Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અફસરશાહી: દ્વારકા મંદિર કોરોનાને કારણે બંધ છતા કલેક્ટરે પરિવાર સાથે પૂજા કરી

અફસરશાહી: દ્વારકા મંદિર કોરોનાને કારણે બંધ છતા કલેક્ટરે પરિવાર સાથે પૂજા કરી

0
1781

ગાંધીનગર: કોરોના વાયરસનો વિશ્વભરમાં કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના 30 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસને કારણે સાવચેતીના ભાગ રૂપે સરકાર તાળા બંધી, જનતા કરફ્યૂ અને જાહેરનામા દ્વારા લોકોને ઘરમાં જ રહેવાનું કહી રહી છે. આ વચ્ચે સરકારના જાહેરનામાનો જિલ્લાના વડા દ્વારા જ ભંગ કરવામાં આવી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જાતે જ પરિવાર સહિત મંદીરમાં ગયા હતા અને પૂજા પણ કરી હતી.

દેવભૂમિ દ્વારકાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીણા દ્વારા 2 દિવસ પહેલાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી અને તેમાં એ ઉલ્લેખ પણ હતો કે કોરોના વાયરસના પગલે રાજ્યના જીલ્લાઓમાં સી.આર.પી.સી લાગુ કરી દેવામાં આવી છે જેમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ સી.આર.પી.સી 144 લાગુ હોવા છતાં કલેક્ટર પરિવાર સહિત દ્વારકા મંદિરે ગયા હતા અને પૂજા પણ કરી હતી. દ્વારકા મંદિરમાં કલેક્ટર પૂજા બાદ પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા અને કોરોના વાયરસ મુદ્દે લોક કલ્યાણ માટે પૂજા કરી હોવાનું કહ્યું હતું. રાજ્યના મુખ્ય મંદિરોને નામ સહિત બંધ કરવામાં આવ્યા હોવા છતાં અને 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં મંદિરમાં આ રીતે કલેક્ટરે ભેગા થઈને પૂજા કરી હતી. આ પૂજા સંદર્ભે જાણકારી ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું કે, “આ પૂજા લઘુ વિષ્ણુ યાગ, વિશ્વ આરોગ્ય અને વિશ્વ તાપ હરણ, સર્વ કલ્યાણ માટે એક દિવસનું હતું.

આ મુદ્દે કલેકટર નરેન્દ્રકુમાર મીણાનો ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો નહતો. કલેક્ટરે જો મંદિરમાં લોક કલ્યાણ માટે પૂજા કરી હોય તો પૂજામાં મુકેલી તસવીર કોની છે? જો કોઇની તસવીર મુકી કલેક્ટરે પૂજા કરી હોય તો તે લોક કલ્યાણનું કામ કેવી રીતે થયુ? સરકારના નિયમોનું જિલ્લાના વડા જ પાલન નથી કરી શકતા તો પછી જનતા પાસે કેવુ પાલન કરાવશે?

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 12 પોઝિટિવ કેસ, રાજ્યમાં 30 પહોચી સંખ્યા