Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: સુખમાં છકી ન જશો, દુઃખમાં ભાંગી ન પડશો, યે દિન ભી બિત જાયેંગે

#Column: સુખમાં છકી ન જશો, દુઃખમાં ભાંગી ન પડશો, યે દિન ભી બિત જાયેંગે

0
205

ડૉ. જય નારાયણ વ્યાસ: સુખ કોને નથી જોઈતું?
સુખની શોધમાં તો બધા જ હોય છે કારણ કે દુઃખથી સહુ દૂર ભાગે છે.
જો કે જીવનની નદી ક્યારેય એકલું સુખ કે એકલું દુઃખ એવા એક કિનારે નથી વહેતી.
સુખ અને દુઃખ જીવનની નદીના બે કિનારા છે. એટલે જ કહેવાયું છે કે –
સુખદુઃખ મનમાં ન આણીએ,
ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે,
રઘુનાથનાં જડિયાં
સુખમાં છકી ન જવું અને દુઃખથી ડરી ન જવું.
નથી સુખ કાયમી કે નથી દુઃખ.
આજે સાવ સરળ ભાષામાં સુખ કોને કહેવાય તેનું વર્ણન કરતી પંક્તિઓ ઉતારવી છે.
આ પંક્તિઓ નીચે મુજબ છે –
પહેલું સુખ તે જાતે નર્યા
બીજું સુખ તે ઘેર દીકરા
ત્રીજું સુખ કોઠીએ જાર
અને…
ચોથું સુખ તે સુલક્ષણા નાર
‘शरीरमाद्यं खलु धर्मसाधनम्’ એટલે કે ભક્તિથી માંડીને અર્થ (પૈસો) કશું પણ પામવું હોય તો શરીર સુખાકારી સારી જોઈએ.
જો શરીર સાથ ન દે તો ના તો ભક્તિમાં જીવ પરોવાય કે ના અર્થ ઉપાર્જનમાં મન લાગે.
આમ સૌથી અગત્યનું અને પાયાનું સુખ એટલે તંદુરસ્તી.
બીજું સુખ એ સંતાન સુખ છે. પોતાને ત્યાં શીલવાન સંતતિ પેદા થાય તે બીજું સુખ. અહીંયાં બદલાયેલા સંદર્ભમાં દીકરા શબ્દને વ્યાપક અર્થમાં દીકરો તેમજ દીકરી બંનેને સમાવતો ગણવાનો છે.
ભૂખે પેટ ભજન ન થાય.
સંસ્કૃતમાં કહ્યું છે, ‘वुभुक्षितः किं न करोति पापं’
પેટનો ખાડો પુરવા માટેની મથામણ માણસ પાસે ગમે તેવું આચરણ અથવા પાપ કરાવી શકે છે.
આ કારણથી કહ્યું છે – ‘ત્રીજું સુખ તે કોઠીએ જાર’, ઘરે ખાવા માટે પૂરતું અનાજ હોય.
અને… ચોથું?
ધરતીનો છેડો ઘર
માણસ થાક્યોપાક્યો બહારથી આવે, આખો દિવસ ઉધામા કર્યા હોય,
વળી ‘તાવડી તેર વાના માંગે’ એટલે ઘર ચલાવવાની અને વ્યવહાર નિભાવવાની વ્યથા તો અલગ જ. આવે સમયે સમજદાર અને હિંમત પૂરી પાડે તેવી અર્ધાંગિની ઘરમાં હોય
પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી થાય તેવી જીવન સહચરીનો જેને સાથ હોય
તેવી સુલક્ષણા નાર એટલે કે પત્ની એ ચોથું સુખ છે.
આમેય પત્ની માટે કહેવાય છે કે ‘કાર્યેષુ મંત્રી’ અને ‘ભોજ્યેષુ માતા’
પોતાના પતિને એના કામકાજમાં ઊંડી સમજ સાથે સલાહ આપી શકે અને મા અન્નપૂર્ણાનો અવતાર બનીને જે કાંઈ રસોઈ બની હોય તે માતા જેવા સ્નેહથી પતિને જમાડે તેવી પત્ની મળવી તે ચોથું સુખ છે.
આથી બિલકુલ વિપરીત –

આ પણ વાંચો: #Column: કટોકટીની એ નિર્ણાયક પળ

કુગ્રામ વાસઃ કુજનસ્ય સેવા, કુભોજનં ક્રોધમુખી ચ ભાર્યા ।
પુત્રશ્ચ મૂર્ખો વિધવા ચ કન્યા વિનાડ્ગ્નિના ષડ્ પ્રદહન્તિ કાયમ્ ।।
આમાં આ છ બાબતો એટલે કે નઠારા ગામમાં વસવાટ, દુર્જનની સેવા, અપથ્યકારક ભોજન, ઝઘડાળુ પત્ની, યુવાન ઉંમરે વિધવા થઇને પિતૃગૃહે આવેલ કન્યા અને મુર્ખ પુત્ર, આ છ પરિસ્થિતિ માણસને જીવતા જીવત ચિતાના અગ્નિની જેમ બાળે છે.
સુખ સંપૂર્ણપણે તમારા હાથની બાબત નથી
કારણ કે પરિસ્થિતિ ઉપર માણસનો કાબુ એક હદથી વધારે હોતો નથી
અને એટલે જ સુખ હોય કે દુઃખ બેમાંથી એકેય કાયમી નથી.
કાયમી સત્ય માત્ર એક જ છે જે તમારા મગજમાં કોતરી રાખો – ‘યે દિન ભી બીત જાયેંગે.’
સુખમાં છકી ન જશો
દુઃખમાં ભાંગી ન પડશો
પરિસ્થિતિને બદલાતાં વાર નથી લાગતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat