નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ બિલને લઇને ખેડૂતો દિલ્હીમાં છેલ્લા 50 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કૃષિ બિલ પર રોક લગાવી દીધી છે અને કમિટીની રચના કરી છે. જોકે, ખેડૂતો આંદોલન પૂર્ણ કરવા તૈયાર નથી. આ વચ્ચે હરિયાણામાં પણ ખેડૂતો આક્રમક બન્યા છે. ખેડૂતોનો મૂડ પારખી મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. દુષ્યંત ચૌટાલાએ તે બાદ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.
દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શનની અસર હવે હરિયાણાના રાજકારણમાં પણ જોવા મળી રહી છે. દુષ્યંત ચૌટાલાએ ખેડૂતોના પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. એક કલાક સુધી ચાલેલી મુલાકાત બાદ ચૌટાલા મીડિયા સાથે વાત કર્યા વગર સીધા ચંદીગઢ માટે રવાના થઇ ગયા હતા. આ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.
દુષ્યંત ચૌટાલા હરિયાણામાં ભાજપ સાથેના ગઠબંધન જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે જજપાના કેટલાક ધારાસભ્ય પ્રદર્શનકારી ખેડૂતોના દબાણમાં છે.
મહત્વપૂર્ણ છે કે સોમવારે ઇનેલો પ્રમુખ અભય ચૌટાલાએ એક પત્ર લખી ખટ્ટર સરકારનો વિરોધ કર્યો હતો અને કહ્યુ હતું કે જો 26 જાન્યુઆરી સુધી ખેડૂતોની વાત સાંભળવામાં નથી આવતી તો તેમના આ પત્રને જ રાજીનામું માનવામાં આવે. તે બાદથી હરિયાણામાં રાજકારણ ગરમાયુ છે. અભય ચૌટાલાએ પોતાના પત્રમાં કહ્યુ હતું કે તે આવી સંવેદનહીન વિધાનસભામાં રહેવા નથી માંગતા.
આ પણ વાંચો: ગુજરાત, રાજસ્થાન બાદ BTPની નજર બંગાળ પર, 10થી વધુ બેઠકો પર ઉમેદવારો ઉતારશે
હરિયાણા વિધાનસભાની સ્થિતિ
હરિયાણામાં અત્યારે ભાજપ-જેજેપી ગઠબંધનની સરકાર છે. હરિયાણામાં 90 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠક ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે 31 બેઠક છે. દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP) પાસે 10 બેઠક છે. 7 ધારાસભ્ય અપક્ષના છે. જ્યારે ઇન્ડિયન નેશનલ લોક દળ (INLD) અને હરિયાણા લોકહિત પાર્ટી (HLP)ના 1-1 ધારાસભ્ય છે. હરિયાણામાં NDA પાસે 46 ધારાસભ્ય છે જ્યારે UPA પાસે 44 ધારાસભ્ય છે.