ગુજરાતના સુલતાન મહંમદ બેગડાના શાસન વખતના સત્તાવાર દફતરમાં માતબર નામના તહેસીલનો ઉલ્લેખ જોવા મળે તો ચોંકવાની જરૂર નથી. એ આજનો ખેડા જિલ્લાનો માતર તાલુકો છે. ચરોતરના પ્રવેશદ્વાર ગણાતું માતર મહેસૂલી આવક અને ખેતઉપજમાં ભારે સમૃદ્ધ હોવાથી મુસ્લિમ શાસકો અને ગાયકવાડના ચોપડે તે માતબર તરીકે ઓળખાતું હતું. આજે હવે તેમાંથી બ નીકળી ગયો છે અને માતર રહી ગયું છે. એક તરફ અમદાવાદ અને બીજી તરફ નડિયાદ, આણંદ એવાં શહેરો વચ્ચે આવેલા માતર પાસે હવે માતબરના નામે જીઆઈડીસી વધી છે. મોટાભાગના લોકો અહીં ખેતી અને ખેતમજૂરી સાથે સંકળાયેલા છે. તાલુકા મથક તરીકે માંડ 18-20 હજારની વસ્તી ધરાવતા માતરના વિધાનસભા મતવિસ્તારમાં 2,30,673 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
1998 સુધી કોંગ્રેસના ઉમેદવારને જીતાડતો રહેલો આ મતવિસ્તાર એ પછી પૂર્ણતઃ ભાજપને સમર્થિત રહ્યો છે. ખેડા જિલ્લાના મોટાં ગજાના નેતા દેવુસિંહ ચૌહાણે નાની ઉંમરે પહેલી ચૂંટણી લડીને અહીં કોંગ્રેસના ઉમેદવાર તરીકે દિગ્ગજ નેતા નરહરિ અમીનને મ્હાત આપી એ પછી દેવુસિંહનો આ મતવિસ્તાર પર વ્યાપક પ્રભાવ રહ્યો છે. માતર બેઠક પર બે વાર ચૂંટાયા પછી દેવુસિંહ લોકસભાની ચૂંટણીમાં દિનશા પટેલને હરાવીને બીજી વાર જાયન્ટ કિલર સાબિત થયા હતા. અત્યારે કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી બની ચૂકેલા દેવુસિંહ માતર પર મજબૂત પકડ ધરાવે છે. ઉમેદવારની પસંદગીમાં અને તેને જીતાડવામાં તેમની મહત્વની ભૂમિકા રહે છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | ધીરુભાઈ ચાવડા | કોંગ્રેસ | 1,432 |
2002 | રાકેશ રાવ | ભાજપ | 10,018 |
2007 | દેવુસિંહ ચૌહાણ | ભાજપ | 7,799 |
2012 | દેવુસિંહ ચૌહાણ | ભાજપ | 11,640 |
2017 | કેસરીસિંહ સોલંકી | ભાજપ | 2,406 |
કાસ્ટ ફેબ્રિક
આશરે 41% જેટલી જનસંખ્યા ધરાવતો ક્ષત્રિય સમાજ અહીં કાયમ મહત્વપૂર્ણ ગણાય છે. બંને પક્ષો મોટાભાગે ક્ષત્રિય ઉમેદવારને જ ટીકિટ આપવાનું પસંદ કરે છે. એ ઉપરાંત 20% ઓબીસી, 16% મુસ્લિમ, 12% પાટીદાર અને 5% દલિતો પણ નિર્ણાયક બને છે. ભૂતકાળમાં અહીં નરહરિ અમીને પાટીદાર, મુસ્લિમ, દલિત એવું સમીકરણ બનાવીને જીતવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે હવે ક્ષત્રિયો અને પાટીદારોની વોટબેન્ક ભાજપ તરફ અડીખમ રહેતી હોય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ખંભાતઃ ચતુષ્કોણિય જંગ થાય તો કોંગ્રેસને ખો નીકળી જવાનો ડર
સમસ્યાઓઃ
ખેતી અને ખેતમજૂરી પર આધારિત હોવા ઉપરાંત અહીં રોજગારીના બીજા કોઈ વિકલ્પો નથી. જીઆઈડીસી ખૂબ સારી નામના ધરાવે છે પરંતુ ઉચ્ચશિક્ષણ મેળવેલા યુવાનોને નોકરી માટે અમદાવાદ પર આધારિત રહેવું પડે છે. માતર શહેરના વિકાસ માટે તૈયાર કરાયેલાં આયોજનો હજુ અમલમાં મૂકાયા નથી. આણંદ, નડિયાદની નજીક હોવાથી અહીં ઉચ્ચશિક્ષણ સંસ્થાઓ પણ ખાસ નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
કેસરીસિંહ સોલંકીની પહેલી ટર્મ અહીં ખાસ્સી વિવાદાસ્પદ રહી હોવાથી ભાજપ તેમને આ વખતે રિપિટ ન કરે એવી પૂરી શક્યતા છે. એ સંજોગોમાં હાલમાં નિરીક્ષકો સમક્ષ પંદરેક જેટલાં દાવેદારો ઊભર્યા હતા. જેમાં જનકસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ મુખ્ય ગણાય છે. ગોધરાના પોલીસ ઈન્સ્પેક્ટર રાજેશ મુંધવાએ પણ આ બેઠક માટે દાવેદારી કરીને આશ્ચર્ય સર્જ્યું છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ આંકલાવઃ કોંગ્રેસના અમિત સામે જ્યાં ભાજપના અમિત પણ ટૂંકા પડે છે
હરીફ કોણ છે?
કોંગ્રેસ મોટાભાગે આ બેઠક પર પાટીદાર, મુસ્લિમ, દલિત સમીકરણ સંતુલિત કરી શકે તેવા ઉમેદવારને ટીકિટ આપશે. નિરીક્ષકો સેન્સ લેવા આવ્યા ત્યારે 11 દાવેદારોના નામ ઊભર્યા હતા.
ત્રીજું પરિબળઃ
માહી સરપંચ તરીકે આ વિસ્તારમાં ભારે લોકપ્રિય ગણાતાં મહિપતસિંહ ચૌહાણને ઉતારીને આમઆદમી પાર્ટીએ અહીં માસ્ટરસ્ટ્રોક અજમાવ્યો છે. યુવાન અને કાર્યક્ષમ છબી ધરાવતા મહિપતસિંહ સ્થાનિક સ્તરે બહુ ઝડપથી લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. ‘શિક્ષણ કલ્યાણ સંકૂલ’ જેવી ગરીબ, નિરાધાર બાળકો માટેની યોજનાની સફળતાની દેશભરમાં નોંધ લેવાઈ છે. તેમની ઉમેદવારી ભાજપ અને કોંગ્રેસ બંનેને બહુ આકરી પડી શકે છે. યુવાનવયે દેવુસિંહ જાયન્ટ કિલર બન્યા હતા. આ વખતે એ જ દેવુસિંહની પ્રતિષ્ઠાને નવયુવાન મહિપતસિંહ તરફથી ખતરો છે. જોકે મહિપતસિંહ માતર ઉપરાંત ખંભાતથી પણ ઉમેદવારી કરવા ઈચ્છુક છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વાગરાઃ કોંગ્રેસના ગઢમાં હવે ભાજપનો હોંકારો સંભળાવા લાગ્યો છે
Advertisement