Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોદી સરકાર હવે કોરોનાના નામે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારવાની તૈયારીમાં

મોદી સરકાર હવે કોરોનાના નામે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારવાની તૈયારીમાં

0
152
  • 3થી 6 રુપિયા વધારાનો ટેક્સ ઝીંકાઇ શકે છે, મોંઘવારી વધશે

  • 5 મહિના પહેલાં જ અનુક્રમે 12 અને 9 રુપિયા વધાર્યા હતા

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણથી ઉદ્ભવેલા આર્થિક સંકટને પહોંચી વળવા કેન્દ્રની મોદી સરકાર હવે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં વધારો ઝીંકી શકે છે. સરકાર દ્વારા બંને ઇંધણ પર એક્સાઈઝ ડ્યુટી 3થી 6 રૂપિયા સુધી વધારી શકાય છે. એક રિપોર્ટ મુજબ સરકાર કોરોના સંકટના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા વધુ સંસાધનો એકત્રિત કરવાની તૈયારીમાં છે. જો પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં આ વધારો કરવામાં આવે તો તે આખા નાણાકીય વર્ષ દરમિયાન કુલ રૂ. 60,000 કરોડ મેળવી શકે છે. જો વર્તમાન નાણાકીય વર્ષ અંગે વાત કરીએ તો માર્ચ સુધીમાં સરકાર તેનાથી 30,000 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી શકે છે.

રિપોર્ટ મુજબ એક્સાઈઝ ડ્યુટી નક્કી કરવા માટે સરકારના સ્તરે બેઠકોનો દોર ચાલુ છે અને ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવામાં આવી શકે છે. હકીકતમાં સરકાર એક્સાઈઝ ડ્યુટી વધારવા માટે એ પણ નક્કી કરવા માંગે છે કે તેની અસર પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો પર ન પડે. સરકારનું માનવું છે કે જો આવું થાય છે તો દેશમાં ફુગાવો વધશે, જે અર્થતંત્ર માટે સારો સંકેત નહીં હોય. નિષ્ણાંતો કહે છે કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારવાનો આ યોગ્ય સમય છે. તેનું કારણ એ છે કે છેલ્લા એક મહિનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Amazon vs Reliance: ફ્યૂચર ગ્રુપ ડીલ અંગે કેમ છેડાયુ ‘યુદ્ધ’?

હાલમાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ આશરે 40 ડોલર નજીક છે, જ્યારે એક મહિના પહેલા આ ભાવ બેરલ દીઠ 45 ડોલર હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે સંસદમાંથી પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા વધારવાનો અધિકાર મેળવ્યો હતો. તે પછી મે મહિનામાં સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 12 રૂપિયાનો વધારો કર્યો હતો. તે સિવાય ડીઝલમાં 9 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે સરકાર ફરી એકવાર પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 6 રૂપિયા વધારવાનો વિચાર કરી રહી છે. તે સિવાય ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કરી શકાય છે.

આ પણ વાંચો: ઓટો અને મેટલ સ્ટોક્સમાં તીવ્ર ઘટાડાના પગલે સેન્સેક્સ 540 પોઇન્ટ ઘટ્યો

જો કે અત્યાર સુધી સરકાર તરફથી આ પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે. સરકારના વ્યૂહરચનાકારો માને છે કે એક્સાઇઝ ડ્યુટી વધારવાનો આ યોગ્ય સમય છે. તેનું કારણ એ છે કે જો હાલમાં ટેક્સમાં વધારો કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફરક નહીં પડે. પરંતુ ટેક્સમાં વધારા સાથે ભારત પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવનારા દેશોમાં વધુ આગળ થઇ જશે. હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર 70 ટકા ટેક્સ લાગે છે. જો તે ફરીથી વધે તો તે દર 75થી 80 ટકા થઇ શકે છે.