસ્ટિંગ અપાયું

અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ડામોરને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમના સ્થાને તાત્કાલિક પોલીસ કમિશનર ઓફીસમાં કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઇ જે.પી. રોજીયાને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પીઆઇ કે. એ. ડામોરે ત્રણ વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લામાં બંદોબસ્તમાંથી પરત ફરતા દારૂના નશામાં ચકચૂર થઈ રસ્તામાં મહિલા પત્રકારની ગાડી રોકી બોલાચાલી કરી હતી જે મામલે પીઆઇ સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. આ કેસમાં તપાસ બાદ પીઆઇને ડિસમીસ કરવામા આવતાં પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, વર્ષ 2017માં અમદાવાદ સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતાં પીઆઇ કનૈયાલાલ અમૃતલાલ ડામોરને તરણેતર બંદોબસ્તમાં ફરજ સોંપાઇ હતી. જેથી પીઆઇ બંદોબસ્ત પૂર્ણ કરી દારૂ પીને પોલીસની સરકારી ગાડી લઈ ચોટીલા જવા માટે નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં મહિલા પત્રકાર જે તરણેતર મેળાનું રિપોર્ટિંગ કરી પરત ફરતી હતી.

આ સમયે મહિલા પત્રકારની કારે પીધેલા પીઆઇની કારની ઓવરટેક કરતા પીઆઈએ પિત્તો ગુમાવ્યો હતો. પોતાની ગાડી ઓવરટેક કરવા બાબતે મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કરી કાર મારી મૂકી હતી. પરંતુ ચાલાક યુવતીએ હિંમત કરી પીઆઈની ગાડીનો પીછો કરી કંટ્રોલને જાણ કરી હતી. ચોટીલા પોલીસ આવી જતા તેઓને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

દારૂના નશામાં ચકચૂર થઈને પીઆઇની કરતૂત અને ત્યારબાદ યુવતીએ દાખવેલી હિંમત પછી ફસાયેલા પીઆઇની કેવી હાલત થઇ હતી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પીઆઇએ યુવતી તથા તેના સાથીદાર પર પણ હાથ ઉપાડી લીધા હોવાની વાતો સ્પષ્ટ સંભળાતી હતી. પીઆઇએ લાફો ઝીંકી દીધા બાદ મામલો ગરમાઇ ગયો હતો.

યુવતી તથા તેમની ટીમ પીઆઇના આ કરતૂતથી રોષે ભરાયા હતા. લોકો વચ્ચે ઘેરાઇ ગયા બાદ ફસાયાની જાણ થતાની સાથે પીઆઇ અને સાથી પોલીસ જાણે ગરીબડી ગાય બની ખુદ પીઆઇ પણ બે હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો. વર્ધીમાં મસ્તી નહીં તેવી પીધેલા પીઆઇ સુફીયાણી વાતો કરવા લાગ્યો હતો. લોકોના રોષને જોઇને ચાલતી પકડવા માંગતા પોલીસની ગાડીની ચાવી લઇ લીધી હતી. પોલીસ અધિકારી આવે પછી જ જવાનું કહેતા ટલ્લી થયેલા પીઆઇ કહે સારૂ મેડમ તમે કો તો રોકાઇ જઇએ છીએ પણ જમવાની વ્યવસ્થા કરજો.
કાર્યવાહી થશે જ તે બાબતનો ખ્યાલ આવી જતા પોલીસે બધુ પતાવવા માટે રીતસરની આજીજી કરી હતી. બીચારા પીઆઇની નોકરીના સવાલનો પણ વાસ્તો આપ્યો હતો. આમ ઘટના આવી બની હોવાનું બહાર આવ્યું હતું બાદમાં આ અંગે તપાસ સોંપવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat