Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ પીક પર, દર કલાકે નવા 57 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ પીક પર, દર કલાકે નવા 57 પોઝિટિવ કેસ

0
91

ગાંધીનગર: (Corona Positive Case In Gujarat)  ચીનથી સમગ્ર વિશ્વમાં પ્રસરેલો જીવલેણ કોરોના વાઈરસ (Corona Virus) સમગ્ર વિશ્વ સહિત ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની (Covid-19 In Gujarat) સંખ્યામાં દિનપ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોના આંકડા જોઈએ, તો ખ્યાલ આવશે કે રાજ્યમાં કોરોનાનો પ્રકોપ પીક પર છે. છેલ્લા એક મહિનાથી રાજ્યમાં દર કલાકે નવા 57 કોરોના પોઝિટિવ કેસો (Corona Positive Case In Gujarat) સામે આવી રહ્યાં છે.

રાજ્યમાં કોરોનાના કુલ 1,36,004 જેટલા કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા એક મહિનામાં જ કોરોનાના 42,022 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 453 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોના 68% કેસો તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાંથી જ સામે આવ્યાં છે.

જો મોતના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં જીવલેણ વાઈરસ કુલ 3442 લોકોને ભરખી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ 1810 મરણ એટલે કે રાજ્યના 5 ટકા મૃત્યુદર માત્ર અમદાવાદમાં જ છે. આટલું જ નહીં, કોરોનાના એક્ટિવ કેસોની બાબતમાં પણ અમદાવાદ અવલ્લ છે.

આ પણ વાંચો: ‘નવરાત્રી પર રોક, તો ચૂંટણી પર કેમ નહીં?’ કોંગ્રેસ MLAની હાઈકોર્ટમાં અરજી

ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 24 જિલ્લાઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. જેમાં ડાંગ જિલ્લામાં સૌથી ઓછા 102 જ કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત ડાંગ અને નર્મદા આ બે જ જિલ્લાઓ એવા છે, જ્યાં કોરોનાના કારણે એક પણ મરણ નોંધાયું નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે સુરતમાં 2 હજાર કરતા વધુ અને વડોદરામાં દોઢ હજાર કરતાં વધુ એક્ટિવ કેસ છે. ગુજરાતમાં 1,15,859 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે આટલા લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે. આમ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 85.19 ટકા પર પહોંચ્યો છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 1381 નવા કેસ સામે આવ્યા છે. જેની સામે 1383 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજ સમયગાળા દરમિયાન વધુ 11 કોરોના સંક્રમિતો મોતને ભેટ્યાં છે.