Gujarat Exclusive > રાજનીતિ > ઉદ્ધવ ઠાકરેને રાહત! મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ ચૂંટણી કરાવાનો ECનો નિર્ણય

ઉદ્ધવ ઠાકરેને રાહત! મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ ચૂંટણી કરાવાનો ECનો નિર્ણય

0
359

મુંબઈ: દેશમાં જીવલેણ કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે શુક્રવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીનું આયોજન કરવા માટે મંજૂરી આપી દીધી છે. રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણી 21 મેંના રોજ મુંબઈમાં યોજાશે. આ સાથે જ ચૂંટણી પંચે કોરોના મહામારી દરમિયાન જરૂરી નિયમોનું પાલન કરવા પણ જણાવ્યું છે. ચૂંટણી પંચ તરફથી મંજૂરી મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાહતનો શ્વાસ લીધો છે અને તેમની મુખ્યમંત્રીની ખુરશી પરનું સંકટ હાલ પૂરતુ ટળતુ હોય તેમ લાગી રહ્યું છે.

જણાવી દઈએ કે, હાલના રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને શપથ લીધાને આગામી 28 મેંના રોજ 6 મહિના પૂરા થઈ જશે. હજુ સુધી ઉદ્ધવ ઠાકરે વિધાનસભા કે વિધાનપરિષદના સભ્ય નથી. તેઓ ચૂંટણી લડ્યા વિના જ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે બંધારણની કલમ 164 (4) પ્રમાણે, જો ગૃહની બહારનો કોઈ વ્યક્તિ મંત્રી કે મુખ્યમંત્રી બને છે, તો શપથ ગ્રહણના 6 મહિનાની અંદર વિધાનસભા અથવા વિધાન પરિષદ (જે રાજ્યોમાં હોય)ના સભ્ય બનવું અનિવાર્ય છે.

ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદની સાથે સરકાર બચાવવા માટે રાજ્યપાલ ક્વોટાની વિધાન પરિષદમાં ફાળવેલી 2 બેઠકોમાંથી 1 પર નોમિનેટ કરવાની માંગ સરકાર તરફથી સતત કરવામાં આવી રહી હતી. આ માટે રાજ્ય કેબિનેટ તરફથી બે વખત રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો હતો.

જ્યારે ગઈકાલે જ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ચૂંટણી પંચ પાસે વિધાન પરિષદની 9 ખાલી બેઠકો પર ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. જે બાદ આજે ચૂંટણી પંચ તરફથી આદેશ આપવામાં આવ્યો છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

લૉકડાઉન વચ્ચે લાભ! રાંધણ ગેસના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો તમારા શહેરમાં શું છે કિંમત?