જી-7 દેશો દ્વારા રશિયન તેલની કિંમત પ્રતિ બેરલ 60 ડોલર સુધી સીમિત કરવાના કરાર બાદ સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
Advertisement
આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાતા બ્રેન્ટ ક્રૂડની કિંમત એશિયન વેપારમાં લગભગ એક ટકા વધી છે.
યુક્રેન પર હુમલા બાદ રશિયા પર દબાણ લાવવાના ઉદ્દેશ્યથી પશ્ચિમી દેશોએ આ કરાર કર્યો છે, જે સોમવારથી લાગુ થયો છે.
ઘટતા વિકાસ દર અને વધતા વ્યાજદર વચ્ચે ઓપેક પ્લસ દેશો તેલ ઉત્પાદન ઘટાડવાના તેમના નિર્ણય પર અડગ રહ્યા બાદ આ સમજૂતી થઈ છે.
ઓપેક પ્લસ તેલ નિકાસ કરતા 23 દેશોનું જૂથ છે, જેમાં રશિયાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનું કેટલું વેચાણ કરવું તે નક્કી કરવા માટે જૂથ નિયમિત અંતરાલ પર બેઠક કરે છે.
ગયા અઠવાડિયે G-7 અને ઑસ્ટ્રેલિયાએ સંયુક્ત નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે રશિયન તેલની કિંમત પર બેરલ દીઠ $60ની મર્યાદા સોમવારથી અમલમાં આવશે. આ જૂથનું કહેવું છે કે આ પગલું રશિયાને યુક્રેન પર હુમલા બાદ નફો કમાવાથી રોકશે.
આ કરારનો સીધો અર્થ એ છે કે માત્ર 60 ડોલર પ્રતિ બેરલ અથવા તેનાથી ઓછા ભાવે ખરીદાયેલ રશિયન તેલ જ G-7 અને યુરોપિયન યુનિયન ટેન્કરો દ્વારા મોકલી શકાય છે. આ સાથે આ કિંમતે રશિયન તેલ ખરીદનારાઓને વીમા કંપનીઓ અને ક્રેડિટ સંસ્થાઓ પાસેથી મદદ લેવાની છૂટ આપવામાં આવશે.
આ પગલાથી રશિયા માટે તેનું તેલ ઊંચા ભાવે વેચવાનું વધુ મુશ્કેલ બનશે કારણ કે ઘણી મોટી શિપિંગ અને વીમા કંપનીઓ G-7 દેશોમાં છે.
G-7એ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનો સમૂહ છે. જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે.