Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વેલ્ફર ફંડની રિન્યુઅલ ફી ભરવાની મુદતમાં ફરી એક વખત વધારો કરાયો

વેલ્ફર ફંડની રિન્યુઅલ ફી ભરવાની મુદતમાં ફરી એક વખત વધારો કરાયો

0
0

ગાંધીનગર: ગુજરાત બાર કાઉન્સીલની વેલ્ફર ફંડની રિન્યુઅલ ફી ભરવાની મુદતમાં ફરી એક વખત એક મહિનાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના જુદા જુદા બાર એસોસીએશનની ચૂંટણી તેમજ કોરોનાની અસરને કારણે રિન્યુઅલ ફી ભરવા માટે એક માસનો સમય વધુ લંબાવવા માટે બાર એસોસીએશનો તરફથી રજુઆત કરવામાં આવી હતી. તેના પર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અંકલેશ્વર બાર એસોસીએસનની 28 ડિસેમ્બરના રોજ યોજાનાર ચુંટણી મુલત્વી રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતનાં કોઇપણ ધારાશાસ્ત્રી એડવોકેટ વેલ્ફર ફંડનાં સભ્ય હોય તેવા ધારાશાસ્ત્રીઓનાં મૃત્યુ બાદ તેમના વારસદારોને રૂ. 3,50,000 (અંકે રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પુરા) મૃત્યુ સહાય પેટે ચુકવવામાં આવે છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા વકીલપત્ર ઉપર નિયત કરેલ વેલ્ફર સ્ટેમ્પ (ટિકીટ) મેમ્બરશીપ ફી અને વાર્ષિક રિન્યુઅલ ફી દ્વારા વર્તમાન સમયમાં વેલ્ફર ફંડનું ભંડોળ એકઠું કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષમાં આશરે 300 ઉપરાંતનાં ધારાશાસ્ત્રીઓને મૃત્યુ સહાય ચુકવવામાં આવી છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તમામ બાર એસોસીએસનનાં ધારાશાસ્ત્રીઓને તા.31 ડિસેમ્બર સુધીમાં વેલ્ફર ફંડની રિન્યુઅલ ફી ભરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન સમયમાં ગુજરાતનાં 273 બાર એસોસીએસનની ચૂંટણી તેમજ કોરોનાની અસરને કારણે જુદા જુદા બાર એસોસીએસન તરફથી વેલ્ફર ફંડની રિન્યુઅલ ફી ભરવા માટે એક માસનો સમય વધુ લંબાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેને લક્ષમાં લઇ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં ચેરમેન કિશોરભાઈ આર.ત્રિવેદી સાહેબનાં અધ્યક્ષપદ હેઠળ મળેલ આજની સામાન્ય સભામાં ગુજરાતમાં વેલ્ફર ફંડનાં સભ્ય હોય તેવા ધારાશાસ્ત્રીઓને તા.31 જાન્યુઆરી સુધી વેલ્ફર ફંડની રિન્યુઅલ ફી ભરવાની છેલ્લી તક આપવામાં આવેલ છે અને જો તા. 31 જાન્યુઆરી સુધીમાં કોઇપણ ધારાશાસ્ત્રી વેલ્ફર ફંડની રિન્યુઅલ ફી ભરશે નહી તો તેમને દંડ સહિત રિન્યુઅલ ફી ભરવી પડશે તેમજ રિન્યુઅલ ફી નહી ભરનાર ધારાશાસ્ત્રીઓના વારસદારો મૃત્યુ સહાય મેળવવા હકકદાર રહેશે નહી.

આ ઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઇલેક્શન કમિટીએ આજ રોજ અંકલેશ્વર બાર એસોસીએસનનાં પ્રમુખ પદનાં ઉમેદવાર તરફથી મતદાર યાદી સંદર્ભે મળેલ ફરિયાદના આધાર પુરાવા લઈ તા.28 ડિસેમ્બરના રોજ યોજાનાર ચુંટણી મુલત્વી રાખવાનો હુકમ કર્યો છે અને તા.1લી જાન્યુઆરીનાં રોજ ચુંટણી કમિશનર તેમજ બાર એસોસીયેશનનાં પ્રમુખ , ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત તમામ હોદેદારોને જરૂરી સાહિત્ય સાથે હાજર રહેવા હુકમ કર્યો છે.

આજની સભામાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના દિલીપભાઇ કે.પટેલ , એનરોલમેન્ટ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લા , દિપેનભાઇ દવે , વિજયભાઈ પટેલ, ભરતભાઈ ભગત , ગુલાબખાન પઠાણ વગેરેએ હાજર રહી ચર્ચામાં ભાગ લીધેલ હોવાનું બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ઈન્ચાર્જ સેક્રેટરી પી.એમ.પરમારે જણાવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat