આમ તો ગુજરાતમાં મે મહિનામાં ગરમી સામાન્ય હોય છે. મે મહિનામાં 42 થી 43 ડિગ્રી ગરમી સામાન્ય છે. પરંતુ આ વખતે માર્ચ અને એપ્રિલ મહિના દરમ્યાન સતત વરસાદી માવઠાને કારણે ગરમીનું પ્રમાણ નહીવત્ત રહ્યું હોવાથી ગરમીનો ચમકારો જોવા મળ્યો ન હતો.
Advertisement
Advertisement
પરંતુ ગરમીની સાથે સાથે જ અમદાવાદની હોસ્પિટલોમાં લૂ લાગવાના કેસો વધી રહ્યા છે. ગઈકાલે અમદાવાદ અને ગુજરાતના અન્ય સ્થળોએ ગરમીનો પારો 44ને ક્રોસ કરતાં સંખ્યાબંધ લોકોને તાવ આવવો, શરીરના ધબકારા વધી જવા, ઊલટી-ઉબકાની ફરીયાદો ઉઠવા પામી હતી.
નિષ્ણાંતોના કહેવા અનુસાર સતત એ.સીમાંથી જો સીધા જ આ ગરમીમાં જવામાં આવે તો લૂ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. આવી ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર સૂર્યના સીધા પ્રકાશમાં ના આવવું જોઈએ. બને તેટલું વધુ પાણી પીવું જોઈએ જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે.
ઘણીવાર લૂ ઘાતક બની જાય છે અને જીવલેણ પર પૂરવાર થઈ શકે છે માટે કોઈ પણ પ્રકારના વધુ પડતાં આત્મવિશ્વાસમા આવી બપોરના સમયે ટુ વ્હીલર પર ફરવાની ખરેખર આવશ્યક્તા હોય તો પણ પૂરતું શરીર ઢંકાય એવા કપડાં પહેરીને જ જવું જોઈએ.
સોલા સિવિલ અને અસારવા સિવિલમાં લૂ લાગવાના કેસોમાં વધારો થયો છે. સિવિલમાં લૂના કેસો માટે ખાસ અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે જેથી તેમને ઝડપથી સારવાર મળી રહે.
લૂ લાગવાના કેસોનો આંકડો મળવો એટલે મુશ્કેલ છે કારણ કે દરેકમાં તે અલગ અલગ લક્ષણો અને રિકવરી ક્ષમતા સાથે અસર કરે છે. વળી સરકારી હોસ્પિટલો કરતાં પણ પ્રાઈવેટ અને નજીકના દવાખાનામાં પણ અનેક કેસો આવતા ચોક્કસ આંકડો જાણી શકાતો નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ગરમી વધવાથી લૂના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
લૂ લાગવાના લક્ષણો ઘણીવાર દેખાતા પણ નથી અને અચાનક પાણી ઓછું થવાથી શરીર નિષ્ક્રિય થઈ જાય છે, ધબકારા વધી જાય છે અને અચાનક મૂંઝવણ અને ગભરામણ પણ થતી જોવા મળે છે. તો આવી પરિસ્થિતિ ટાળવા માટે બહાર ન નીકળવું અને નીકળવું પડે તો શરીર ઢંકાય એટલા કપડાં કે બંધ બોડીના વાહનમાં પ્રવાસ કરવો જોઈએ.
Advertisement