સાસણ ગીરની સવારે લાયન સફારી માટે પ્રવાસીઓની વિશેષ ચહલ-પહલ જોવા મળે. આ ચહલ પહલમાં સિદી સમુદાયના ચહેરાઓ સતત નજરે પડે. દરેકને સીદી સમુદાયનું આફ્રિકન કનેક્શન અને જુનાગઢના નવાબે સિદીઓને આપેલા સ્થાન વિશેની વાતો જાણવાનો રસ જાગે. તો વળી લાયન સફારી વખતે કોઈ સિદી ડ્રાઈવર કે ગાઈડ મળી જાય તો જંગલમાં અડધા રસ્તે પણ સિદી સમુદાય વિશે જાણવા કોઈપણ પ્રશ્ન પૂછવા લાગે. સ્વભાવે ભોળા અને મહેનતકશ સિદીઓ હવે સાસણ ઉપરાંત તાલાળા વિસ્તારની શાન બની રહ્યા છે.
Advertisement
Advertisement
સાંજ પડતાં જ સાસણ, ભોજદે, ચિત્રોડ, ભાલછેલ અને તાલાળા સુધીના વિવિધ રિસોર્ટમાં ક્યાંકને ક્યાંક ધમાલ નૃત્યનું આયોજન હોય જ. જાંબુર, શિરવાણ અને સાસણ સાથે મળીને કુલ 11 ગામોમાં સિદીઓની વસ્તી છે. મહેનતું અને સ્વભાવે નિખાલસ સિદીઓએ તેમની પ્રમાણિક્તાથી આ વિસ્તારમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
લગભગ સમી સાંજ થવા આવી હતી અને ચિત્રોડના એક રિસોર્ટમાં સિદી ઢોલ પડઘાતા હતા. શરીરે સશક્ત એવા આઠેક સિદી બાદશાહ ધીમા ધીમા ડગલે આ ધીમા તાલની સાથે કદમ મિલાવીને લયબદ્ધ ધમાલ નૃત્ય કરી રહ્યા હતા. કોડીનારના તાજીયા જુલુસમાં પણ સિદી બાદશાહ દિપડા બનીને ધમાલ કરે. એવી જ રીતે આ જગ્યાએ પણ કેમ્પ ફાયરની આસપાસ એક પછી એક કદમ મિલાવતા મિલાવતા નૃત્યએ સ્પીડ પકડી અને જમાવટ કરી દીધી. ગતિ અને લય વધતાં પ્રવાસીઓ પણ ઝૂમી ઊઠ્યા અને આખું વાતાવરણ આનંદવિભોર થઈ ગયું.
હસનભાઈ સિદી આ ગ્રૂપના મુખ્ય વ્યક્તિ હતાં. તેમની સાથે વાત કરતાં જણવા મળ્યું કે હવે સિદી સમુદાયમાં પણ ધમાલનૃત્યની મંડળીઓ વધવા લાગી છે. સિંહ સફારીને કારણે તેમની આજીવિકામાં સુધારો થયો છે. પહેલાં જંગલની આસપાસના ગામોમાં છૂટક મજૂરી કરતાં સિદીઓ હવે ડ્રાઈવિંગ અને હોટેલ મેનેજમેન્ટનો એક ભાગ બની ગયા છે. છકડો ભરીને આવેલા આ ધમાલ નૃત્યના ખેલૈયાઓએ લગભગ થાક્યા વગર એક કલાક આખું વાતાવરણ ઊર્જાથી ભરી દીધું. મોઢામાંથી આગ કાઢવાના અને શ્રીફળને ઉછાળીને માથાથી ફોડવાના કરતબ પણ આ નૃત્યમાં સામેલ હતા.
હસનભાઈ સિદી જણાવે છે કે અમે એક જ સાંજે બે-ત્રણ રિસોર્ટમાં ટીમ સાથે જઈને ધમાલ નૃત્ય પરફોર્મ કરીએ છીએ. લગભગ અમારો આ રોજનો શિરસ્તો છે. હસનભાઈના સાઢુ અને સિદી ધમાલ ગ્રૂપના ડ્રમર એઝાઝ જણાવે છે કે સાસણ, જાંબુર અને તાલાળા ઉપરાંત છૂટાછવાયા ગામોમાં અમારી 15,000ની વસ્તી છે. જેમાં બધું મળીને અમારા વીસેક જેટલાં ગ્રૂપ છે. દરેક પાસે પોતપોતાનું કામ છે. સાંજના સમયે અમે ધમાલનૃત્યનું પણ કામ કરીએ છીએ. આજકાલ સૌરાષ્ટ્રમાં અન્ય પ્રસંગોમાં પણ સિદી બાદશાહને બોલાવીને સુંદર કાર્યક્રમોનું આયોજન કરે છે. સરકારે જે ટુરિઝમને મહત્ત્વ આપ્યું તેમાં સમગ્ર સિદી સમુદાયની વિવિધ પરંપરાઓને પણ વેગ મળ્યો છે. આજે અમારા સમાજના અનેક છોકરાઓ ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરે છે, ગાઈડ તરીકે પણ કામ કરે છે અને હૉટેલ ઈન્ડસ્ટ્રીઝ આવતાં દરેક પાસે ટ્રાન્સપોર્ટેશનથી લઈને તમામ પ્રકારના જુદા જુદા કામો છે.
Advertisement