Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > “ગુજરાતમાં BJP ઉમેદવાર તરીકે પૂતળાને ઉભું રાખે તો પણ જીતી જાય”

“ગુજરાતમાં BJP ઉમેદવાર તરીકે પૂતળાને ઉભું રાખે તો પણ જીતી જાય”

0
100

ગુજરાતમાં નગર પાલિકાઓની ચૂંટણી પત્યા પછી ગામે-ગામ રાજકારણમાં રસ ધરાવતા લોકો નવરા થતાં બપોરનું ભોજન પતાવીને વૃક્ષના શિતળ છાયડામાં ઓટલ પરિષદ જમાવવા લાગ્યા છે. આ ચર્ચાઓમાં બીજેપીની જીત અને કોંગ્રેસના રકાશની સાથે-સાથે ગામડાઓના લોકોની મનોવૃત્તિ વિશે પણ ચર્ચા થાય છે.

આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચર્ચાનો મુખ્ય વિષય રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કરેલા પાછલા વર્ષોના વિકાસને લઈને તેમના ઉમેદવારોની ચર્ચા થવી સ્વભાવિક છે. બીજેપી-કોંગ્રેસ વર્ષોથી ગુજરાતમાં ચૂંટણી લડતી આવી છે. આ બંનેના મતદાતાઓ પણ લગભગ ફિક્સ છે. જોકે, આ વખતે આપે બંનેના મતદાતાઓને પોતાના પક્ષમાં ખેંચવાના હતા. જે લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી.

ગુજરાતમાં પ્રથમ વખત એક એવી પાર્ટી મેદાનમાં હતી, જેને પોતાના બધા જ વચનોને પાળીને બતાવ્યા છે અને તે છે કેજરીવાલની આમ આદમી પાર્ટી..

આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાના મતક્ષેત્રમાં વિકાસ થકી વોટ માંગ્યા અને પોતાને જીતાવવાની અપીલ કરી હતી. તો બીજી તરફ બીજેપી-કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફિક્સ વોટરોના ભરોશે બેસ્યા હતા.

બીજેપીની જીત પછી મહેસાણાના એક ગામની ઓટલા પરિષદમાં શું ચર્ચા થઈ-

આમ આદમી પાર્ટીની હારથી એક દુ:ખી વ્યક્તિએ કહ્યું કે- “લોકો હજું પણ પક્ષની વિચારસરણીમાંથી બહાર આવી રહ્યાં નથી. ગામના છોકરાઓના ભવિષ્યને નકારીને પક્ષની વિચારધારામાં વહી જઈ રહ્યાં છે. આ વખતે કેજરીવાલની પાર્ટીને તક આપવી જોઈતી હતી. વર્ષોથી ગુજરાતમાં કુલા જમાવીને બેસેલા ભાજપ-કોંગ્રેસના નેતા નઠોર થઈ ગયા છે. ચૂંટણી પત્યા પછી ગાયબ જ થઈ જાય છે, તેવામાં નવી પાર્ટીને તક આપતા તેમને પાઠ મળી શક્યો હોત.”

આ પ્રશ્નનો શાનદાર આપતા એક વ્યક્તિએ ગુજરાતના લોકોમાં બની બેસેલી માનસિકતાનો પરિચય આપી દીધો- તેને કહ્યું- “ગુજરાતમાં બીજેપી વ્યક્તિની જગ્યાએ પૂતળાને ઉભો રાખે તો પણ લોકો તેને જ વોટ આપે”… એટલે કે, વિરોધ પક્ષમાં ઉભેલા વ્યક્તિને (ઉમેદવાર) માત આપીને બીજેપીના ઉમેદવાર તરીકે ઉભેલો પૂતળો ચૂંટણી જીતી શકે છે.

આ વ્યક્તિના નાનકડા જવાબે ગુજરાતમાં પક્ષ વિશેની પોતાની વિચારધારાને લોકો કેટલી પ્રબળ રીતે પકડીને રાખે છે, તે દર્શાવે છે. કારણ કે, પોતાના બાળકોના ભવિષ્યને નજરઅંદાજ કરીને લોકો પરિવર્તન સ્વીકારવા માટે તૈયાર ના હોય તો વિચારો કે, ગુજરાતમાં બીજેપીની વિચારધારાની જનમાનસ પર કેટલી ઉંડી છાપ પડેલી હશે.

