Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, અમદાવાદમાં વૃદ્ધાનું મોત

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, અમદાવાદમાં વૃદ્ધાનું મોત

0
367

અમદાવાદ: ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 39 પર પહોંચી છે, ત્યારે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી 85 વર્ષની વૃદ્ધ મહિલા મોતને ભેટી છે. અગાઉ પણ સુરતમાં કોરોનાએ એક વ્યક્તિનો ભોગ લીધો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોરોનાના કારણે મોતને ભેટેલી વૃદ્ધ મહિલા ગત 14 માર્ચે જ મક્કા-મદિનાથી અમદાવાદ પરત ફરી હતી. જેમનામાં કોરોના વાઈરસના લક્ષણો જોવા મળતા 22 માર્ચે તેમને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બુધવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોનાના કારણે મોત થયું હોય તેવો આ પ્રથમ બનાવ છે. જ્યારે આ સાથે જ રાજ્યમાં કોરોનાએ 2 લોકોનો જીવ લીધો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે વધુ 4 પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં 7 દિવસમાં કુલ 39 કેસ નોંધાયા છે. બુધવારે સાંજે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ 4 દર્દીઓ નોંધાયા છે.