Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > એલિસબ્રિજ MLA રાકેશ શાહના ડ્રાઈવરના ફોનની લૂંટ ચલાવનાર યુવક મણીને ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યો

એલિસબ્રિજ MLA રાકેશ શાહના ડ્રાઈવરના ફોનની લૂંટ ચલાવનાર યુવક મણીને ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યો

0
149

અમદાવાદ: અમદાવાદ શહેરમાં જમાલપુર સ્મશાનગૃહ પાસેથી એલિસબ્રિજ ધારાસભ્ય રાકેશ શાહના ડ્રાઈવરના ફોનની લૂંટ ચલાવનાર યુવક મણીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લઈ બે મોબાઈલ તફડંચીનો ભેદ ઉકેલાયો છે. આરોપી મણીની પૂછપરછમાં તેના સાગરીત શાહરૂખનું નામ પણ ખુલ્યું છે. આરોપી ધારાસભ્યના ડ્રાઈવરનો ફોન જમાલપુર સ્મશાન ગૃહ પાસેથી બે દિવસ પહેલા આંચકી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ક્રાઇમબ્રાન્ચ પીઆઈ જે.એન.ચાવડા અને તેમની ટીમના પીએસઆઇ આઈ.એસ.રબારીએ આ મામલે તપાસ શરૂ કરતાં આરોપીઓ ફોન આંચકી રિવરફ્રન્ટથી શાહઆલમ તરફ ગયાની વિગતો મળી હતી. દરમિયાન ક્રાઇમબ્રાન્ચે બાતમી આધારે જમાલપુર બ્રિજ પાસેથી મોહંમદ ફાજીલ ઉર્ફ મણી મોહમહુસેન શેખ (ઉં,21)ને રહે,મચ્છીપીર રાણીના ખાંચામાં જમલાપુર ચકલા અને ચોકીદાર બાવાની દરગાહ, ચંડોળા તળાવ, શાહઆલમને રવિવારે અટક કર્યો હતો. આરોપી પાસેથી ચિલઝડપ કરેલ રૂ.40 હજારના બે મોબાઈલ ફોન પોલીસે કબ્જે લીધા હતા.

આ પણ વાંચો: AMC દ્વારા રાજકીય પક્ષોના બેનરો હટાવવાની કામગીરી શરુ

પોલીસ તપાસમાં આરોપી મણીએ જણાવ્યું કે, બે દિવસ અગાઉ તે તેના મિત્ર શાહરુખ સાથે નીકળ્યો અને શાહઆલમ ટોલનાકા પાસે એક યુવકનો ફોન તફડાવ્યો હતો. બાદમાં બન્ને જણા જમાલપુર સ્મશાન પાસે ગણપતિ મંદિર પાસેથી પસાર થતા ભાઈનો ફોન આંચકી લીધો હતો. બન્ને ફોન લઈ આજે તે શાહઆલમ ખાતે ગ્રાહકને વેચવા જઈ રહ્યો હતો. મણી અગાઉ ચોરી,મોબાઈલ ચોરી અને મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

બનાવ અંગે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય રાકેશ શાહના ડ્રાઈવર અશોક મંગાજી ઠાકોર (ઉં,32) મારવાડી લુહારની ચાલી, રામદેવપીરના મંદિર પાસે, જમાલપુર ચાર રસ્તાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જે મુજબ અશોક શુક્રવારે રાત્રે 9 વાગ્યે પોતાની નોકરી પુરી કરી પગપાળા ઘરે પરત ફરતો હતો. તે એનઆઈડીથી સરદારબ્રિજ થઈ જમાલપુર સ્મશાનગૃહ તરફ આવ્યો હતો. રસ્તામાં ચાલતા ચાલતા અશોક તેના મોબાઈલ ફોનથી મિત્રને મેસેજ કરી રહ્યો હતો. તે દરમિયાન બે યુવકો જમાલપુર ચાર રસ્તા તરફથી બાઈક લઈ અશોક તરફ આવતા તે ગભરાયો હતો. બાઈક લઈ નજીક આવેલા ચાલક યુવકે અશોકના હાથમાંથી ફોન આંચકી તેની પાછળ બેઠેલા શખ્સને આપ્યો હતો.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા મારફતે MD ડ્રગ્સ વેચનાર પિતા – પુત્રની ધરપકડ, 13 લાખનો મુદ્દામાલ જપ્ત

ફોન આંચકી બાઈક પુરઝડપે ભગાવી આરોપીઓ ફરાર થઈ જતા અશોકે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. બનાવને પગલે ગાયકવાડ હવેલી પોલીસે અશોક ઠાકોરની ફરિયાદ આધારે અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ રૂ.30 હજારના ફોનની ચિલઝડપ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9