ગુજરાતના બે શહેરો એવાં છે જેનાં નામ વડના વિશાળ વૃક્ષોના વનને લીધે પડ્યાં છે. એક વડોદરા (અસલ નામ વટપદ્ર) અને બીજું વલસાડ (અસલ નામ વડસાલ). એવું કહેવાય છે કે હજુ બસો વર્ષ પહેલાં પણ વલસાડ શહેર અને આસપાસમાં 1000થી વધુ વડ જોવા મળતાં હતાં. હવે વડ પણ નથી રહ્યાં અને વડસાલમાંથી અંગ્રેજોએ બલસાર કર્યું અને તેમાંથી વલસાડ નામને સ્થાનિક નગરજનોએ પણ સ્વીકારી લીધું છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને ગાંધીવિચારના મશાલચી નારાયણ દેસાઈની આ જન્મભૂમિ સુરત, નવસારી સિવાયના દક્ષિણ ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતી રહી છે.
Advertisement
Advertisement
મિજાજઃ
સમગ્ર ગુજરાતમાં બેઠકક્રમાંક 179 ધરાવતી જનરલ કેટેગરીની આ બેઠકની વિશેષતા એ છે કે તે સત્તાનો પવન પારખવામાં માહેર છે. ગુજરાતના વિભાજન પછી 1985 સુધીની તમામ ચૂંટણીઓમાં અહીં કોંગ્રેસના ઉમેદવાર જીતતા હતા, તો રાજ્યમાં સરકાર પણ કોંગ્રેસની બનતી હતી. 1990થી 2017 સુધી આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતે છે તો રાજ્યમાં સરકાર પણ ભાજપની બને છે. એટલે એવું કહેવાય છે કે વલસાડ જીતે એ ગુજરાત જીતે છે. કોંગ્રેસના ગઢમાં પહેલી વાર ગાબડું પાડનાર દોલતભાઈ દેસાઈ અહીંથી પાંચ ટર્મ સુધી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને 2002ના એક અપવાદને બાદ કરતાં કાયમ જંગી બહુમતિથી જીત્યા છે.
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | દૌલતભાઈ દેસાઈ | ભાજપ | 22,331 |
2002 | દૌલતભાઈ દેસાઈ | ભાજપ | 6,063 |
2007 | દૌલતભાઈ દેસાઈ | ભાજપ | 14,356 |
2012 | ભરતભાઈ પટેલ | ભાજપ | 35,999 |
2017 | ભરતભાઈ પટેલ | ભાજપ | 43,092 |
કાસ્ટ ફેબ્રિક
અનાવિલ સમાજનું સંખ્યાત્મક રીતે ઠીકઠાક પરંતુ પ્રભાવની દૃષ્ટિએ વ્યાપક પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર હવે કોળી સમુદાયનો દબદબો છે. આ પંથકના કોળી પટેલ અટક લખાવે છે અને સૌરાષ્ટ્રના કોળી કરતાં પોતાને અલગ ગણાવે છે. તેમનાંમાં શિક્ષણ અને રાજકીય જાગૃતિનું પ્રમાણ પણ ઘણું ઊંચું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી સમુદાય પણ ગેમ ચેન્જર મનાય છે. જૂનાં ગાયકવાડી રાજનું આરંભિક મથક રહ્યું હોવાથી મરાઠી સમુદાયની વસ્તી પણ નોંધપાત્ર છે. મુસ્લિમ અને દલિત સમુદાય પણ સારી એવી સંખ્યામાં છે. બંને પક્ષ અહીં કોળી સમાજના ઉમેદવાર પસંદ કરે એ સંજોગોમાં અન્ય સમાજના મત નિર્ણાયક બની જાય છે.
સમસ્યાઓઃ
સત્તાધારી પક્ષના ધારાસભ્ય ચૂંટાતાં હોવા છતાં આ વિસ્તાર પીવાલાયક પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. આઘાતજનક બાબત એ છે કે ગુજરાત રાજ્યની સરેરાશ કરતાં અહીં વધુ વરસાદ પડે છે છતાં ભૂગર્ભ જળ સતત નીચા જઈ રહ્યા છે અને જળસંચયની વ્યવસ્થા આજ સુધી ગોઠવી શકાઈ નથી. આ ચૂંટણીમાં જે મુ્દ્દો કોંગ્રેસ માટે આશાસ્પદ ગણાય છે એ છે રિવર લિન્ક પ્રોજેક્ટ. નદીઓના જોડાણના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ડેમ ધરમપુર વિસ્તારમાં બનવાનો હોવાથી સેંકડો આદિવાસીઓની જમીન છીનવાઈ જવાનો ડર ઊભો થયો છે. આ મુદ્દે ઉગ્ર આંદોલન થયા પછી કેન્દ્ર સરકારે નિર્ણય રદ જાહેર કર્યો હતો પરંતુ આંદોલનની ધૂણી હજુ ય ધખી રહી છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ ઠાસરાઃ ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાના પક્ષમાંથી આવેલાં પરમાર પર નિર્ભર
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
સ્થાનિક કોળી પટેલ સમાજના અધ્યક્ષ ભરત પટેલ બે ટર્મથી અહીં બિનવિવાદાસ્પદ ધારાસભ્ય તરીકે જાણીતા છે. પોતાના સમાજ ઉપરાંત અન્ય સમુદાય પર પણ સુમેળ ધરાવે છે. પરંતુ આ વખતે ભાજપ મહિલા ઉમેદવારને પ્રાધાન્ય આપે તો અહીં સોનલ સોલંકી(જૈન)નું નામ મુખ્ય દાવેદાર તરીકે ગણી શકાય. આ ઉપરાંત જિલ્લા પંચાયતની રાજનીતિમાં સક્રિય રહેતાં બિપીન પટેલ પણ રેસમાં હોવાનું કહેવાય છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસ આ વખતે ભાજપના ગઢમાં ગાબડું પાડવા તત્પર હોવાનું જણાય છે. રિવર લિન્કિંગ પ્રોજેક્ટ મુદ્દે આંદોલનમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની સક્રિયતાનો ફાયદો આ બેઠક પર પણ કોંગ્રેસને મળી શકે છે. ભાજપ જો મહિલા ઉમેદવારને તક આપે તો કોંગ્રેસ વતી શીતલબહેન પટેલ મુખ્ય દાવેદાર મનાય છે. એ ઉપરાંત ભોલાભાઈ પટેલ અને અનાવિલ અગ્રણી વિજય દેસાઈના નામ પણ નોંધપાત્ર છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ સંખેડાઃ આંખોને ઠારતાં રંગોના શહેરમાં કમનસીબે કશું રંગીન નથી
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ વલસાડ બેઠક માટે રાજેશ મંગુભાઈ પટેલ ઉર્ફે રાજેશ મરચાંની જાહેરાત કરી દીધી છે. રાજેશ પટેલ તેમનાં આખાબોલા અને ગરમ મિજાજના કારણે અહીં
મરચાંના ઉપનામથી ઓળખાય છે. વલસાડ નગરપાલિકામાં ત્રણ વખત અપક્ષ તરીકે ચૂંટાયેલા રાજેશ પટેલ એક વાર પ્રમુખ પણ બની ચૂક્યા છે. પાલિકાસ્તરના નેતાની છાપ છે ત્યારે તેઓ વિધાનસભા જેવા મોટા ફલક પર ભાજપના શહેરી મત તોડશે એવી ધારણા સ્થાનિક સ્તરે વ્યક્ત થઈ રહી છે.
Advertisement