Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આઠમના હોમ-હવન અને યજ્ઞને લઈ શ્રદ્ધાળુ ભક્તોમાં માઈ ભક્તિનો માહોલ છવાયો

આઠમના હોમ-હવન અને યજ્ઞને લઈ શ્રદ્ધાળુ ભક્તોમાં માઈ ભક્તિનો માહોલ છવાયો

0
46
  • ધનાસુથારની પોળના 800 વર્ષ જૂના અતિ પ્રાચીન અને ઐતિહાસિક અંબાજી મંદિરમાં ખોળામાં
  • કળશ લઈને બેઠેલા લક્ષ્મી માતાજીના સ્વરૂપમાં આઠમની ભવ્ય ઉજવણી
  • અતિપ્રાચીન અંબાજી મંદિરમાં માતાજીની ભવ્ય મહાઆરતી અને ચમત્કારિક નવચંડી મહાયજ્ઞ યોજાયા

અમદાવાદ: નવરાત્રિ પર્વની સૌથી અનેરૂ, ચમત્કારિક અને શાસ્ત્રોક્ત મહાત્મ્ય ધરાવતી આઠમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારમાં અંબાજી સહિતના માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, હોમ-હવન અને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના 800 વર્ષ જૂના અતિપ્રાચીન અંબાજી માતાના મંદિર, ભુલાભાઈ પાર્કના બહુચરાજી માતાજી, માધુપુરા અંબાજી માતા, દૂધેશ્વર સ્થિત મહાકાળી માતા, સોલા રોડ પર ચાંદની એપાર્ટમેન્ટ ખાતે આવેલા અંબાજી માતા સહિતના વિવિધ મંદિરોમાં આજે આઠમ નિમિત્તે માતાજીના અદભુત સાજ શણગાર, હોમ-હવન અને મહાયજ્ઞ તેમજ શ્રદ્ધાળુ ભક્તો માટે વિશેષ પ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.

જો કે આ વર્ષે કોરોના મહામારીના કારણે વિવિધ અંબાજી મંદિરોમાં સરકારની ગાઈડલાઈન અને માર્ગદર્શિકાઓનું પણ ચુસ્તપણે પાલન કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ તે વચ્ચે પણ ભક્તોની શ્રધ્ધા અને આસ્થા માઈ ભક્તિની સ્પષ્ટ પ્રતીતિ કરાવતી હતી.

આ પણ વાંચો: BREAKING: ઇસ્કોન ગુજરાતના પ્રમુખ જશોમતિનંદનદાસજીનું 72 વર્ષે નિધન

નવરાત્રિ દરમિયાન અષ્ટમીની પૂજા આરાધનાનું વિશેષ અને ચમત્કારિક મહાત્મ્ય હોવાથી શહેરના માતાજીના મંદિરોમાં આજે આઠમને લઇ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જેને લઈને માતાજીની ભક્તિનો માહોલ છવાયો હતો.

આજે શનિવારના રોજ આઠમ નિમિત્તે વિવિધ અંબાજી મંદિરોમાં માતાજીના મહાગૌરી સ્વરૂપે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી હતી તો કેટલાક મંદિરોમાં આજે આઠમ નોમ ભેગી ગણીને પણ માતાજીની મહાગૌરી સ્વરૂપની સાથે સિદ્ધિદાત્રી સ્વરૂપની પણ ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તો વળી શહેરના 800 વર્ષ જૂના અતિપ્રાચીન ધનાસુથારની પોળના અંબાજી મંદિર ખાતે તો આ વર્ષે માતાજી ખોળામાં કળશ લઈને બેઠા હોય એવા અદભુત લક્ષ્મીજી સ્વરૂપમાં દર્શન આપતા હતા અને ભકતો પણ માતાજીનું આ મનોહર અને નયનરમ્ય રૂપના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા.

આ પણ વાંચો: PM મોદીના કાર્યક્રમ વિરુદ્ધ કેવડિયા બંધ નિષ્ફળ બનાવવા તંત્ર સક્રિય: આ ગામોએ બંધનો કર્યો વિરોધ

શહેરના ધનાસુથારની પોળ ખાતે આવેલા 800 વર્ષ જૂના અતિ પ્રાચીન અને ઐતિહાસિક એવા અંબાજી મંદિરનો ઈતિહાસ ઘણો રસપ્રદ અને ગૌરવવંતો રહ્યો છે. આ મંદિરની પ્રાચીન કથા વિશે ગાદીપતિ ભુપેન્દ્રભાઈ અને દિપકભાઈ ભટ્ટે જણાવ્યું કે, સદીઓ પૂર્વે જ્યાંથી સાબરમતી નદી વહેતી હતી તે હાલના માણેકચોક અને ફર્નાન્ડીઝ બ્રિજ વિસ્તારમાં કોતરો હતા અને હાલનો રીલીફરોડ અને ગાંધી રોડ વિસ્તાર પણ ખુલ્લો જંગલ જેવો હતો એ અરસામાં આ મંદિર અને મૂર્તિની સ્થાપના થયા હોવાનું મનાય છે. ખુદ લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધનકારોના મત મુજબ, ધનાસુથારની પોળ સ્થિત આ અંબાજી માતાની મૂર્તિ સદીઓ પુરાણી છે અને મંદિર પણ એટલું જ જુનું અને અતિ પ્રાચીન છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ઐતિહાસિક અંબાજી મંદિરનો 206 વર્ષ પૂર્વે જીર્ણોદ્ધાર કરાયો હતો. અગાઉ કોમી તોફાનો દરમિયાન આ મંદિર પર એમઇ – 32 પ્રકારના બોમ્બ ફેંકાયા હતા પરંતુ માતાજીનો ચમત્કાર એટલો જબરદસ્ત હતો કે, મંદિર કે મૂર્તિને ઉની આંચ પણ આવ્યા ન હતા. ધનાસુથારની પોળ સ્થિત અંબાજી મંદિર શહેરનું એક માત્ર મંદિર એવું છે કે જ્યાં નવરાત્રી દરમિયાન આઠમ સુધી રોજ માતાજીની 108 દીવાઓની ભવ્ય આરતી ઉતારવામાં આવે છે.

આઠમ નિમિત્તે આજે રાત્રે 12 વાગ્યાથી વિશેષ મહાયજ્ઞ અને હવન યોજાશે. સતત પાંચ કલાક સુધી ચાલતા આ નવચંડી મહાયજ્ઞમાં સવારે 5:00 વાગ્યે શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન કરવામાં આવશે. જો કે, કોરોના મહામારી ના કારણે આ વર્ષે માતાજીની ભવ્ય મહાઆરતી અને ચમત્કારી હવન અને નવચંડી મહાયજ્ઞ બંધ બારણે જ કરવામાં આવ્યા હતા પરંતુ માતાજીની પૂજા-અર્ચના અને ભક્તિની વર્ષો જૂની પ્રાચીન પરંપરા એ જ પ્રકારે જાળવી રાખવામાં આવી હતી.

જ્યારે આવતીકાલે નોમના દિવસે હજારો શ્રધ્ધાળુ ભકતો આ યજ્ઞ કુંડ ની ભસ્મ લેવા પડાપડી કરશે. કારણ કે નવરાત્રીની આઠમના આ મહાયજ્ઞ અને તેની ભસ્મની ચમત્કારિક મહાત્મ્ય હોઈ શ્રદ્ધાળુઓમાં તેને આખું વર્ષ પોતાની તિજોરી, ધંધા રોજગારના સ્થળોએ તેને સંઘરી રાખવાની અનોખી માન્યતા છે કે જેથી માતાજી ભક્તો પર અનેરી કૃપા વરસાવે છે.