ભારતના બંધારણમાં રહેલા સંતુલનને ડામાડોળ કરવા માટે મોદી સરકાર કેટલી હદ્દ સુધી જઈ શકે છે, તે અંગે વર્તમાનમાં બનેલી એક ઘટના ઉત્તમ ઉદાહરણ તરીકે સામે આવી છે. વડાપ્રધાન કાર્યલાયે (PMO) જેવી રીતે મુખ્ય ચૂટણી પંચ (CEC)ને પત્ર લખીને બોલાવ્યા છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે દેશ વહીવટીતંત્રની મુઠ્ઠીમાં છે, અને કારોબારી પોતાના નશામાં ચૂર છે.
બાય ધ વે તેને સમન્સ ન કહો, તેને PMOના પ્રિન્સિપલ સેક્રેટરી અને CEC સુશીલ ચંદ્રા (તેમના બે ડેપ્યુટી સહિત) વચ્ચેની ‘અનૌપચારિક’ મીટિંગ કહેવામાં આવી છે. હા, આ બેઠક મુખ્ય સચિવના આદેશ પર કરવામાં આવી હતી, જે સ્પષ્ટ રીતે પ્રોટોકોલની વિરુદ્ધ છે.
પરંતુ વધુ ગંભીર મુદ્દો એ છે કે તે બંધારણીય સત્તાનો દુરુપયોગ છે (જેને સત્તાઓનું વિભાજન કહેવાય છે). તેમજ કેવી રીતે એક્ઝિક્યુટિવ સ્વાયત્ત જાહેર સંસ્થાઓ પર તેના વર્ચસ્વનો ઉપયોગ કરે છે, તેમને પ્રભાવિત કરે છે અને તેમના કાર્યોમાં દખલ કરે છે.
ભૂતકાળમાં પણ લાગ્યા છે અનેક દાગ
જોકે, આવું પહેલીવાર થઈ રહ્યું હોય તેવું પણ નથી. આ સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે તે આવા ગુનાઓ કરતી રહી છે. 2014માં મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી સ્વાયત્ત સંસ્થાઓને ખોખલી કરવામાં આવી રહી છે. તેમના મૂળ વ્યવસ્થિત રીતે ખોદવામાં આવી રહ્યા છે.
સ્વાયત્ત સંસ્થાઓને ગેરબંધારણીય રીતે પ્રભાવિત કરવામાં આવી રહી છે (જેમ કે આપણે ચૂંટણી પંચ, ભારતીય રિઝર્વ બેંક અને ન્યાયતંત્રના કિસ્સામાં જોયું છે).
જેમ કે પોતાની પસંદગીની નિમણૂકો દ્વારા દખલ કરવી (જેમ કે ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ, લલિત કલા પરિષદ અથવા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કિસ્સામાં જોવામાં આવ્યું છે, તે ભૂલી જાઓ કે સીબીઆઈ અને ઇડી કેવી રીતે તેમની જાગીર બનાવી દેવામાં આવી છે)
મહત્વપૂર્ણ પદ્દોને ખાલી રાખવામાં આવી રહ્યાં છે, અથવા પગાર અને કાર્યકાળ (જેમ કે કેન્દ્ર અને રાજ્ય સ્તરે માહિતી કમિશન સાથે કરવામાં આવે છે) નક્કી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે વહીવટીતંત્રના હાથમાં નથી, અને આ રીતે સ્વાયત્ત સંસ્થાઓના મૂળિયા ખોદવામાં આવી રહ્યાં છે.
રાજકીય હિતોને સાધવા માટે ખુલ્લેઆમ રીતે સ્વાયત સંસ્થાઓને પોતાના હિસાબથી તૈયાર કરવામાં આવી રહી છે. સશસ્ત્ર દળો અને ચોથો સ્તંભ એટલે કે મીડિયા પત્રકારો)
આવું પહેલીવાર બન્યું નથી કે સરકારે ચૂંટણી પંચને શિકાર બનાવ્યું હોય છે.
અગાઉ ભલે ચૂંટણી કમિશનરોની ઈમાનદારીનું ઉદાહરણ આપવામાં આવતું હતું, પરંતુ 2017માં તેના પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા નિયુક્ત કમિશનરે તે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની તારીખો આગળ-પાછળ કરવા જાહેર કરી, જ્યાં એક જ સમયે ચૂંટણી યોજાતી આવી છે.
વિપક્ષની ચિંતા એ છે કે તાજેતરની ઘટના પછી તે ફરી શરૂ ન થાય.