ચર્ચા આગળ વધતા એક વ્યક્તિએ કહ્યું કે- ગુજરાતમાં તો કોંગ્રેસ નામ માત્રની રહી ગઈ છે, તેથી આપ ઉમેદવારને તક આપીને કાદરપુરના તળાવને ભરવાની માંગ કરવી જોઈતી હતી. જો કોંગ્રેસના નેતાઓમાં ક્ષમતા અને કાબેલિયત હોત તો કાદરપુર તળાવને ભરી નાંખવામાં આવ્યું હોત…

જણાવી દઈએ કે, મહેસાણાના ખેરાલુ તાલુકામાં કાદરપુર નામનું એક તળાવ આવેલું છે… તેને ભરવાની વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે પરંતુ બીજેપી લોકોની માંગને નજર અંદાજ કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ યોગ્ય કામગીરી કરવામાં આવી રહી નથી.

કાદરપુર તળાવ અંગે જવાબ આપતા ઓટલા પરિષદમાં અનેક રીતના તર્ક-વિતર્ક સામે આવવા લાગ્યા… જેમાં એક તર્ક એવો પણ સામે આવ્યો કે, કેટલીક રાજકીય પાર્ટીના લોકોએ જ તળાવમાં ખેતરો બનાવી રાખ્યા છે, તેવામાં કાદરપુર તળાવનું ભરાવવું એક સ્વપ્ન સમાન વાત છે.

જણાવી દઈએ કે, ખેરાલુ તાલુકામાં દોઢ લાખથી વધારે લોકો વસવાટ કરે છે. (2011ની વસ્તી પ્રમાણે એક લાખ 33 હજાર વસ્તી) તાલુકામાં ખેતી ઉપર જીવન નિર્વાહ કરતાં લોકોને પાણીની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો, કાદરપુર તળાવને ભરવામાં આવે તો ખેરાલુ તાલુકાના અનેક ગામડાઓમાં પાણીની મુશ્કેલી દૂર થઈ જાય તો વર્ષોથી પાણીની રાહ જોતા લાખો ખેડૂતોનું જીવન ધોરણ સુધરી શકે છે. કાદરપુર તળાવ ઉપરાંત વરસંગ નામના વધુ એક તળાવને પણ ભરવાની વર્ષોથી માંગ થઈ રહી છે.

આમ ઓટલા ઉપર જામેલી ચર્ચાના અંતે કાદરપુર અને વરસંદ જેવા તળાવોને ના ભરીને લોકોને(ખેડૂતોને) ગરીબીમાં ધકેલવા પાછળ બીજેપી-કોંગ્રેસના નેતાઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા.

ઓટલા પરિષદમાં સામાન્ય લોકોને સ્પર્શતા મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચાઓ થઈ. મોંઘવારી અને ખેડૂતોના પાકના ભાવ વિશે પણ ચર્ચા થઈ. જોકે, અંતે કોઈ નિષ્કર્ષ નિકળી શક્યો નહીં. બધાએ તે માની લીધું કે, ગુજરાતમાં લોકો પોતાના પક્ષની વિચારધારામાંથી બહાર આવી શકે તેવું લાગી રહ્યું નથી. તેથી વર્ષો સુધી બીજેપી રાજ કરશે અને તેના નેતાઓ રાજાશાહીથી જીવન પ્રસાર કરશે. તો બીજી તરફ નમાલી કોંગ્રેસ સાચી સમસ્યાઓને લોકો સામે મૂકશે પણ નહીં અને તેના માટે લડશે પણ નહીં. તો લોકો મોંઘવારીની ચક્કીમાં પિસાતા રહેશે.

(આ ઓટલા પરિષદની ચર્ચામાં વ્યક્ત થયેલા લોકોના પોતાના વ્યક્તિગત વિચાર છે, જેના સાથે ગુજરાત એક્સક્લૂઝિવ સહમત હોય તેવું જરૂરી નથી)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat