Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જગન્નાથ ભગવાન જે રથમાં બેસ્યા છે તેનું નામ જાણો છો તમે?

જગન્નાથ ભગવાન જે રથમાં બેસ્યા છે તેનું નામ જાણો છો તમે?

0
326

અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનું જમાલપુર મંદિરેથી સવારે 7 વાગ્યે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતી કર્યા બાદ મુખ્યમંત્રીએ પહિન્દ વિધી કરીને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથજી તેમના બેન અને ભાઇને પણ અલગ-અલગ રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન સહિત તેમના ભાઈ-બહેન જે રથોમાં બિરાજ્યા છે તે બધા જ રથોના અલગ-અલગ નામ આપવામાં આવેલા છે.

ભગવાન જગન્નાથને ‘નંદીઘોષ’ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. જ્યારે બહેન સુભદ્રાને ‘કલ્પધ્વજ’ નામના રથમાં બેસીને નગરચર્યાએ નિકળ્યા છે. તો ભાઈ બળભદ્ર ‘તાલધ્વજ’ નામના રથમાં બેસ્યા છે. આમ ત્રણેય ભાઈ પોતાના વૈભવી રથમાં બેસીને ભક્તોને દર્શન આપી રહ્યાં છે.

આ સમાચાર લખાઈ રહ્યાં છે, તે દરમિયાન ભગવાન જગન્નાથજી ભાઈ બહેન સહિત અમદાવાદ કોર્પોરેશન પહોંચ્યા હતા. જ્યારે તેમની પાછળ આવતા ગજરાજ સરસપુર પહોંચ્યા હતા. ભારે ભીડ સાથે ત્રણેય રથ આગળ વધી રહ્યાં છે. આ દરમિયાન આસ્ટોડિયા અને કાલુપુર સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ વરસ્યો છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામાન્ય રીતે 18 ગજરાજો હોય છે. પરંતુ આ વખતે 15 ગજરાજ જ છે. આ અંગે માહિતી આપતા મહેન્દ્ર જ્હાએ જણાવ્યું હતું કે, ‘જગન્નાથજી મંદિર ટ્રસ્ટના કુલ ચાર હાથીમાંથી ત્રણ મૃત્યુ પામ્યા છે અને એકનું વધારે ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યના કારણે રથયાત્રામાં લેવામાં આવ્યો નથી.

તેમના જણાવ્યા અનુસાર અમે આસામ પાસેથી નવા હાથીની માગ કરી હતી અને અને આસામ સરકારે અમારી માગ સ્વિકારી પણ છે. જોકે, એનિમલ એક્ટિવિસ્ટોનું એવું માનવું હતું કે આવી કાળઝાળ ગરમીમાં હાથીઓ પાસે આસામથી અમદાવાદની મુસાફરી કરાવવી યોગ્ય નથી. જેના કારણે હવે આ હાથીઓ આસામથી એક મહિના બાદ જ આવશે.’

આ રથયાત્રામાં 15 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા-અંગ કસરતના પ્રયોગો સાથે, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા, 2000 સાધુ-સંતો સામેલ થયા છે.

તે ઉપરાંત 1000થી વધારે ખલાસીઓ રથ ખેંચી રહ્યાં છે. આ વખતે ભરપૂર ભક્તિ, ભજન અને ભંડારાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. રથયાત્રાનાં આખા રૂટ પર ભક્તો કિર્તન સાથે જય જગન્નાથનાં નાદ સાથે આગળ વધી રહ્યાં છે. રથયાત્રા પહેલા મેઘરાજાની પધરામણી થવાને કારણે ભક્તોનો ઉત્સાહ વધારે વધ્યો છે.