Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતને ઘમરોળી રહ્યું છે તૌકતે વાવાઝોડું: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, વૃક્ષો ધરાશાયી

ગુજરાતને ઘમરોળી રહ્યું છે તૌકતે વાવાઝોડું: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, વૃક્ષો ધરાશાયી

0
156

દિવથી પ્રવેશેલું વાવાઝોડું હવે સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને અતિભારે પવનના કારણે અનેક વૃક્ષો ધસાશાયી થઈ ગયા છે. ત્યારે જુનાગઢના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલી સિંહની પ્રતિમાં ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે ધરાશાઈ થઈ જવા પામી છે.

તો બીજી બાજુ સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

વાવાઝોડા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે છે. સંપૂર્ણ વાવાઝોડું દોઢ બે કલાકે શરૂ થશે. જેમાં 150 કિ.મી. પવન રહેશે. આખી પ્રક્રિયા ચાર કલાક ચાલે છે. ચાર જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વધુ અસર થશે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાની અસરમાં ઝાડ પડ્યા છે અને લાઇટો બંધ થઇ છે. જામનગર, રાજકોટ, પોરબંદર, આણંદ, ભરૂચ અને ધોલેરામાં પણ તેની અસર જોવા મળશે.

તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે.

નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. તકેદારીના ભાગરૂપે કાંઠા વિસ્તારના 16 ગામોમાં વીજ પૂરવઠો કાપી નાંખવામાં આવ્યો છે. ગીર-સોમનાથના ઉનામાં પણ ભારે પવનથી 200 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જેનાથી વીજપૂરવઠો ખોરવાઈ ગયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્થિતિની સમીક્ષા માટે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચી ગયા છે. તેમણે કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ થકી કાંઠા વિસ્તારના જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી છે.

“તૌકતે” વાવાઝોડાના પગલે અમદાવાદમાં પણ અનેક ઠેકાણે વરસાદ શરૂ થઈ ગયો છે.

તૌકતે વાવાઝોડાના પગલે એસ્ટ્રોનોમિકલ ટાઇડલ વેવ્ઝની ચેતવણી અપાઇ છે. જેમાં 3-4 મીટરના ટાઇડલ વેવ્ઝની અપેક્ષા છે. જ્યારે વાવાઝોડાની ગેલ વિન્ડ સ્પીડ 155-185 KMPH રહેવાની શક્યતા છે.

“તૌકતે” વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના મુખ્યમંત્રીઓ ઉપરાંત દીવ-દમણના પ્રશાસકો સાથે ટેલિફોનીક વાતચીત કરી છે.

ગુજરાતના કાંઠે ટકરાયા બાદ વાવાઝોડું નબળુ પડતું જશે. ગુજરાતમાં “તૌકતે”ની અસરથી મંગળવારે પણ દિવસભર વરસાદ પડી શકે છે. 18મીં મેના રોજ બપોર સુધી લૉ ડિપ્રેશનના ક્ષેત્રમાં બદલાતા તે હિમાલય તરફ આગળ વધી જશે.

ગુજરાતમાં 23 વર્ષ બાદ આટલું ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે. અગાઉ 9 જૂન,1998માં કચ્છ જિલ્લાના કંડલામાં આટલું જ ભયાનક વાવાઝોડુ આવ્યું હતું. જેમાં 1,173 લોકોના મોત થયા હતા, જ્યારે 1,774 લોકો ગુમ થઈ ગયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat