નવી દિલ્હી: અત્યાર સુધીના સૌથી મોટા સોશિયલ મીડિયા ડેટા લીકનો પર્દાફાશ થયું છે. આ મામલે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાઈબર પોલીસ અનુસાર આ ડેટા લીકમાં સરકારી અને બિન સરકારીના આશરે 16.8 કરોડ લોકોની માહિતી ચોરી લેવામાં આવી છે. જેમાં 2.55 લાખ સેનાના અધિકારીઓની પણ માહિતી સામેલ છે. આ ડેટા લીકને દેશનો સૌથી મોટો ડેટા લીક કહેવાઈ રહ્યો છે.
Advertisement
Advertisement
આ આખી ગેંગને તેલંગાણાની સાઈબરાબાદ પોલીસે પકડી છે. આ લોકો 140 જુદી જુદી કેટેગરીમાં ડેટા વેચી રહ્યા હતા. તેમાં સૈન્યના જવાનોના ડેટા ઉપરાંત દેશના તમામ લોકોના ફોન નંબર, NEETના વિદ્યાર્થીઓની ગુપ્ત માહિતી વગેરે સામેલ છે. ડેટા લિક અંગેની માહિતી સાઈબરાબાદ પોલીસના કમિશનર એમ.સ્ટીફન રવિન્દ્રએ આપી હતી.
આ મામલે સાત ડેટા બ્રોકર્સની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપી નોઈડાના એક કોલ સેન્ટરના માધ્યમથી ડેટા એકઠો કરી રહ્યા હતા. આરોપીઓએ સ્વીકાર્યું કે આ ચોરાયેલા ડેટાને 100 સાઈબર ઠગોને વેચી દેવાયો હતો. આ ડેટા લીકમાં 1.2 કરોડ વોટ્સએપ યૂઝર્સ અને 17 લાખ ફેસબુક યૂઝર્સનો ડેટા સામેલ છે.
સેનાના જવાનોના ડેટામાં તેમના વર્તમાન રેન્ક, ઈમેઈલ આઈડી, પોસ્ટિંગનું સ્થળ વગેરે સામેલ છે. આ ડેટાનો ઉપયોગ સૈન્યની જાસૂસી માટે થઈ શકે છે. પોલીસના અહેવાલ અનુસાર આરોપીઓએ 50,000 લોકોના ડેટાને ફક્ત 2,000 રૂ.માં વેચી માર્યો હતો. ડીસીપી(સાઈબર ક્રાઇમ વિંગ) રીતિરાજે આ મામલે કહ્યું કે ગુપ્ત અને સંવેદનશીલ ડેટાના વેચાણ અને ખરીદી વિશે સાઈબરાબાદ પોલીસની સાઈબર ક્રાઈમ વિંગને એક ફરિયાદ મળી હતી. પોલીસ ગત બે મહિનાથી આ કેસ પર કામ કરી રહી હતી.
અગાઉ નવેમ્બર 2022માં વોટ્સએપના ભારત, અમેરિકા, સાઉદી અરબ અને ઈજિપ્ત સહિત 84 દેશોના યૂઝર્સનો ડેટા લીક થયો હતો અને આ ડેટાનું ઓનલાઇન વેચાણ પણ કરાયું હતું. દુનિયાભરના આશરે 48.7 કરોડ વોટ્સએપ યૂઝર્સનો ડેટા હેક કરાયો હતો. હેક કરાયેલા ડેટામાં 84 દેશોના વોટ્સએપ યૂઝર્સના મોબાઇલ નંબર પણ સામેલ હતા. જેમાં 61.62 લાખ ફોન નંબર ભારતીયોના હતા.
Advertisement