Gujarat Exclusive > દેશ-વિદેશ > પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા પેટ્રોલિયમ મંત્રીએ રસીકરણનો પણ ખર્ચ ગણાવ્યો

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા પેટ્રોલિયમ મંત્રીએ રસીકરણનો પણ ખર્ચ ગણાવ્યો

0
63

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. દેશના સાત રાજ્યોમાં હાલ પેટ્રોલનો ભાવ રૂ. 100ને વટાવી ગયો છે જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડીઝલ પણ રૂ.100ને વટાવી ગયું છે. આમ છતાં કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે હાલ દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં ઘટાડાની સંભાવના નથી. સરકારને કોરોના સામે લડવા દેશભરમાં રસીકરણ કરવા, ગરીબ કલ્યાણ યોજનાઓ, સામાજિક કાર્યો તથા વિકાસ કામો માટે ભંડોળની જરૂર છે. સરકારની આ જરૂરિયાત પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી પૂરી થઈ રહી છે.

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ ચિંતાજનક છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામાજિક અને વિકાસ કાર્યો માટે વધુ રૂપિયાની જરૂર છે. કોંગ્રેસ હાલ પેટ્રોલ અને ડીઝલના વિક્રમી ભાવ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહી છે ત્યારે ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ આટલા મોંઘા શા માટે છે? રાહુલ ગાંધીને વાહન ઈંધણના ભાવથી ગરીબો પર પડતા બોજની ચિંતા હોય તો તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઈંધણ પરના કરમાં કાપ મૂકવા માટે મુખ્યમંત્રીઓને કહેવું જોઈએ. જોકે, ભાજપ શાસિત મધ્ય પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યો પણ કરમાં ઘટાડો કરશે કે કેમ તેવા પ્રશ્ન પર તેમણે મૌન સેવી લીધું હતુ. આ રાજ્યોમાં પણ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે.

દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પછી 4 મેથી છ સપ્તાહમાં કુલ 23 વખત પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. 5.72 અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 6.25નો ભાવ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધવા અને ઊંચા કેન્દ્રીય તથા રાજ્ય કરોના કારણે ઈંધણના ભાવ વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા છે. મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ લિ. દ્વારા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ધાટન કરતાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કોરોના સામે લડવા તેમજ વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વધુ ભંડોળની જરૂર છે. આ જરૂરિયાત પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી થતી આવકમાંથી પૂરી થઈ રહી છે.

તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર હાલમાં કોરોનાની બીજી લહેરથી અસરગ્રસ્ત ગરીબોને મફત ભોજન પૂરું પાડવા માટે રૂ. 1 લાખ કરોડનો ખર્ચ કરે છે. વધુમાં કોરોના સામે લડવા રસીકરણ અભિયાન અને હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પણ મોટો ખર્ચ થઈ રહ્યો છે. ઉપરાંત સરકાર વિકાસ કાર્યો પણ કરી રહી છે.

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 72 ડોલરને પાર થઈ ગયો છે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર રાજ્યોના વેટ અને ફ્રેઈટ ચાર્જના કારણે દેશમાં ઈંધણના ભાવ અલગ અલગ રહે છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ બે દાયકાના તળીયે પહોંચ્યા હતા ત્યારે કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલમાં ભાવ ઘટાડાનો લાભ લોકોને આપવાના બદલે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડયુટીમાં ધરખમ વધારો કર્યો હતો. વર્ષ 2014માં મોદી સરકાર બની ત્યારે પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 9.48 અને ડીઝલ પર રૂ. 3.56 એક્સાઈઝ ડયુટી હતી. જ્યારે હાલ પેટ્રોલ પર એક્સાઈઝ ડયુટી પ્રતિ લીટર રૂ. 32.90 છે, જે રીટેલ ભાવના 34 ટકા છે તથા ડીઝલ પર એક્સાઈઝ ડયુટી પ્રતિ લીટર રૂ. 31.80 છે, જે રીટેલ ભાવના 36.5 ટકા જેટલી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat