કોરોનાના રોકેટ ઝડપે વધી રહેલા કેસના પગલે હવે ગુજરાત સરકારે 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે કોરોનાના કેસમાં આવી રહેલા ઉછાળાના પગલે ગુજરાત સરકાર પર આ સમિટ મોકૂફ રાખવા માટે દબાણ વધી રહ્યુ હતુ. આ સમિટમાં અન્ય દેશોના મહાનુભાવોના હાજર રહેવા પર પણ સવાલ ઉભો થયો હતો.
સમિટમાં 5 દેશો રશિયા, સ્લોવેનિયા, નેપાળ સહિતના પાંચ દેશોના વડાપ્રધાન, 15 દેશોના વિદેશ મંત્રીઓ હાજર રહેવાના હતા. તે સિવાય 26 પાર્ટનર દેશના પ્રતિનિધિઓ પણ હાજરી આપવાના હતા. ઉપરાંત 4 દેશોના ગર્વનર પણ તેમાં હાજરી આપવાના હતા. પીએમ મોદી દ્વારા સમિટનુ ઉદ્ધાટન થવાનુ હતુ. હવે વાઈબ્રન્ટ ગુજરાતની સાથે સાથે યોજાનાર ફ્લાવર શો પણ કેન્સલ કરવામાં આવે તેવી શક્યતા છે.
દરમિયાન કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, સરકારે બહુ મોડો નિર્ણય લીધો છે અને કરોડો રુપિયાનુ પહેલા જ આંધણ થઈ ગયુ છે.