Gujarat Exclusive > યુથ > મનોરંજન > જીવલેણ કોરોના વાઈરસનો ખાત્મો કરવા સરકારે છોડ્યું ‘રામબાણ’!

જીવલેણ કોરોના વાઈરસનો ખાત્મો કરવા સરકારે છોડ્યું ‘રામબાણ’!

0
2782

મુંબઈ: લૉકડાઉનના કારણે તમે ઘરમાં બેસીને કંટાળી ગયા હશો અને એકના એક મુવી અને વેબ સિરીઝ જોઈને કંટાળી ગયા હોવ, તો ચિંતા ના કરશો. સરકારે તમારા મનોરંજન અને ટાઈમ પાસ માટે ‘રાણબાણ‘ ઉપાય અજમાવ્યો છે. 80ના દાયકાની જાણતી ટીવી શ્રેણી રામાયણનું પ્રસારણ એક વખત ફરીથી દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ પર કાલથી શરૂ થવા જઈ રહ્યું છે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે જણાવ્યું કે, જનતાની માંગ પર શનિવાર 28 માર્ચથી રામાયણનું પ્રસારણ ફરીથી દૂરદર્શનની નેશનલ ચેનલ પર શરૂ થઈ જશે. તેમણે જણાવ્યું કે, પ્રથમ એપિસોડ સવારે 9 વાગ્યે અને બીજો એપિસોડ રાત્રે 9 વાગ્યાનો રહેશે. આટલું જ નહી, સરકાર બીઆર ચોપરાની જાણીતી “મહાભારત”ને પણ ફરીથી પ્રસારિત કરવાનો વિચાર કરી રહી છે. રામાનંદ સાગર કૃત ‘રામાયણ’નું પ્રસારણ વર્ષ 1987માં પ્રથમ વખત અને બીઆર ચોપરાની “મહાભારત”નું પ્રસારણ વર્ષ 1988માં પ્રથમ વખત દૂરદર્શન પર થયું હતું.

હકીકતમાં કોરોના વાઈરસના પગલે સરકારે 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કર્યા બાદ જ સોશિયલ મીડિયા પર રામાયણ અને મહાભારતને દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરવાની માંગ લોકો કરી રહ્યા હતા. આ માટે પ્રસાર ભારતી અને સૂચના પ્રસારણ મંત્રીને ટૈગ કરી રહ્યાં હતા. જે બાદ પ્રસાર ભારતીના CEO શશિ શેખરે જણાવ્યું કે, જે લોકો પાસે રામાયણ અને મહાભારતના રાઈટ્સ છે, તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. આ સાથે જ બન્ને સીરિયલોના ટેલિકાસ્ટનો સમય અને શિડ્યૂલ વિશે ટૂંકમાં જાણ કરવામાં આવશે. જે બાદ શુક્રવારે સવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાતે રામાયણના પુન:પ્રસારણની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.

જણાવી દઈએ કે, 80ના દાયકામાં રામાયણ અને મહાભારત સીરિયલો પાછળ દર્શકો એટલા ગાંડા હતા કે, તેના પ્રસારણ સમયે રસ્તાઓ સૂમસામ થઈ જતા હતા. તેના પ્રસારણ સમયે રોડ પર કરફ્યૂ જેવો માહોલ સર્જાતો હતો. આ બન્ને સીરિયલો ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ સીરિયલોમાં આવે છે. 55 દેશોમાં સાડા 6 કરોડ કરતા વધારે દર્શકોએ આ સીરિયલો જોઈ હતી. જેના પાત્રોની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છે કે, રામાયણમાં રામ અને સીતાની ભૂમિકા ભજવનારા અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયાના ફોટોને લોકો પોતાના ઘરોના મંદિરોમાં રામ-સીતા તરીકે રાખતા અને તેની પૂજા કરતા હતા.

કોરોના સામે જંગ જીતવા માટે કેન્દ્ર સરકારનું રાહત પેકેજ કેટલું છેતરામણું?