લગભગ પચીસ વર્ષ પહેલાં આયોગે આચારસંહિતા લાગુ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ સરકાર મતદારોને ખુશ કરવા માટે ખર્ચ કરી શકે નહીં. પરંતુ કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર બનવાથી ઘણું બદલાઈ ગયું છે. ચૂંટણી ઠિક પહેલા જ યોજનાઓની જાહેરાતો થઈ, લોકોને મફત ભેટની લાલચ આપવામાં આવી હતી અને ચૂંટણી પંચ પર ચૂંટણીની જાહેરાત શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવા દબાણ કરવામાં આવ્યું હતું.
આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, પરંતુ ગુજરાતની નહીં – જોકે સામાન્ય રીતે બંને રાજ્યોમાં ચૂંટણીઓ એક જ સમયે યોજાય છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના 13 દિવસ બાદ ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે ગુજરાતમાં પૂર રાહત કાર્યના કામને આગળ ધરવામાં આવ્યું. (આચારસંહિતાને કારણે આ પરવાનગી આપવામાં આવી નથી).
ભૂતપૂર્વ ચૂંટણી કમિશનરો દ્વારા એક સ્વરે આ નિર્ણયની ટીકા કરવામાં આવી હતી, તેમ છતાં ગુજરાત સરકાર અને વડાપ્રધાન પોતે મોડી જાહેરાતનો સંપૂર્ણ લાભ ઉઠાવીને ચૂંટણી પૂર્વે ભેટો વહેંચી રહ્યા હતા. ભાજપે વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મુશ્કેલથી જીતી હતી, જોકે તેમણે તેનું બહુમતી લગભગ ગુમાવી દીધુ હતું.
ભાજપ ભલે નિર્દોષ હોવાનો દાવો કરે, તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જે લોકો આજે કારોબારીનું નેતૃત્વ કરી રહ્યાં છે, તેમનો ઈતિહાસ દર્શાવે છે કે તેઓએ ચૂંટણી પંચને પોતાની શરતો પર નચાવવાનો પ્રયાસ કર્યો છે.
2002માં ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે ચૂંટણી પંચ રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ વિશે ચિંતિત હતું, ત્યારે તેણે રાજ્યમાં વહેલી ચૂંટણીઓ યોજવાની તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રજૂઆતને ઠુકરાવી દીધી હતી. આ પછી મોદીએ તત્કાલીન ચૂંટણી કમિશનર જે.એમ. ધર્મને લઈને સાર્વજનિક અભિયાન ચલાવ્યું હતું.
તેમની ખ્રિસ્તી પૃષ્ઠભૂમિને ઉછાળવામાં આવી હતી અને કહ્યું હતું કે તેઓ રાજ્યમાં વહેલી ચૂંટણીઓ ઇચ્છતા નથી કારણ કે તેઓ લઘુમતીઓના સમર્થક હતા (તે સમયે તેમની પોતાની પાર્ટીના નેતા અને તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા તેમની નિંદા કરવામાં આવી હતી).
જેના પર નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની જવાબદારી છે
ભાજપના શાસનમાં ચૂંટણી પંચ સરકારી વિભાગની જેમ કામ કરતું ન થઇ જાય તેનો ડર બે વર્ષથી અનુભવાઈ રહ્યો છે. બે વર્ષ પહેલા, દિલ્હી હાઈકોર્ટે ટેકનિકલ આધાર પર દિલ્હી વિધાનસભાના 20 આમ આદમી પાર્ટી (AAP) સભ્યોને ગેરલાયક ઠેરવવાના ચૂંટણી પંચના નિર્ણયને રદ કર્યો હતો. આ એક એવો નિર્ણય હતો જેનાથી ભાજપને ફાયદો થઈ શકતો હતો. કારણ કે જો આ બેઠકો ખાલી હોત તો પેટાચૂંટણી યોજાઈ હોત. કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને “કાયદેસર રીતે ખરાબ” અને “કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન” ગણાવ્યો હતો.
પરંતુ જે સંસ્થાને ભારતની લોકશાહીની પ્રક્રિયા માટે એક તટસ્થ રક્ષક તરીકે દેખવામાં આવતી હતી, તેની વર્તમાનમાં આટલી દુ:ખદ સ્થિતિ કેવી રીતે થઈ ગઈ? તેનો જવાબ તે છે કે કેન્દ્રની સત્તાધારી પાર્ટી પોતાની મરજીથી તેને ચલાવવાની કોશિશ કરી રહી છે.
હાલની ઘટના પર નજર કરીએ તો નિષ્ફળતા બંને તરફથી છે. જોકે તે જરૂરી હતું કે પીએમઓ ચૂંટણી પંચ પર પોતાનો અધિકાર ના જમાવે, સીઈસી પણ પોતાની સ્વાયત્તતાને યથાવત રાખી શકતી હતી અને પીએમઓના સમન્સને ઠૂકરાવી શકતી હતી. કેમ કે ચૂંટણી પંચ એવી સંસ્થા એવી નથી જે પીએમઓ અથવા વહીવટીતંત્રની માંગોને પૂરી કરવા માટે બંધાયેલી હોય.
તમે વિચારો કે- જ્યારે ભારતના ચીફ જસ્ટિસ સરકારના બોલાવવા પર આવી રીતે હાજર થઈ જશે. ચૂંટણી પંતની સ્વતંત્રતા પણ સીજેઆઈની જેમ પવિત્ર છે- બંને તે રાજકીય દંગલથી ખુબ જ દૂર છે જેના પર તેમને નિર્ણય લેવાના હોય છે.
આ ઉપરાંત ભૂતપૂર્વ સીઈસી વાયએસ કુરેશી સહિત ઘણા વિદ્વાન અધિકારીઓએ કહ્યું છે કે જો આવી મીટિંગ્સને ટાળવી મુશ્કેલ હોય તો પણ અમુક પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, ચૂંટણી અધિકારીઓને સમન્સ પાઠવીને બોલાવવાની જગ્યાએ તેમને વિનંતી કરવામાં આવી હોત તો તે યોગ્ય રહ્યું હોત. તે ઉપરાંત સ્પષ્ટતાની આવશ્યકતા હોય તેવા ચોક્કસ મુદ્દાઓ લેખિત જવાબો દ્વારા પણ કમિશન પાસેથી મેળવી શકાય છે.
આ બંને રીતોની અવગણના કરવામાં આવી હતી અને સૌથી ખરાબ બાબત એ છે કે સરકાર એ જાહેર કરી રહી નથી કે મીટિંગ દરમિયાન વાસ્તવમાં શું થયું અને કઈ બાબતો પર ચર્ચા થઈ.
પાર્ટીઓ આવતી-જતી રહેશે પરંતુ સંસ્થાઓ જીવંત રહે તે જરૂરી
આ ઘટનાઓનું ખતરનાક પાસું એ છે કે ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત સંસ્થા પરનો જનતાનો વિશ્વાસ ડગમગી જશે. તેનાથી લોકશાહીના સ્તંભ નબળા પડી જશે.
મેં મારા પુસ્તક ધ બેટલ ઓફ બેલોન્ગિંગમાં કહ્યું તેમ, રાજકીય પક્ષો અને સત્તામાં રહેલી સરકારો આજના મહેમાન છે, પરંતુ આ સંસ્થાઓ કોઈપણ લોકશાહીના મજબૂત આધારસ્તંભ છે. તેમની સ્વતંત્રતા, પ્રામાણિકતા અને વ્યાવસાયિક સ્વભાવ કોઈપણ સમયના રાજકીય દબાણોમાંથી ટકી રહેવો જોઈએ.
આઝાદીના 67 વર્ષ સુધી તમામ સરકારોએ જાહેર સંસ્થાઓને સશ્કત બનાવી રાખી. પરંતુ છેલ્લા સાડા સાત વર્ષમાં તેમની સ્વાયત્તતા જોખમમાં છે. સરકારે કારોબારીને વધુને વધુ સત્તાઓ આપી છે.
ભારત સામે ઘણા પડકારો છે. પરંતુ જો સરકાર આપણા લોકતાંત્રિક સ્તંભોને આ રીતે તોડી પાડવાની કોશિશ કરતી રહેશે તો આપણો લોકતાંત્રિક વિકાસ નબળો પડી જશે. આ સ્તંભોએ આઝાદી પછીથી આપણા દેશની વ્યવસ્થાને સ્થિર રાખી છે.
(લેખક કોંગ્રેસના સાંસદ અને યુએનના અંડર સેક્રેટરી રહ્યાં છે. તેમનું ટ્વિટર હેન્ડલ @ShashiTharoor છે. આ એક અભિપ્રાય છે. અહીં વ્યક્ત કરાયેલા મંતવ્યો લેખકના છે. ગુજરાત એક્સક્લૂઝિવ તેમની સાથે સહમત હોય તે જરૂરી નથી)