Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગોધરા કાંડના 20 વર્ષ બાદ પણ મૃતક અને ઇજાગ્રસ્તને રાજ્ય સરકારની રકમ હજુ ચૂકવાઈ નથી

ગોધરા કાંડના 20 વર્ષ બાદ પણ મૃતક અને ઇજાગ્રસ્તને રાજ્ય સરકારની રકમ હજુ ચૂકવાઈ નથી

0
5
  • ન્યાય માટે ઝઝૂમતા પરિવારે ગોધરા કાંડના દિવસે પ્રતિક ઉપવાસ કરવાની મંજૂરી માંગી
  • ગોધરા કાંડમાં 58 જણા મૃત્યુ પામ્યા હતા તો ઘણાં લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા

મનોજ કે. કારીઆ, ગાંધીનગર: આગામી 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા કાંડને 20 વર્ષ પુરા થઈને 21મું વર્ષ બેસશે. આ ગોધરા કાંડમાં મૃત્યુ પામેલા અને ઇજા પામેલા મુસાફરોને સહાય ચૂકવાની દેશના તત્કાલિન વડાપ્રધાન તથા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, વીસ વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ અમદાવાદમાં રહેતાં ચૌરસિયા પરિવારને ઘાયલ થયાની તથા તેમના ચાર વર્ષના માસૂમ ભૂલકાના પરિવારને મૃત્યુ સહાય ચૂકવાઈ નથી. પરિણામે ન્યાય મેળવવા ઝઝૂમતા પરિવારે આગામી 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા કાંડની 21મી વરસીના દિવસે અમદાવાદ કલેકટર કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજૂરી માંગતી અરજી કલેકટર તથા શહેર પોલીસ કમિશનર અને રાણીપ પોલીસ સમક્ષ અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પરિવારને રેલવે કોર્ટના આદેશથી રેલવે વિભાગે મૃત્યુ પામેલા મુસાફરના પરિવારને તથા દાઝી જનારા મુસાફરોને સહાય ચૂકવી દીધી છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે રાજ્ય સરકાર તરફથી વિલંબ કેમ ? રાજ્ય સરકાર તરફથી ગોધરાકાંડમાં મૃત્યુ પામેલા તથા દાઝી ગયેલાઓને સહાય ચૂકવી દેવામાં આવી હોવાનું હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું છે. તો પછી આ પરિવારના સભ્યોને સહાય ચુકવવામાં પાછીપાની કેમ કરવામાં આવે છે, શું આ પરિવારના સભ્યોના નામ રેકર્ડ પર નથી ? જો તેમ હોય તો રેલવે અને સરકારના રેકર્ડમાં વિસંગતતા કેમ તેવો પ્રશ્ન ચૌરસિયા પરિવાર તરફથી ઉઠાવવામાં આવ્યો છે.

દાઝી ગયેલા લલનપ્રસાદ, જાનકીદેવી તથા જ્ઞાનપ્રસાદ

દાઝી ગયેલા લલનપ્રસાદ, જાનકીદેવી તથા જ્ઞાનપ્રસાદ

આજથી વીસ વર્ષ પહેલાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ -6 સળગાવવામાં આવ્યો હતો. જેમાં ચૌરસિયા પરિવારના મોભી લલનપ્રસાદ કિશોરીલાલ ચૌરસિયા, તેમના ધર્મપત્ની જાનકીદેવી અને તેમનો નાનો પુત્ર જ્ઞાનપ્રસાદ દાઝી ગયા હતા. જ્યારે તેમનો ચાર વર્ષનો ભાણિયો ઋષભ રાકેશકુમાર ચૌરસિયા મૃત્યુ પામ્યો હતો. આ ગોધરા કાંડમાં મૃત્યુ તથા ઇજા પામેલાં લોકોને સહાય ચુકવવાની દેશના તત્કાલિન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.આ સહાય મેળવવા ચૌરસિયા પરિવારે વખતોવખત સરકારમાં પુરાવા સાથે લેખિત અરજી કરી હતી. છતાં સરકાર તરફથી સહાય ચુકવવામાં આવી નથી. આખરે સરકારી તંત્ર સામે હારી – થાકી ગયેલા પરિવારના સભ્યોએ 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી કલેકટર કચેરી સામે ગાંધી ચિધ્યા માર્ગે બેનર પોસ્ટર સાથે પ્રતિક ઉપવાસ પર બેસવા દેવાની મંજુરી માંગતી સત્તાતંત્ર સમક્ષ અરજી કરી છે.

સ્વ. ઋષભ રાકેશકુમાર ચૌરસિયા (બાળક), અરજદાર અરવિંદ ચૌરસિયા

સ્વ. ઋષભ રાકેશકુમાર ચૌરસિયા (બાળક), અરજદાર અરવિંદ ચૌરસિયા

આ અંગે અરજીકર્તા અરવિંદભાઈ ચૌરસિયાએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, એક દિવસના પ્રતિક ઉપવાસ વેળાએ કોઈ ત્રાહિત વ્યક્તિ સુલેહ શાંતિનો ભંગ કરે કે કરાવે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત આપવા વિનંતી કરી છે.

કોણ કોણ બેસશે ઉપવાસ પર ?

1) લલનપ્રસાદ કિશોરીલાલ ચૌરસિયા ( ઉ.વ. 66 )
2) જાનકીદેવી લલનપ્રસાદ ચૌરસિયા ( ઉ.વ. 65 )
3) જ્ઞાનપ્રસાદ લલનપ્રસાદ ચૌરસિયા ( ઉ.વ. 44 )
4) રાકેશ શાંતાપ્રસાદ ચૌરસિયા ( ઉ.વ. 44 )
5) ઇન્દુમતી રાકેશ ચૌરસિયા ( ઉ.વ. 43 )
6) અરવિંદકુમાર લલનપ્રસાદ ચૌરસિયા ( ઉ.વ. 45 )
7) અલકાદેવી અરવિંદકુમાર ચૌરસિયા ( ઉ.વ. 44 )
8) મોહિત અરવિંદકુમાર ચૌરસિયા ( ઉ.વ. 17 )
9) પાર્થ અરવિંદકુમાર ચૌરસિયા ( ઉ.વ. 12 )
10) રામનરેશ રામસુમેર કોરી ( ઉ.વ. 50 )
11) અજયકુમાર જોખન ચૌરસિયા ( ઉ.વ. 45 )
12) અમિત અવધેશ ચૌરસિયા ( ઉ.વ. 21 )
13 ) શૈલેષ હિરાસિંહ રાજપૂત ( ઉ.વ. 37 )

કઈ સરકારે કેટલી રકમની સહાય ચૂકવી ?

દેશના તત્કાલિન વડાપ્રધાન તરફથી મૃતકના પરિવારને 3.50 લાખ રૂપિયા અને દાઝી ગયેલા મુસાફરને 50 હજાર ચુકવવાની જાહેરાત કરી હતી. જ્યારે તત્કાલિન મુખ્યમંત્રીએ મૃતકના પરિવારને 2 લાખ તથા દાઝી ગયેલા મુસાફરને 50 હજાર ચુકવવાની જાહેરાત કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat