Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Article 370થી આઝાદીના એક વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં વિકાસે વેગ પકડ્યો ખરો?

Article 370થી આઝાદીના એક વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં વિકાસે વેગ પકડ્યો ખરો?

0
174
  • વિકાસની વૅક્સીનથી ઘાટીમાં આતંકવાદના અંતની કોશિશ
  • કાશ્મીરમાં યુવાઓને મળી રહ્યાં છે રોજગાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરને (Jammu Kashmir) વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર આર્ટીકલ 370 (Article 370)ની જોગવાઈનો અંત આણ્યા બાદ અહીં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. મોદી સરકાર (Modi Govt) ના આ ઐતિહાસિક નિર્ણયને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આર્ટીકલ 370 હટ્યા બાદ કાશ્મીર હવે ધીમે-ધીમે મુખ્ય પ્રવાહ તરફ વળી રહ્યું છે. જોવા જઈએ તો, નાની-મોટી ઘટનાઓને બાદ કરતાં કાશ્મીરમાં શાંતિ જોવા મળી રહી છે.

જો કે જમ્મુ-કાશ્મીરમાં એક એવી સમસ્યા છે, જેને ખતમ કરવો મોટો પડકાર છે. આ પડકાર છે સ્થાનિક લોકોને રોજગાર પૂરો પાડવાનો. એક વાત સાચી છે કે, જમ્મુ-કાશ્મીરમાં જ નહીં, પરંતુ દેશમાં પણ બેરોજગારીની સમસ્યા સતત માથુ ઉચકી રહી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં વિકાસનો મુદ્દો પણ ઘણો મહત્વનો છે.

અહીં રસ્તા, પાણી અને વીજળી જેવી સમસ્યાઓને સમાપ્ત કરવાની મોટી જરૂરિયાત છે. મોદી સરકાર આ દિશામાં આગળ પણ વધી રહી છે. સરપંચ અને પંચો મારફતે જમ્મુ-કાશ્મીરમાં વિકાસના કાર્યો પણ થઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારની સ્કીમ પણ હવે શરૂ થઈ રહી છે.

આર્ટીકલ 370ની નાબૂદી બાદ જમીન અને નોકરીની સમસ્યાના સમાધાન માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત અન્ય રાજ્યોના નાગરિકોને પણ કાશ્મીરમાં ડોમિસાઈલ મળવાનું શરૂ થઈ ગયું છે.

આ દરમિયાન પશ્ચિમી પાકિસ્તાનથી આવેલા 20 હજાર હિન્દુ પરિવારોને કાશ્મીરમાં વસવાટ કરવા દેવામાં આવ્યો. આટલું જ નહીં પ્રત્યેક પરિવારને 5.5 લાખ રુપિયાની સહાયતા પણ આપવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક યુવાઓને રોજગાર પૂરો પાડવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગ્રામ પંચાયતોને સશક્ત કરવામાં આવી રહી છે. ગામડાના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી 4483 પંચાયતોને 366 કરોડ રુપિયાની રકમ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર તરફથી ગ્રામ પંચાયતોને ઈન્ટરનેટ સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેથી યુવાઓને રોજગારની નવી તકો મળી શકે. આ ઉપરાંત રસ્તા, વીજળી અને પાણી જેવી જરૂરિયાતોમાં સારૂ કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: રામ જન્મભૂમિ જનારા પ્રથમ વડાપ્રધાન મોદી, અયોધ્યા પ્રવાસથી બનાવ્યા 3 રેકોર્ડ

મનરેગા અંતર્ગત સ્થાનિક લોકોને રોજગાર પૂરો પાડવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર “કૌશલ વિકાસ યોજના” અંતર્ગત પણ જમ્મુ-કાશ્મીરમાં રોજગારને વધારવા મથી રહી છે. સરકારે એક વર્ષ દરમિયાન 10 હજાર લોકોને સરકારી નોકરીઓ આપી છે. જ્યારે ટૂંક સમયમાં વધુ 25,000 નોકરીઓ આપવામાં આવશે.

આ એક વર્ષ દરમિયાન 170 કાયદાઓને અહીં લાગૂ કરવામાં આવ્યા. જેમાં સૂચનાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, વૃદ્ધો, વિકલાંગો, મહિલાઓ અને બાળકો માટે બનાવવામાં આવેલા ખાસ કાયદાઓ સામેલ છે. આ સિવાય રાજ્યના જૂના 164 કાયદાને રદ્દ કરવામાં આવ્યા છે. જ્યારે 138 કાયદાઓ એવા છે, જેને કેટલાક ફેરફારો સાથે ફરીથી લાગૂ કરવામાં આવ્યા છે.

આર્ટીકલ 370ના ખાત્મા બાદ સમયાંતરે કેન્દ્રીય મંત્રીઓએ પણ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, મંત્રીઓના આ પ્રવાસનો હેતુ જમ્મુ-કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે મેગા પ્લાન તૈયાર કરવાનો છે. જાન્યુઆરી મહિનામાં પણ મંત્રીઓએ કાશ્મીરનો પ્રવાસ ખેડ્યો હતો. જે બાદ એપ્રિલ મહિનામાં પણ કેન્દ્રીય મંત્રીઓ કાશ્મીરની મુલાકાત લેવાના હતા, પરંતુ કોરોના મહામારીના કારણે આ શક્ય નથી શક્યું નથી.

એક તરફ દેશ અનલૉક 3માં આગળ વધી રહ્યો છે, તો સામે કાશ્મીરના પણ વિકાસની રેસમાં પણ તેજી જોવા મળી રહી છે. એવી આશા છે કે, આર્ટિકલ 370ના હટ્યા બાદ કાશ્મીરના યુવા આતંકવાદનો રસ્તો છોડીને રોજગારના માર્ગે મુખ્યપ્રવાહમાં પરત ફરશે.