નવી દિલ્હી: ફરી એક વખત દિલ્હીમાં મેયરની ચૂંટણી યોજાઇ શકી નહતી અને દિલ્હી મહાનગરપાલિકાના સદનને સ્થગિત કરવુ પડ્યુ હતુ.
મેયરની સાથે સાથે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના સભ્યોની પણ ચૂંટણી યોજાવાની હતી પરંતુ આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપના કોર્પોરેટરોએ વિવાદ ઉભો કર્યો હતો. સવારે બેઠક શરૂ થયા પહેલા તમામ 250 કોર્પોરેટરોને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જે નારાબાજી વચ્ચે પૂર્ણ થયા હતા.
સદનની બહાર સુરક્ષાદળ તૈનાત કરવામાં આવ્યા
બેઠક દરમિયાન સદનની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં કમાન્ડો સિવાય સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ પણ સામેલ રહ્યા હતા. આ પહેલા 6 જાન્યુઆરીએ નોમિનેટ કાઉન્સિલરોને પહેલા શપથ અપાવવાને કારણે વિવાદ થયો હતો અને મેયરની ચૂંટણી યોજાઇ શકી નહતી.
સંજય સિંહે ભાજપ પર નિશાન સાધ્યુ
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપ પર ગુંડાગર્દીનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યુ કે તે ગુંડાગર્દી કરી રહ્યા છે. મહિલા કોર્પોરેટરો સાથે દૂર્વ્યવહાર કરી રહ્યા છે. 151 વોટ અમારા મેયરના પક્ષમાં હતા. કોઇ અહી આવી જાય પરંતુ આ 151 વોટ અહી જ ઉભા રહેશે, તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે દિલ્હીની જનતાએ તમને હરાવી દીધા તો તમે મેયરની ચૂંટણીમાં વિવાદ કરી રહ્યા છો.
દિલ્હી મહાનગરપાલિકાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી હતી. ફરી એક વખત મેયરની ચૂંટણી યોજાઇ શકી નહતી.