Gujarat Exclusive > રાજનીતિ > Exit Poll Results: પશ્ચિમ બંગાળમાં ‘દીદી’ની હેટ્રિક, અસમમાં ફરીથી ભાજપ સરકાર

Exit Poll Results: પશ્ચિમ બંગાળમાં ‘દીદી’ની હેટ્રિક, અસમમાં ફરીથી ભાજપ સરકાર

0
73

કોલકતા: પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ, તમિલનાડુ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીમાં કોણ બાજી મારશે? આ પ્રશ્ન સૌ કોઈના મનમાં છે. પશ્ચિમ બંગાળમાં આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થવા સાથે જ તમામ ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે.

પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર ચૂંટણી, ‘દીદી’ની હેટ્રિકની સંભાવના
પશ્ચિમ બંગાળમાં સૌથી લાંબી 8 તબક્કામાં ચૂંટણી સંપન્ન થઈ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠકોમાંથી 292 બેઠકો પર મતદાન થયું છે, કારણ કે કોરોના સંક્રમણના કારણે બે ઉમેદવારોના મોત થયાં છે. જેમાં 16મી મેના રોજ મુર્શિદાબાદ જિલ્લાની જંગીપુર અને શમશેરગંજ વિધાનસભા બેઠકો પર મતદાન થશે.

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થયું, જ્યારે 1 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થયું. આ સિવાય 6 એપ્રિલે ત્રીજા, 10 એપ્રિલે ચોથા, 17 એપ્રિલે પાંચમા, 22 એપ્રિલે છઠ્ઠા, 26 એપ્રિલે સાતમા અને 29 એપ્રિલે છેલ્લા અને આઠમા તબક્કાનું મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં બહુમત માટે 148 બેઠકની આવશ્યક્તા છે.

એબીપી અને સી વોટર સર્વેના એક્ઝિટ પોલ મુજબ, પશ્ચિમ બંગાળની 292 બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસને 152-164 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે ભાજપના ફાળે 109-121 બેઠકો આવી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસને માત્ર 14-25 બેઠકો જ મળી શકે છે.

રિપબ્લિક-ટીવી-CNX એક્ઝિટ પોલના સર્વેમાં ભાજપને 138 થી 148 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મમતા બેનર્જીની ટીએમસીને 128થી 138 બેઠકો મળી શકે છે. આ ઉપરાંત લેફ્ટ અને કોંગ્રેસને 11 થી 21 સીટો જ મળી શકે છે.

ટાઈમ્સનાઉના  પોલ મુજબ, પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 158 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપના ખાતામાં 115 બેઠકો આવી શકે છે. જ્યારે કોંગ્રેસ અને લેફ્ટના ફાળે 22 સીટો જવાનું અનુમાન છે.

અસમમાં ભાજપની વાપસી
અસમમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઈ છે. જ્યાં પ્રથમ તબક્કામાં 27 માર્ચે 47 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમાં 81.09 લાખ મતદાતાઓ સાથે 72.10 ટકા વોટિંગ થયું હતું. રાજ્યની 126 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં 6 એપ્રિલે જ મતદાન સંપન્ન થયું હતું. અહી સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના એઆઈયુડીએફ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. અસમમાં સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 64 બેઠકોનો છે.

ટાઈમ્સ નાઉ અને રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલ અનુસાર, અસમમાં ભાજપને 75 થી 85 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 40 થી 50 બેઠકો જઈ શકે છે.

ઈન્ડિયા ટૂડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, અસમમાં ભાજપને એક વખત ફરીથી બહુમત મળવાનું અનુમાન છે. રાજ્યમાં ભાજપને 75-80 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસના હાથમાં 40-50 અને અન્યના ફાળે 1-4 બેઠકો મળી શકે છે.

એબીપી અને સી વોટર સર્વે મુજબ, અસમમાં ભાજપની વાપસી થતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં રાજ્યની 126માંથી 58-71 બેઠકો ભાજપના ફાળે જતી જોઈ શકાય છે. જ્યારે કોંગ્રેસ અહીં કાંટાની ટક્કર આપતા 53-66 સીટો જીતી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 5 સીટો જઈ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat