-
બોર્ડ દ્વારા એક દિવસમાં બે પેપર લઈ ત્રણ જ દિવસમાં પરીક્ષા પુર્ણ કરવાનું આયોજન
-
પરીક્ષા માટેનો સમય ઓછો આપવાના કારણે વાલી સહિત વિદ્યાર્થીઓમાં ગણગણાટ
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12માં પાસ થયેલા નિયમિત વિદ્યાર્થીઓ પૈકી પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓની 12 ઓગસ્ટથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. આ વિદ્યાર્થીઓએ 3 ઓગસ્ટ સુધીમાં શાળામાં પોતાનું પરિણામ જમા કરાવ્યું હતું અને હવે 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન તેમની પરીક્ષા લેવાશે.
બોર્ડ દ્વારા એક દિવસમાં બે પેપર લઈ ત્રણ જ દિવસમાં પરીક્ષા પુર્ણ કરવાનું આયોજન કર્યું છે. સંભવત આ પરીક્ષામાં રાજ્યના 500 જેટલા વિદ્યાર્થીઓ નોંધાય તેમ લાગી રહ્યું છે. જો કે પરીક્ષામાં વાંચવા માટેનો 15 દિવસ પણ નહીં આપવાની સાથોસાથ એક જ દિવસમાં બે પેપર લેવાની હોવાથી વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં અસંતોષની સાથે ગણગણાટ શરૂ થયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા રદ કરી પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેના આધારે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં આવ્યા હતા અને રાજ્યના 107264 વિદ્યાર્થીઓને પાસ જાહેર કરતું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયું હતું. જોકે, આ પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા પરીક્ષા લેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે-2021માં ધોરણ-12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ પૈકી પરિણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમિત વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડ સમક્ષ જમા કરાવી પુનઃ પરીક્ષા આપવા માંગતા હોય તેમના માટે અલગથી પરીક્ષા લેવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ માટે વિદ્યાર્થીઓને 3 ઓગસ્ટ સુધીમાં પોતાના પરિણામ શાળામાં જમા કરાવવા માટેની મુદ્દત આપવામાં આવી હતી.
હવે, ધોરણ-12 સાયન્સના જે વિદ્યાર્થીઓએ શાળા સમક્ષ પોતાના પરિણામ નિયત સમય મર્યાદામાં જમા કરાવ્યા છે તેવા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા 12 ઓગસ્ટથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
12 ઓગસ્ટથી શરૂ થનારી આ પરીક્ષા ત્રણ જ દિવસમાં પુર્ણ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. 14 ઓગસ્ટના રોજ આ પરીક્ષા પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા તરત જ પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કઈ તારીખે ક્યાં વિષયની પરીક્ષા લેવાશે
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 12 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાથી 2-30 વાગ્યા દરમિયાન ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરે 3થી 6-30 દરમિયાન અંગ્રેજી પ્રથમ અને દ્વીતીય ભાષાની પરીક્ષા લેવામાં આવશે. 13 ઓગસ્ટના રોજ સવારના સેશનમાં પ્રથમ ભાષા, દ્વીતીય ભાષા અને કમ્પ્યુટરની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરના સેશનમાં રસાયણ વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. જ્યારે 14 ઓગસ્ટના રોજ સવારના સેશનમાં ગણિત અને બપોરના સેશનમાં જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે.