Gujarat Exclusive > દેશ-વિદેશ > અમ્ફાન અને નિસર્ગ બાદ ભારત તરફ આવી શકે વધુ એક વાવાઝોડું, હવામાન વિભાગ દ્વારા એલર્ટ

અમ્ફાન અને નિસર્ગ બાદ ભારત તરફ આવી શકે વધુ એક વાવાઝોડું, હવામાન વિભાગ દ્વારા એલર્ટ

0
1337

નવી દિલ્હીઃ ભારતમાં અમ્ફાન અને નિસર્ગ બાદ વધુ એક ચક્રવાતી વાવાઝોડાંનો ખતરો જોવાં મળી રહ્યો છે. આ વાવાઝોડું બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણને કારણે સર્જાઈ શકે છે. જો કે હજી સુધી એ સ્પષ્ટ રીતે કહી ના શકાય કે આ ઓછું દબાણ ચક્રવાતનું રૂપ લેશે કે નહીં. હવામાન વિભાગ અનુસાર 4-5 દિવસો સુધી તેની પર સતત નજર રાખવામાં આવશે.

વાવાઝોડું સર્જાવાનો ખતરો

સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્ર સામાન્ય રીતે કોઈ પણ તોફાનનું પ્રથમ સ્ટેજ છે. જો તે ચક્રવાતી વાવાઝોડાંમાં પરિવર્તિત પણ ના થાય તો પણ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે. આવી પરિસ્થિતિમાં ઓડિશામાં 10 જૂનની આસપાસ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર આવતા સપ્તાહે ઓડિશા તરફ આગળ વધી શકે છે. તેઓએ કહ્યું કે, ‘લો પ્રેશર એ ચક્રવાતી પ્રવાહનો એક પ્રકાર છે અને તે ચક્રવાતનો પ્રથમ તબક્કો છે. જો કે તે જરૂરી નથી કે નીચા દબાણવાળા દરેક ક્ષેત્રમાં ઝડપથી વધારો થઇને તે ચક્રવાત બની શકે. પરંતુ અમારી નજર સતત તેની પર છે.’

 

એક મહિનામાં 2 વાવાઝોડાં

છેલ્લાં એક મહિનામાં દેશમાં 2 નવા વાવાઝોડાં આવ્યાં છે. પ્રથમ વાવાઝોડું ગયા મહિને બંગાળ અને ઓરિસ્સામાં આવ્યું હતું. ભારતમાં આ સદીનું પ્રથમ સુપર સાયક્લોન હતું. પછી હવાની ગતિ ઓછી થઇ ગઇ હતી. વાવાઝોડાંથી બંગાળ અને ઓરિસ્સામાં ભારે નુકસાન થયું હતું. એકલા બંગાળમાં જ ઓછામાં ઓછાં 80 લોકોનાં મોત થયાં હતાં. આ અઠવાડિયે જ અરબ સાગરમાં નિસર્ગ વાવાઝોડાંએ ભારે કહેર વર્તાવ્યો હતો. આ વાવાઝોડાંની ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની હતી. જેનાંથી મહારાષ્ટ્રમાં અલીબાગ ખાતે અને પાલઘર ખાતે વધારે અને ગુજરાતમાં થોડું નુકસાન થયું હતું.

ઓછા દબાણને કારણે ચોમાસાંને ફાયદો

બંગાળની ખાડીની ઉપર ચક્રાવાતી પ્રવાહ બનવાની સંભાવનાને કારણે ચોમાસાને આગળ વધવામાં મદદ મળશે. બંગાળની ખાડી ઉપર ચક્રાવાતી પ્રવાહની બનવાની સંભાવનાને જોતાં ચોમાસાની ઝડપમાં વધારો થતો જોઈ શકાય છે. મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદ ભારે જોર પકડે તેવી શક્યતા છે.

ઑક્સફોર્ડની કોરોના વેક્સીનનું ભારતમાં ઉત્પાદન શરૂ, લાખો ડોઝ કરાશે તૈયાર