Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > વ્યાજ વગરની લોન આપવાનું કહી રૂપિયા પડાવનાર બે આરોપી ઝબ્બે

વ્યાજ વગરની લોન આપવાનું કહી રૂપિયા પડાવનાર બે આરોપી ઝબ્બે

0
77

જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને ફોન કરનાર એવું કહે કે અમે તમને ઝીરો ટકા ઇન્ટરેસ્ટ નથી લોન આપવા માંગે છે તમે શું કરો? આ સવાલ એટલા માટે કારણકે હાલના સમયમાં આ પ્રકારના ફોનો સતત લોકોને આવી રહ્યા છે અને લાલચમાં આવીને લોકો પોતાની મહેનતની મૂડી ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં બની હતી. જો કે પોલીસે અસરકારક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવાની સાથે જ ફરિયાદીના ગુમાવેલા રૂપિયા પૈકીના કેટલાક રૂપિયા પરત મેળવવામાં સફળતા મેળવી છે.

સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકોને પોતાની વાતોમાં ફસાવી લાખો રૂપિયા ઉસેટી લેતાં શ્રીરામ બિહારી રાય અને પ્રદિપકુમાર શ્રીરામ સીંગની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ મીન્ટુ ચંદેશ્વર રાય, અભિષેક દેવપૂજન રાય, અજીત હરેન્દ્ર પ્રસાદ, બિપુલ પુરેન્દ્ર પાંડે આ તમામ આરોપીઓની યુપીના ગાંજીયાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે. આરોપીઓએ ગુરૂકુલ જ્યોતિષ નામથી સંસ્થા ઊભી કરી હતી, જેમાં વિના વ્યાજે લોન આપવાનું કહી લોકોને છેતરતી હતી.

આ પણ વાંચો: VVIP ચોર: ચોરી કરવા માટે ઓરિસ્સાથી સુરત પ્લેનમાં અવર જવર કરતો હતો

સુરતના પિપલોદના બ્રજકિશોર દાસને દિપક શાસ્ત્રી નામના યુવકે ફોન કરી પોતાની ઓળખ ગુરુકુલ જ્યોતિષ અને વૈદિક નારાયણ જ્યોતિષ સંસ્થાનના મેનેજર તરીકે આપી હતી. તેણે બ્રજકિશોરને કહ્યું કે સંસ્થા વિના વ્યાજે 50 લાખની લોન તમને આપે છે. આથી તેઓ લોન લેવા માટે તૈયાર થતા ટોળકીએ પહેલા 15 લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવ્યા હતા. પછી ટુકડે ટુકડે કરી કુલ 32.40 લાખની રકમ સંસ્થાના ખાતામાં જમા કરાવી હતી. જો કે બાદમાં બ્રજકિશોરને અહેસાસ થયો હતો કે તેઓ ફ્રોડના શિકાર બન્યા છે, જેથી તેમને પોલીસમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ પર કામગીરી કરી યુપીના ગાજીયાબાદના કોલ સેન્ટરમાંથી 4 ઠગોને પકડી પાડયા હતા. ટોળકી પાસેથી સાયબર ક્રાઇમે 15.19 લાખની રકમ ફ્રીઝ કરી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપી ટેલીકોલરનું કામ કરતાં હતાં. લોનની લાલચ આપી લોકોને ફસાવતા હતા. ચારેયનો પગાર 12 હજાર છે. સાથે જ કમિશન પેટે 4 હજાર રૂપિયા પણ મળતા હતાં,

જો કે મુખ્ય 3 સાગરિતો ફરાર હતાં, જેમાંથી શ્રીરામ બિહારી રાય અને પ્રદિપકુમાર શ્રીરામ સીંગની પોલીસે ઝડપી પાડ્યા હતાં. બન્ને આરોપીની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં ગુરુકુલ જ્યોતિષના નામથી બેંક ખાતું કોણ ઓપરેટર કરે છે અને કેટલા લોકોને અત્યાર સુધીમાં આ રીતે લૂંટી લેવાયા છે, તેની તપાસ કરવામાં આવી છે. ટોળકીએ હરિયાણા અને વડોદરામાં પણ ચીટીંગ કર્યુ છે. ચીટીંગનો આંક કરોડોમાં હોવાની આશંકા છે. ત્યારે પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે, આ પ્રકારના જ્યારે પણ કોલ આવે ત્યારે તેમની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં સાથે જ તમારી બેંક ડીટેલ એટીએમ કે ક્રેડિટ કાર્ડ ડિટેલ આપવી નહીં આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ શક્ય હોય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat