Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવા માંગ ઉઠી, કેમ ?

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવા માંગ ઉઠી, કેમ ?

0
30
  • વરસાદના અભાવ બાદ મેઘપ્રલયના કારણે ખેડૂતો બેહાલ

  • ખેડૂતોના પાક ધિરાણ માફ અથવા એકરની મર્યાદામાં રોકડાં ચૂકવવા માંગ

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ બિરાજતાંની સાથે જ ગુજરાતના ખાસ કરીને જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઇને ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ ઉઠી છે. પહેલાં વરસાદના અભાવે પછી અતિવુષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચુકવવા માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઇ છે.

નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના ભરતસીંહ આર. ઝાલાએ ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં અભિનંદન પાઠવવાની સાથોસાથ જણાવ્યું છે કે, થોડાં દિવસોથી ગુજરાતમાં અતિ વરસાદ અને પુરના કારણે જાનમાલ, ઘરવખરી, મકાનો પડી જવા, ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થઇ જવાથી માંડીને જમીન ધોવાણથી તબાહી સર્જાઇ છે. તો સરકાર દ્વારા ઝડપી વળતર ચૂકવવા કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં જૂન મહિનામાં વાવણી થયા બાદ અપુરતો વરસાદ થતાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોને ખરીફ ચોમાસું વાવેતરનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય તેમ છે. ઘણાં ગામોમાં તો તેમ પણ થવાની શક્યતા નહીવત છે. ત્યારે રાજયના તમામ ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને પાક ધિરાણ માફ કરવામાં આવે અથવા તો પછી લીધેલ પાક ધિરાણ જેટલું વળતર ચુકવવામાં આવે કાં તો પછી 10 એકરની મર્યાદામાં એકર દીઠ 25 હજાર રૂપિયા રોકડા ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો કુદરતી આપત્તિનો ભોગ બનતાં રહ્યાં છે. તો ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોના દેવા માંડવાળ કરી નવું ધિરાણ આપવાની દિશામાં યોગ્ય પગલાં ભરવા જોઇએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)