ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક દલિત યુવકને ઝાડ સાથે બાંધીને મારવાનો કિસ્સો સામે આવ્યા બાદ પોલીસે એક વ્યક્તિની અટકાયત કરીને ફરિયાદ દાખલ કરી છે.
એક રિપોર્ટ અનુસાર, આ ઘટનાનો વીડિયો સોમવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીની ઓળખ ભઈલુજી સોલંકી તરીકે થઈ છે, જ્યારે પીડિત યુવકનું નામ રાકેશ પરમાર છે.
રાકેશના પિતા બચુભાઈએ સિહોરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં દારૂનો ધંધો કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે એટ્રોસિટી અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રાકેશ અને તેના કાકા રમેશ પરમાર વચ્ચે ફોનને લઈને વિવાદ થયો હતો. હકિકતમાં રમેશે એક મોબાઈલ રિપેર કરવા માટે રાકેશને સોંપ્યો હતો, જે બાદમાં રાકેશે ફોન પરત નહતો કર્યો. આ મામલે બન્ને વચ્ચે ઝઘડો ચાલતો હતો અને વિવાદ વધતા રાકેશે તેના કાકા સાથે મારપીટ કરતા તેમને પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, રમેશને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ ગામના દલિતો લોકોએ રાકેશને ઝાડ સાથે બાંધી દીધો હતો. જેમાં ભઈલુજી સોલંકી પણ સામેલ હતો. સોલંકીએ રાકેશની ધોલાઈ કરી અને ઘટના સ્થળ પર હાજર કેટલાક લોકોએ આ ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો.
આ ઘટનાની જાણ થતા સિહોરી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રાકેશને બચાવ્યો હતો. જો કે રાકેશે ફરિયાદ દાખલ ના કરાવતા જણાવ્યું કે, આ અમારો અંગત મામલો છે.
પોલીસને સોમવારે પાટણ સિવિલ હોસ્પિટલથી જાણ થઈ હતી કે, રમેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. જે બાદ પોલીસે રાકેશ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
બનાસકાંઠાના એસપી પ્રદીપ સેજુલે જણાવ્યું કે, જેવો સોમવારે ઘટનાનો વીડિયો વાયરલ થયો, તેવી તેમણે FIR દાખલ કરવાની કોશિશ કરી હતી. હાલ રાકેશ ફરાર થઈ ગયો છે. અમે ફરિયાદ દાખલ કરવા માટે રાકેશના પિતા બચ્ચુભાઈનો સંપર્ક કર્યો, તો તેમણે સોલંકીનું નામ બતાવ્યું, જેણે તેમના પુત્ર સાથે મારપીટ કરી હતી.
જો કે પોતાના પુત્રને ઝાડ સાથે કોણે બાંધ્યો, તે અંગે બચુભાઈ કશું જાણતા હોવાનો ઈન્કાર કર્યો હતો. આથી વીડિયોને આધારે અમે લોકોને ઓળખવાની કોશિશ કરી રહ્યા છીએ. જેથી ફરિયાદ દાખલ થઈ શકે. હાલ સોલંકીને ધરપકડ કરવામાં આવી છે.
એસપી પ્રદીપ સેજુલેના જણાવ્યા મુજબ, સોલંકી ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતો હતો અને તેની ઉપર 8 ગુના નોંધાયા છે.