Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આઇસોલેટેડ દર્દીઓના કોવિડ ઇન્સ્યુરન્સ કલેઇમ મંજુર કરાતા નથી : GCCI

આઇસોલેટેડ દર્દીઓના કોવિડ ઇન્સ્યુરન્સ કલેઇમ મંજુર કરાતા નથી : GCCI

0
55
  • દાવાની રકમના સેટલમેન્ટમાં ભારે કપાત કરાતી હોવાની ફરિયાદો ઉઠી

  • જીસીસીઆઇએ રાજયના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને ઉકેલ લાવવા વિનંતી કરી

ગાંધીનગર: કોરોનાના કહેરના કારણે હોસ્પિટલો હાઉસફૂલ થઇ જતી હતી. પરિણામે ગંભીર દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ થવા અપીલ કરવામાં આવી હતી. જેના કારણે ઘણાં લોકોએ હોમ આઇસોલેશનમાં રહીને જ કોવિડ 19ની સારવાર લીધી હતી. પરંતુ તેઓને કોવિડ ઇન્સ્યુરન્સ કલેઇમ મંજુર કરવામાં આવતા નથી. તેમ જ દાવાની રકમના સેટલમેન્ટમાં પણ ભારે કપાત કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( જીસીસીઆઇ ) દ્વારા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને મેડિકલેઇમ પોલીસી અંતર્ગત કોવિડ કલેઇમ સેટલમેન્ટ માટે વીમા કંપનીઓને માર્ગદર્શિકા જારી કરવાની વિનંતી કરી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુ પટેલ તથા ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સના ચેરમેન નિલેશ દેસાઇએ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉદ્દેશીને લકેલા પત્રમાં જણાવ્યું છે કે, ઘણાં વીમાધારકોને જેઓ કોવિડ 19ના કારણે હોસ્પિટલ રૂમ ઉપલબ્ધ ના હોવાના કારણે હોમ આઇસોલેટેડ છે, તેઓને કોવિડ ઇન્સ્યુરન્સ કલેઇમ મંજુર કરવામાં આવતા નથી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસની બીજી લહેરમાં મોટા પ્રમાણમાં કેસમાં વધારાને લીધે હોસ્પિટલની અને ઓક્સિજનનો પુરવઠાની અછત સર્જાયેલ છે. તેના કારણે હાલના સંજોગોમાં દર્દીઓ કે જેઓ હળવા એસિમ્પટોમેટિક અને સાધારણ વાયરલ લોડ હોય તેઓને ઘરે જ આઇસોલેટ કરવાની ભલામણ કરવામાં આવે છે.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં વીમાધારકોને તાત્કાલિક રાહત આપવી જોઇએ. જયાં દર્દી હોમ આઇસોલેટેડ હોય તેઓનો પણ કલેઇમ મંજુર કરવો જોઇએ. પરંતુ જાહેર ક્ષેત્રની કંપનીઓ સહિત મોટાભાગની વીમા કંપનીઓ આ કેસની સંપૂર્ણ રકમ પર સમાધાન કરવાનો ઇન્કાર કરી રહી છે. અને દાવાની રકમના સેટેલમેન્ટમાં ભારે કપાત લાદવામાં આવે છે.

તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે, ઘણી વીમા કંપનીઓએ તેમની કોવિડ વિશિષ્ટ નીતિઓ મંજુર કરવામાં આવતી રકમની મર્યાદા નક્કી કરી છે. તેથી પોલીસી માટે નિશ્ચિત/ચોક્કસ મર્યાદા કાઢી નાંખીને મહત્તમ રકમની ભરપાઇ કરવામાં આવે તેવી વિનંતી કરી છે. સાથોસાથ મેડિકલેઇમ પોલીસ ધારકો માટે હોમ કેર અને ડે- કેર સારવાર સહિતના કોવિડ સમયગાળા દરમિયાન થતાં ખર્ચનો દાવો કરવા માટે ગાઇડલાઇન્સમાં સુધારો કરવો જોઇએ.

ઇરડાના પરિપત્ર મુજબ વીમા કંપનીઓને તેમની નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સુવિધાઓ આપવી જોઇએ તેવી માંગણી કરતાં કહ્યું છે કે, પરિપત્ર બહાર પાડયા પછી ગુજરાતના તમામ એસોસીએશનો/ વેપારીઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ફરિયાદ કરી રહ્યા છે કે, વીમા કંપનીઓકોઇપણ હોસ્પિટલોને કેશલેસ સુવિધા આપી રહ્યાં નથી.

તમામ કેસો ભરપાઇમાં જ થઇ રહ્યાં છે. અને સેટેલમેન્ટમાં વિલંબ સાથે ભારે કપાત કરવામાં આવે છે. જેથી ઇરડાને વિનંતી છે કે ઇરડામાંથી એક વ્યક્તિને આ પ્રશ્નનો હલ કરવા માટે જીસીસીઆઇ ઇન્સ્યુરન્સ ટાસ્ક ફોર્સ કમિટી અને વીમા કંપનીઓ સાથે સંકલન કરવામાં આવે અને કોવિડ 19ને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાને ઝડપી બનાવવા અંગે ચર્ચા કરવા ગુજરાત રાજયની વીમા કંપનીઓ સાથે સંયુક્ત બેઠક યોજવામાં આવે તેવી પણ તેઓએ વિનંતી કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat