અત્યારના સમયમાં પરિણીતાઓ ઉપર સાસરિયાઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. ત્યારે મહેસાણામાં એક ધ્રૂણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણા તાલુકાના ચલુવામાં સસરાએ ગર્ભવતી પુત્રવધૂના પેટ ઉપર લાકડી મારતાં ગર્ભસ્થ શિશુનું મોત થયાનો ઘૃણાસ્પદ કિસ્સો બન્યો છે.
ગર્ભવતી હોવાથી પુત્રવધૂને કામ નહીં કરવાનું હોવાથી સસરાએ અલગ રહેવા જવાનું કહી બોલાચાલી કરી પેટ ઉપર લાકડી મારતાં બીજા દિવસે પ્રસૂતિમાં મૃત બાળક જન્મ્યું હતું. દિયરે પણ ભાભીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ મામલે મહિલાએ લાંઘણજ પોલીસ મથકમાં સસરા અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે.
ચલુવામાં ધોળાસણ રોડ ઉપર ખેતરમાં કિંજલબેન જીતેન્દ્રજી ઠાકોર તેમના સાસુ અમરતીબેન, સસરા રઈજીજી અને દિયર વિશાલજી સાથે રહે છે. કિંજલબેનને પાંચ માસનો ગર્ભ હોવાથી તબીબે વધારે કામ કરવાની ના કહી હતી. સોમવારે તેના પતિ કડિયાકામે અને સાસુ ખેતરમાં મજૂરીએ ગયા હતા.
તે સમયે સસરા અને દિયરે કામ કરતી નહીં હોવાથી અલગ રહેવા જતી રહે તેમ કહી બોલાચાલી કરી હતી. ગર્ભવતી હોવાથી પોતે ક્યાં રહેવા જાય તેમ કહેતાં દિયરે ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે સસરાએ લાકડી પેટના ભાગે મારતાં તેણીએ બૂમાબૂમ કરી હતી. તેથી બંને લોકો ભાગી ગયા હતા.
પેટમાં સખત દુ:ખાવો ઉપડતાં આંબલિયાસણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતાં બ્લડિંગ થયેલું હોઇ તપાસ કરતાં ગર્ભમાંનું બાળક મરણ ગયેલું હોવાનું તબીબે જણાવ્યું હતું. તેથી નોર્મલ ડિલિવરી કરાવી પુત્રવધૂને મહિલા તબીબે બચાવી લીધી હતી.
પુત્રવધૂએ સસરા અને દિયર સામે ફરિયાદ આપતાં લાંઘણજ પોલીસે સસરા રઈજીજી કુંવરજી ઠાકોર અને દિયર વિશાલજી રઈજીજી ઠાકોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.