Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીનું ચૂંટણી પરિણામ ક્યારે? હાઈકોર્ટે કર્યો આ નિર્ણય

નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીનું ચૂંટણી પરિણામ ક્યારે? હાઈકોર્ટે કર્યો આ નિર્ણય

0
269

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીની ચૂંટણી થયાને આજે 3 મહીના થવા આવ્યા તે છતાં હજુ સુધી પરિણામ જાહેર ન થતા સભાસદોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં હોવાથી મત ગણતરી અટવાઈ પડી છે.

નર્મદા ધારીખેડા સુગર ચૂંટણી મામલે સુગર ફેકટરીના સભાસદ કલ્પેશ દેસાઈએ 74(C) બાબતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.જે તે સુગર ફેકટરી પોતે જ ચૂંટણી કરશે એના વિરોધમાં તથા ઝોન વાઇઝ ચૂંટણી એટલે કે એક વ્યક્તિ એક મત મામલે કલ્પેશ દેસાઈએ હાઈકોર્ટેમાં પિટિશન દાખલ કરી હતી.નર્મદા ધારીખેડા સુગર ફેકટરીનો મામલો એક તરફ હાઈકોર્ટમાં હતો તો બીજી તરફ નર્મદા ધારીખેડા સુગર ફેકટરી ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું.એ દરમિયાન હાઈકોર્ટે એવો હુકમ કર્યો હતો કે તમે ચૂંટણી ભલે કરો પણ જ્યાં સુધી હાઈકોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી મતગણતરી ન કરવી.

આ પણ વાંચો: આદીવાસી વિસ્તારમાં ઈકો સેન્સેટિવ ઝોન અને અનુસૂચિ-5 મુદ્દે આંદોલનના એંધાણ

નર્મદા ધારીખેડા સુગર ફેકટરીની 26/10/2020 ના રોજ ચુંટણી યોજાઈ હતી, જો કે હાઈકોર્ટના હુકમને પગલે છેલ્લા 3 મહિનાથી મતગણતરી અટવાઈ પડી છે.રાજપીપળા સરકારી હાઈસ્કૂલના એક રૂમમાં મતગણતરીની 25 પેટીઓને બન્નેવ પક્ષના સાક્ષીઓની સહીથી સિલ મારી ત્યાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે.

આ તમામની વચ્ચે નર્મદા ધારીખેડા સુગર ફેકટરીની મત ગણતરી મુદ્દે બન્નેવ પક્ષોએ સમજૂતી કરી હાઈકોર્ટમાં એવી એફિડેવિટ કરી છે કે પિટિશન મુદ્દે જ્યારે ચુકાદો આવશે અને જે ચુકાદો આવશે એ અમને માન્ય છે પણ સભાસદોના હિતને ધ્યાનમાં રાખી એક વાર અટવાઈ પડેલી મત ગણતરી થઈ જવી જોઈએ.જો કે હાઈકોર્ટે એમની આ એફિડેવિટને માન્ય રાખી નથી અને કહ્યુ છે કે હાઈકોર્ટના ચુકાદાની રાહ જુઓ.તો હવે ફરીથી મત ગણતરીની આશા પર પાણી ફરી વળ્યુ છે.

સામે વાળા પક્ષના વકીલે વાંધો લીધો એટલે હાઈકોર્ટે એફિડેવિટ ફગાવી: નરેન્દ્ર પટેલ, ઈન્ચાર્જ MD નર્મદા ધારીખેડા સુગર

ધારીખેડા સુગર ફેક્ટરીના ઈન્ચાર્જ MD નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સુગર ફેકટરી વિરુદ્ધ પિટિશન કરનારા વકીલે હાઈકોર્ટમાં વાંધો લીધો એટલે હાઈ કોર્ટે એફિડેવિટ ફગાવી છે ત્યારે સમજુતીથી એફિડેવિટનો કોઈ મતલબ રેહતો નથી.મતગણતરીની પેટીઓ સાંચવવાનો રોજનો 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ સુગર ફેક્ટરીએ ભોગવવો પડે છે.

આ પણ વાંચો: આગથી સીરમ ઈન્સ્ટીટ્યૂટને ₹ 1000 કરોડનું નુક્સાન, ‘કોવિશીલ્ડ’ના ઉત્પાદન પર કોઈ અસર નહીં

સુગરના વકીલે એફિડેવિટ થોડીક ખોટી કરી એટલે અમારા વકીલે વાંધો લીધો: કલ્પેશ દેસાઈ

હાઈકોર્ટમાં પિટિશન કરનારા કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે નર્મદા ધારીખેડા સુગરના વકીલે એફિડેવિટ થોડીક ખોટી તૈયાર કરી હતી.એટલે અગાઉ મેં જે પિટિશન કરી હતી એને એ એફિડેવિટથી નુકશાન થવાની મારા વકીલને સંભાવના લાગી હોવી જોઈએ એટલે વાંધો લીધો હશે.બાકી મત ગણતરી ન કરવા દેવાનો અમારો કોઈ ઈરાદો ન્હોતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9