નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની બ્રિટન મુલાકાત પહેલેથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ભાજપા નેતા ભારત સરકાર અને આરએસએસ અંગેના તેમના નિવેદનોનો વિરોધ કરી રહ્યા છે. હવે તેમના નિવેદનની અસર સંસદના બજેટ સત્રમાં પણ જોવા મળી રહી છે. ભારે ઉહાપોહને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતી કાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપા નેતાઓ પર વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
તમામ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છેઃ ખડગે
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ મામલે કહ્યું કે તેઓ જાતે અહીં લોકશાહીને કચડી રહ્યાં છે અને તમામ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યાં છે. તેઓ દેશને તાનાશાહીની માફક ચલાવી રહ્યા છે અને પાછા આ લોકો લોકશાહી અને દેશભક્તિની વાતો કરે છે. અમે અદાણીના મુદ્દે JPCની રચનાની માગણી કરી રહ્યાં છીએ. જ્યારે અમે આ મુદ્દો ઉઠાવીએ છીએ ત્યારે માઈક બંધ કરી દેવામાં આવે છે અને ગૃહમાં શોરબકોર શરૂ થઈ જાય છે. તેથી આજે પણ અમે JPCની માગણી કરીએ છીએ.
ખડગેના અધ્યક્ષપદે CPP કાર્યાલયમાં કોંગ્રેસ સાંસદોની બેઠક
આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સંસદમાં CPP કાર્યાલયમાં કોંગ્રેસ સાંસદોની બેઠકની અધ્યક્ષતા સંભાળી હતી. બેઠકમાં સાંસદ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખડગેએ કહ્યું કે આપણે આજે (સંસદમાં) બેરોજગારી, મોંઘવારી અને ED-CBIના દરોડાના મુદ્દા ઉઠાવીશું. કર્ણાટકમાં 40 ટકા ભ્રષ્ટાચાર છે, ત્યાં તેમના ધારાસભ્ય રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પરંતુ, તેમને છૂટ છે અને અહીં 25 – 30 વર્ષ જૂના કેસ શોધી શોધીને વિપક્ષના સભ્યોને પરેશાન કરી રહ્યાં છે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે જે સભ્ય ગૃહ (રાજ્યસભા)ના ભાગરૂપ નથી તેમના વિશે સવાલ કેવી રીતે ઉઠાવી શકાય ? તે નિયમની વિરુદ્ધ છે. ગૃહના નેતાને 10 મિનિટ અને વિપક્ષના નેતાને માત્ર 2 મિનિટ ફાળવવામાં આવી, આ જ તો લોકશાહી ખતમ થઈ રહી છે અને આ જ વાત તેમણે (રાહુલ ગાંધીએ) સેમિનારમાં કરી હતી.
Advertisement